સુરત: (Surat) શહેરમાં ગુરૂવારે માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 37,666 પર પહોંચ્યો છે તેમજ વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 845 પર પહોંચ્યો છે. તેમજ ગુરૂવારે શહેરમાં વધુ 148 પોઝિટિવ દર્દી સાજા (Recover) થતા અત્યારસુધીમાં કુલ 36,123 દર્દીઓ સાજા થયા છે અને શહેરમાં રીકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસથી શહેરમાં પ્રતિદિન 110-120 જેટલા પોઝિટિવ દર્દી નોંધાતા હતા. 200 દિવસ બાદ શહેરમાં 100 ની અંદર પોઝિટિવ દર્દી નોંધાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
શહેરમાં છેલ્લા 10 મહિનાથી હાહાકાર મચાવી રહેલા કોરોના સંક્રમણનો આતંક ડિસેમ્બર મહિનાના અંતમાં ઓછો થયો છે. જુન માસના અંતથી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. જુન માસના અંતથી શહેરમાં પ્રતિદિન 100 થી વધુ પોઝિટિવ દર્દી નોંધાઈ રહ્યા હતા. અને જુલાઈ માસમાં તો શહેરમાં દરરોજ 200 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા હતા. જેમાં ધીરે ધીરે ઘટાડો થયો હતો અને શહેરમાં પ્રતિદિન 150 ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા ગયા.
દિવાળીમાં ફરીથી શહેરમાં સંક્રમણ વધ્યું હતું અને પ્રતિદિન 200 થી 240 જેટલા પોઝિટિવ દર્દી નોંધાતા હતા. પરંતુ દિવાળી બાદથી કેસનો ઉછાળો વધારે દિવસ ચાલ્યો ન હતો અને તંત્રએ તુરંત જ કોરોના સંક્રમણને કાબુમાં લીધો હતો. અને છેલ્લા 15 દિવસથી શહેરમાં પ્રતિદિન 110-120 જેટલા પોઝિટિવ દર્દી નોંધાતા હતા. પરંતુ ગુરૂવારે શહેરમાં માત્ર 98 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. છેલ્લે 21 મી જુને 86 પોઝિટિવ દર્દી નોઁધાયા હતા જે આંક 100 ની અંદર હતો. અને છેક 200 દિવસ બાદ શહેરમાં 100 ની અંદર પોઝિટિવ દર્દી નોંધાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 10
- વરાછા-એ 11
- વરાછા-બી 12
- રાંદેર 15
- કતારગામ 12
- લિંબાયત 10
- ઉધના 08
- અઠવા 20
સુરત જિલ્લામાં કોરોનાના 19 પોઝીટીવ કેસ
સુરત જિલ્લામાં કોરોનાના આજે વધુ નવા 19 પોઝીટીવ કેસ બહાર આવ્યા છે.જેમાં ચોયાર્સી તાલુકામાં 3,ઓલપાડમાં 3,કામરેજમાં 1,પલસાણામાં 6,બારડોલીમાં 1,માંડવીમા 1 અને માંગરોલમાં 4 કેસ પોઝીટીવ બહાર આવ્યા છે.
નવસારી જિલ્લામાં 2 કેસ કોરોનાના નોંધાયા
નવસારી : ગુરૂવારે નવસારી જિલ્લામાં 2 કેસો કોરોના પોઝિટિવના નોંધાયા છે. જેમાં જલાલપોરમાં 1 અને વાંસદામાં 1 કેસ નોંધાયા હતા. જેમાં જલાલપોરના દાંડી ગામે સ્વરાજ ફળિયામાં રહેતી મહિલા અને વાંસદા તાલુકાના ઉનાઈ ચરવી પટેલ ફળિયામાં રહેતા યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી જિલ્લામાં કુલ કોરોનાનો આંકડો 1540 કેસો નોંધાયા છે. ગુરૂવારે 2 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપતા જિલ્લામાં કુલ 1413 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાને પગલે નીપજેલા દર્દીઓના મોતનો આંકડો 102 ઉપર યથાવત છે. જોકે હાલ જિલ્લામાં 25 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે