સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર દલીલોની સુનાવણી પૂરી કરી લીધી છે અને આશા છે કે ટૂંક સમયમાં તે ચુકાદો આપશે. ૨૦૧૭ના બજેટમાં આ યોજના રજૂ થયાને હવે છ વર્ષ થઈ ગયાં છે. આ છ વર્ષ દરમિયાન રાજકીય પક્ષોને અબજો રૂપિયા ગુપ્ત દાનના રૂપમાં મળી ચૂક્યા છે. હવે જાગ્રત નાગરિકો કહી રહ્યાં છે કે રાજકીય પક્ષોને અજાણ્યાં લોકો અબજો રૂપિયાનું દાન આપી શકે તે ભારતીય લોકશાહી માટે જોખમી પદ્ધતિ છે.
તે સમયે આખું કોળું શાકમાં ગયું હોવાની ઘણાં લોકોને જાણ હતી; તો પણ આ મુદ્દો છ વર્ષ પછી કોર્ટમાં ચર્ચાઈ રહ્યો છે તે ભારતીય લોકશાહીની અને ન્યાયપદ્ધતિની લાક્ષણિકતા છે. ઘણાં વાચકોને બોન્ડની પૃષ્ઠભૂમિની માહિતી નથી અને ચૂંટણી બોન્ડ શું છે તે તેઓ જાણતા નથી. ટૂંકમાં, ચૂંટણી બોન્ડ કોઈ પણ રજિસ્ટર્ડ રાજકીય પક્ષને અમર્યાદિત તથા અનામી દાનની મંજૂરી આપે છે. આ યોજના વિદેશી સરકારો, ગુનાહિત ટોળકીઓ અને અલબત્ત કોર્પોરેટ હિતો સહિત કોઈને પણ રાજકીય પક્ષોને પ્રભાવિત કરવાની મંજૂરી આપે છે; કારણ કે રાજકીય પક્ષો તે દાન કોણે આપ્યું તે જાહેર કર્યા વિના અમર્યાદ નાણાં સ્વીકારી શકે છે.
આ યોજના જે રીતે રજૂ કરવામાં આવી હતી તેમાં કંઈક શરૂઆતથી જ ખોટું રંધાઈ ગયું હતું. વર્ષ ૨૦૧૭ના બજેટના ચાર દિવસ પહેલાં એક અમલદારે તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલીના ભાષણમાં આ યોજના જોઈ અને નોંધ્યું કે તે માટે રિઝર્વ બેન્કની સંમતિ જરૂરી છે. ચૂંટણી બોન્ડની રજૂઆત માટે આરબીઆઈ એક્ટમાં ફેરફારો કરવાની જરૂર હતી, જેની કેન્દ્ર સરકારને જાણ જ નહોતી. અધિકારીએ કાયદાને સુધારવા માટેનો મુસદ્દો તૈયાર કર્યો અને ફાઈલને નાણાં મંત્રીને જોવા માટે ઉપર મોકલી. તે જ દિવસે આરબીઆઈને પાંચ લાઈનનો ઈ-મેઇલ મોકલવામાં આવ્યો હતો. તેનો જવાબ ૩૦ જાન્યુઆરીના રોજ આવ્યો. આરબીઆઈએ કહ્યું કે તે એક ખરાબ વિચાર છે; કારણ કે તે બેરર ઇન્સ્ટ્રુમેન્ટના એક માત્ર જારીકર્તા તરીકે આરબીઆઈની સત્તાની વિરુદ્ધમાં જતો હતો.
આ મુદ્દા પર આરબીઆઈનો બહુ સ્પષ્ટ મત હતો કે આને સરળ બનાવવા માટે કાયદામાં સુધારો કરવાથી કેન્દ્રીય બેંકિંગ કાયદાના મુખ્ય સિદ્ધાંતને ગંભીરતાથી નબળો પાડશે અને આમ કરવાથી ખરાબ દાખલો બેસશે. આરબીઆઈનો બીજો વાંધો એ હતો કે ચૂંટણી બોન્ડથી પારદર્શિતાનો હેતુ પણ સિદ્ધ થઈ શકશે નહીં; કારણ કે ચૂંટણી બોન્ડના મૂળ ખરીદનાર રાજકીય પક્ષના વાસ્તવિક યોગદાનકર્તા હોવા જરૂરી નથી. જો કોઈ વ્યક્તિએ બોન્ડ ખરીદ્યો હોય અને પછી તેને વિદેશી સરકાર સહિત કોઈ પણ હસ્તીને તેની ફેસ વેલ્યુ પર કે તેથી વધુ કિંમત પર વેચ્યો હોય તો તે હસ્તી તેને ભારતના રાજકીય પક્ષને ભેટ આપી શકે છે.
રિઝર્વ બેન્કે ચૂંટણી બોન્ડની યોજના સામે વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે ચૂંટણી બોન્ડ બેરર બોન્ડ છે અને તેને ડિલિવરી દ્વારા ટ્રાન્સફર કરી શકાય છે. તેથી આખરે અને ખરેખર કોણ રાજકીય પક્ષને ચૂંટણી બોન્ડનું દાન આપે છે તે જાણી શકાશે નહીં. તેમાં છેલ્લો મુદ્દો એ હતો કે ચૂંટણી બોન્ડ યોજના દ્વારા જે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો કે સંસ્થાઓના બેંકનાં ખાતાંમાંથી રાજકીય પક્ષોને નાણાંનું ટ્રાન્સફર ચેક, બેંક ટ્રાન્સફર અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા થઈ શકે છે. તેના માટે રિઝર્વ બેન્કનું કહેવું હતું કે એક સ્થાપિત આંતરરાષ્ટ્રીય પ્રથાને ખલેલ પહોંચાડીને, ચૂંટણી બોન્ડની રચનાની કોઈ વિશેષ જરૂર નથી અથવા તેનો લાભ નથી.
કેન્દ્ર સરકાર વતી ચૂંટણી બોન્ડને લગતી બાબતનું સંચાલન કરવાનો આરોપ જે વ્યક્તિ પર હતો તેઓ હસમુખ અઢિયા હતા, જે ગુજરાત કેડરના યોગ વિષયમાં પીએચડી સાથેના આઈએએસ અધિકારી હતા. તેમણે અગાઉ જીએસટી બિલનું સંચાલન પણ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તેઓ અત્યંત વિશ્વાસુ હતા. વડા પ્રધાનને નોટબંધીની સલાહ પણ તેમણે જ આપી હતી. હસમુખ અઢિયાને નિવૃત્ત થયા પછી પહેલાં બેંક ઓફ બરોડાના ચેરમેન અને પછી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર બનાવવામાં આવ્યા હતા.
તેમણે આરબીઆઈના વાંધાઓને બે આધાર પર ફગાવી દીધા હતા. પ્રથમ, તેમણે કહ્યું હતું કે ‘‘એવું લાગે છે કે આરબીઆઈ દાતાની ઓળખ ગુપ્ત રાખવાના હેતુ માટે ચૂંટણી બોન્ડ રાખવાની સૂચિત પદ્ધતિને સમજી શકી નથી. આ દાન ફક્ત સંપૂર્ણ ટેક્સ ચૂકવેલા નાણાંમાંથી જ કરવામાં આવે છે. તેનો મતલબ હતો કે મૂળ ખરીદનારને તેમના સત્તાવાર બેન્ક ખાતાં દ્વારા બોન્ડ મેળવવાના હતા, જે દાનને શુદ્ધ બનાવે છે.’’આ આરબીઆઈના ચોક્કસ વાંધાઓનો જવાબ ન હતો. હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડ વટાવવા માટેની રાખવામાં આવેલી ૧૫ દિવસની સમયમર્યાદા આરબીઆઈના અન્ય ભયને દૂર કરશે.
હસમુખ અઢિયાએ બીજી દલીલ એ કરી હતી કે આ સલાહ પણ ઘણી મોડી આવી છે, જ્યારે ફાઇનાન્સ બિલ પહેલેથી જ છપાઈ ગયું હતું. આરબીઆઈનો જવાબ તો ખરેખર ઈ-મેઇલ મોકલ્યાના કલાકોમાં આવી ગયો હતો. તે ભાગ્યે જ આરબીઆઈની ભૂલ હતી કે તેની સલાહ અગાઉ માંગવામાં આવી ન હતી. આ તો એક જાતની છેતરપિંડી હતી, પરંતુ હસમુખ અઢિયાએ તારણ કાઢ્યું હતું કે ‘‘અમે અમારી દરખાસ્ત સાથે આગળ વધી શકીએ છીએ.’’હસમુખ અઢિયાના સાથી, આર્થિક બાબતોના સચિવ તપન રે, તે જ દિવસે તેમની સાથે સંમત થયા હતા અને તા. ૧ ફેબ્રુઆરીના રોજ તત્કાલીન નાણાં પ્રધાન અરુણ જેટલીએ તેમના બજેટ ભાષણ દરમિયાન રાજકીય પક્ષોને ગુપ્ત દાન આપવાની આ યોજનાની જાહેરાત કરી હતી, જે બજેટ પસાર થતાં કાયદો બની ગઈ હતી.
ચૂંટણી બોન્ડની યોજના જાહેર થઈ ગઈ તે પછી હફિંગ્ટન પોસ્ટના પત્રકાર નીતિન સેઠી દ્વારા નાણાં મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે ‘‘શા માટે સરકારે આરબીઆઈના વાંધાઓની અવગણના કરી?’’ત્યારે નાણાં મંત્રાલયે કહ્યું હતું કે ‘‘તેણે સદ્ભાવના સાથે વ્યાપક જાહેર હિતમાં આ નિર્ણય લીધો છે.’’નીતિન શેઠીએ આરટીઆઈના કાર્યકર્તા કોમોડોર લોકેશ બત્રા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે ચૂંટણી બોન્ડ બાબતમાં સંશોધનાત્મક લેખો લખ્યા હતા. જ્યારે ચૂંટણી બોન્ડ અંગેનો કાયદો પસાર થયો ત્યારે તેની વિગતો જાહેર કરવામાં આવી ન હતી.
જૂન ૨૦૧૭ માં તપન રેએ જાહેર કર્યું હતું કે બોન્ડ વ્યવહારમાં કેવી રીતે કાર્ય કરશે. તેમના કહેવા મુજબ ચૂંટણી બોન્ડ ખરીદનાર અને નાણાંની ચૂકવણી કરનાર સંબંધિત માહિતી બોન્ડ જારી કરનારી બેંકો દ્વારા ગુપ્ત રાખવામાં આવશે. આ વિગતો આરટીઆઈના કાર્યક્ષેત્રની પણ બહાર હશે. ૨૦૧૮માં નિવૃત્ત થયા બાદ તપન રેને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા હતા અને ૨૦૧૯માં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા.
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ ખતરનાક હોવાનું કહેવા માટે આગામી સંસ્થા ચૂંટણી પંચ હતી. સુપ્રીમ કોર્ટને આપેલા સોગંદનામામાં તેણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા પ્રાપ્ત દાનના અહેવાલને બાકાત રાખવાથી રાજકીય પક્ષોના રાજકીય ભંડોળની પારદર્શિતાનાં પાસાં પર ગંભીર અસરો પડશે. આમ હોવા છતાં, છ વર્ષથી ભારતના રાજકીય પક્ષોને અજ્ઞાત રીતે ભંડોળ આપવામાં આવ્યું છે. હવે આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, જેની સુનાવણી પણ પૂરી થઈ ગઈ છે. હવે આ પ્રથાને સમાપ્ત કરવાનો સમય પાકી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.