National

નૂપુર શર્માને હથિયારનું લાઇસન્સ મળ્યું, મોહમ્મદ પૈગંબર પર કરી હતી વિવાદાસ્પદ ટીપ્પણી

નવી દિલ્હી: ભાજપ (BJP) ના સસ્પેન્ડ નેતા (Suspended leader) નુપુર શર્મા (Nupur Sharma)ને હથિયારનું લાઇસન્સ (Arms license) મળી ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને સ્વરક્ષણ માટે આર્મ્સ લાયસન્સ મળ્યું છે. નુપુર શર્મા ભાજપમાં પ્રવક્તા હતા. તેમણે ટીવી ડિબેટમાં પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ભારે વિરોધ થયો હતો. જેથી ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. નુપુર શર્મા વિરુદ્ધ ઘણા રાજ્યોમાં કેસ પણ નોંધાયા હતા. તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી.

વિવાદ વધતા નૂપુરે માફી માંગી હતી
નૂપુર શર્માએ જૂન 2022માં પ્રોફેટ મુહમ્મદ અને તેમની ત્રીજી પત્ની આયેશા વિશે ટીવી ડિબેટમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ અંગે પણ ઘણો વિવાદ થયો હતો. નુપુરના નિવેદનને લઈને દેશના ઘણા રાજ્યોમાં હિંસા પણ થઈ હતી. એટલું જ નહીં ઘણા મુસ્લિમ દેશોએ આ નિવેદનની નિંદા કરી હતી. આ પછી ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા. જોકે, વિવાદ વધ્યા બાદ નૂપુરે માફી માંગી હતી.

નૂપુરને સમર્થન આપવા બદલ હત્યા થઈ
બીજી તરફ નૂપુર શર્મા વિરુદ્ધ અનેક રાજ્યોમાં ધાર્મિક લાગણી ભડકાવવાના કેસ પણ નોંધાયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલ અને પુણેમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની પણ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ હત્યા કરવામાં આવી હતી. નુપુર શર્માને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. આ સાથે તેની સામે દેશભરમાં દાખલ થયેલા કેસોને પણ એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પારડીવાલાએ આકરી ટિપ્પણી કરી હતી કે દેશમાં બગડતા વાતાવરણ માટે નુપુર શર્મા જવાબદાર છે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે નુપુરે એક વખત પણ સામે આવીને માફી માંગી નથી. તે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ભીંસમાં લેતા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે એફઆઈઆર નોંધાયા બાદ પણ તેમની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારબાદ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જવાબદાર હોદ્દો ધરાવતા વ્યક્તિ તરફથી આવા નિવેદનો આવી શકે નહીં.

નુપુર શર્મા વિરુદ્ધ 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ દાખલ
સતત ધમકીઓ મળ્યા બાદ નૂપુર શર્માને બંદૂકનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. તેમની સામે 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ નોંધાયેલા છે પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે.

Most Popular

To Top