SURAT

સુરતમાં નાયલોનના વીવર્સ લાખોના લુમ્સ મશીનો ભંગારના ભાવે વેચવા મજબૂર બન્યા

સુરત : ગ્રે-કાપડની નબળી ડિમાન્ડ અને નાયલોન (Nylon) યાર્નનાં (Yarn) વધેલા ભાવોને લીધે છેલ્લા એક વર્ષથી નુકશાની વેઠી રહેલા નાયલોન વિવર્સએ (Weavers) 20 % યુનિટ બંધ કર્યા પછી હવે કેટલાક નાયલોન વિવર્સ બેઝિક કસ્ટમ ડ્યૂટી વધવાના ભયે લાખેણા ફટકા લૂમ્સ અને શટલ લૂમ્સ 38,000 થી 40,000 રૂપિયામાં ભંગારના ભાવે વેચવા મજબુર બન્યાં છે. વેડરોડ વિસ્તારનાં એક વિવરે આજે એક સાથે 80 લૂમ્સ ભંગારમાં વેચી દીધાં હતાં.

નાયલોન યાર્ન વિવર્સ એસોસિએશનનાં પ્રમુખ મયુર ચેવલીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મંદી, સ્પિનર્સની સિન્ડિકેટને લીધે યાર્નનાં વધતાં ભાવ અને છેલ્લા એક વર્ષથી નબળી ડિમાન્ડને પગલે નાયલોન વિવર્સને મીટર કાપડે એક થી બે રૂપિયાનું નુકશાન થતાં વિવરો પોતાના મશીનો બંધ કરી રહ્યાં છે. અત્યાર સુધી 20 % મશીનો ઉત્પાદન કાપનાં ભાગ સ્વરૂપે બંધ પડ્યા છે. એમાં મોટાભાગનાં ભાડાં પર ચાલતાં ખાતાઓનાં લૂમ્સ છે. ઘણાં વિવરો નાયલોન યાર્ન સિવાયના અન્ય યાનમાંથી બનતું કપડું બનાવવા મજબૂર બન્યાં છે એને લીધે ફટકા લૂમ્સ અને શટલ લૂમ્સ વેચી આધુનિક મશીનરી સાથે પોલીએસ્ટર, વિસ્કોસની ક્વોલિટીઓ બનાવવા શિફ્ટ થઈ રહ્યાં છે.

વિવર્સ અગ્રણી મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે, નાયલોન યાર્ન બનાવતાં સ્પીનરો અને નાયલોન યાર્નના વેપારીઓએ મેળાપીપણામાં આયાતી નાયલોન યાર્ન પર હાલમાં ચાલી રહેલી 5.50 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા સુધી કરાવવા સરકાર પર દબાણ કરતાં એ ભયે પણ વિવર્સ નાયલોનની ક્વોલિટી બનાવવાને બદલે બીજી દિશામાં શિફ્ટ થઈ રહ્યાં છે. જો આયાતી નાયલોન યાર્ન ઉપર બેઝિક કસ્ટમ ડ્યૂટી વધશે તો સુરત શહેરમાં ચાલતાં 1.50 લાખ મશીનોમાંથી 25,000થી 30,000 હજાર મશીનો જ બચી શકશે.

હાલમાં નાયલોન ગ્રે કાપડમાં મંદીનો માહોલ હોવાથી કપરા સમયમાંથી પસાર થઈ રહેલાં નાયલોન વિવરો મોટા પાયે ઉત્પાદનમાં કાપ મૂકી રહ્યાં છે અને અઠવાડિયામાં અડધા દિવસો મશીનો બંધ કરી રહ્યાં છે. બીજી તરફ નાયલોન યાર્નની ડોમેસ્ટિક માંગને સ્થાનિક સ્પિનર્સ પુરી કરી શક્યા નથી. વિવર્સ ખૂબ ઓછા પ્રમાણમાં આયાતી યાર્નનો ઉપયોગ કરી રહ્યાં છે. જેનાથી ડોમેસ્ટિક સ્પિનર્સની કોઈ નુકશાન થતું નથી.

એક અંદાજ મુજબ 1.50 લાખ મશીનો મળીને દર મહિને 7200 ટન નાયલોન યાર્નનો વપરાશ ઓછામાં ઓછો કરે છે, જેની સામે સ્પીનરો 6500 ટન જેટલું નાયલોન એફડીવાય યાર્નનું ઉત્પાદન કરે છે. એક કાચી ગણતરી કરવામાં આવે તો સ્થાનિક સ્પીનરો દ્વારા કરાતાં ઉત્પાદનની સામે આયાતી યાર્ન માત્ર 10 ટકા જેટલું જ છે. સ્પીનરો વિવરોની માંગણી મુજબ પ્રોડક્શન અને ગુણવત્તાને પહોંચી શકતા નથી, ત્યારે જો બેઝિક કસ્ટમ ડ્યૂટી 5.50 ટકાથી વધીને 15 ટકા થઈ જાય તો વિવર્સ પર મોંઘુ યાર્ન ખરીદવા ભારણ વધશે. 15 -17 ડોમેસ્ટિક સ્પિનર્સ સિન્ડિકેટ બનાવી કૃત્રિમ રીતે યાર્નનાં ભાવો વધારી વિવર્સનું શોષણ કરશે. અત્યારે નાયલોન વિવર્સની હાલત ખરાબ છે. મંદીને લીધે છેલ્લા એક વર્ષમાં ઘણા મશીનો ભંગારના ભાવે વેચાઈ ગયાં છે. એ સંખ્યા હજી વધશે.

Most Popular

To Top