Gujarat Main

સ્કૂલ પીકનીક પર હવે પોલીસને સાથે લઈ જવી પડશે, રાજ્ય સરકારનો આદેશ

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી ડીજીપી-આઈજીપી કોન્ફરન્સ-2024 દરમિયાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને પગલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

  • શાળાઓના પ્રવાસમાં હવે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બે પોલીસકર્મી ફરજિયાત
  • 2024માં એક કોન્ફરન્સમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રીએ સૂચન કર્યા હતા
  • પ્રવાસમાં વિદ્યાર્થિની સામેલ હોય તો મહિલા કોન્સ્ટેબલ પણ ફરજિયાત

હવેથી રાજ્યની તમામ શાળાઓ (સરકારી, અર્ધસરકારી, ખાનગી) દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસ, ટુર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં બે ગણવેશધારી પોલીસકર્મીની હાજરી ફરજિયાત કરવામાં આવી છે.

જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય, તો મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યોએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ને નિર્દેશ કર્યો છે કે, આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા માટે રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે.

આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા-સલામતિ સુનિશ્ચિત થઈ શકે, સાથે સાથે અન્ય મહત્વનો ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેમજ પરસ્પર સુમેળ સંબંધ કેળવાય.

Most Popular

To Top