SURAT

હવે દમણ જવાની જરૂર નથી, સુરતના આ વિસ્તારમાં જે જોઈએ એ વિદેશી દારૂ મળશે

સુરત(Surat): શહેરમાં હાલમાં સ્ટેટ વિજિલન્સ (State Vigilance) દારૂના (Liquor) અડ્ડા પર દરોડા (Raid) કરી રહી છે. જહાંગીરપુરામાં (Jahangirpura) પીઆઇ બી.એમ.પરમારના રાજમાં તો દારૂનો અડ્ડો ખોલવા માટે કોઇ શેહશરમ રાખવામાં આવી નથી. જહાંગીરપુરા બ્રિજની નીચે ડી સ્ટાફની ઓફિસથી 25 ફૂટ નીચે પાળા કિનારે મુકેશ દેવીપૂજકને જ્યારે આ શહેરમાં દારૂબંધી હટી ગઇ હોય એ રીતે પરવાનો આપી દેવાયો છે.

  • તાપી કિનારે પાંચસો લોકોના ટોળાને જોઈને સ્ટેટ વિજિલન્સ ચોંકી ગઈ
  • ડી સ્ટાફની ઓફિસથી વીસ ફૂટ જ દૂર ચાલી રહેલો વિદેશી દારૂનો અડ્ડો
  • સ્ટેટ વિજિલન્સે રેડ કરી અને બે કલાકમાં ડી સ્ટાફના પીઆઈ બી.એસ.પરમારે અડ્ડો ફરીથી ચાલુ કરાવી દીધો

દરમિયાન જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે શનિવારે સ્ટેટ વિજિલન્સે દરોડા કર્યા બાદ બે કલાકમાં આ અડ્ડો ફરીથી ચાલુ કરી દેવામાં આવ્યો છે. જો જહાંગીરપુરા પાળા પરથી જોવામાં આવે તો અહીં જાણે મેળો ભરાયો હોય તેવો માહોલ સર્જાયો છે. ઉચ્ચ અધિકારીઓને પોતાનાં ખિસ્સાંમાં રાખવાનો વહેમ રાખતા પીઆઇ બી.એમ.પરમારની કરતૂત સ્ટેટ વિજિલન્સે ખોલી તો નાંખી, પરંતુ આ દરોડા બાદ આ અધિકારીએ ફરીથી અડ્ડો ફરીથી શરૂ કરાવી દીધો છે.

આ મામલે રાંદેર પોલીસ દ્વારા સંખ્યાબંધ દારૂ પીધેલાના કેસો કરવામાં આવી રહ્યા છે. જો પોલીસ અધિકારીઓ તપાસ કરે તો તમામ લોકો ડી-સ્ટાફ ઓફિસની બહાર જ ચાલતા આ અડ્ડા પરથી દારૂ પીને આવી રહ્યા છે. અલબત્ત, હવે સ્થાનિક જહાંગીરપુરા ડી સ્ટાફનો ધર્મેશ ગઢવી અને પીઆઇ પરમારને કોઇનો ડર નથી એ ચિત્ર સ્પષ્ટ રીતે ઉપસ્યું છે.

બેની ધરપકડ, ત્રણ વોન્ટેડ
આ કેસમાં બે આરોપીની ધરપકડ થઈ છે જેમાં વિશાલભાઇ જતીનભાઇ રાઠોડ (ઉં.વ.૨૩) (રહે., એસ.એમ.સી. આવાસ બિલ્ડિંગ નં.૨૮ મ.નં.૮ મોરા ભાગળ જહાંગીરપુરા, (વિદેશી દારૂનું વેચાણ કરનાર નોકર) અને આકાશભાઇ મનોજભાઇ દેવીપૂજક (ઉં.વ.૨૧) (રહે.,મોરાભાગળ મચ્છીમાર્કેટ પાસે, ઝૂપડપટ્ટીમાં સુભાષ ગાર્ડનની સામે, જહાંગીરપુરા) નો સમાવેશ થાય છે, જ્યારે ત્રણ આરોપી વોન્ટેડ છે. જેમાં સંજય બાબુભાઇ દેવીપૂજક (રહે., મિર્ઝાપુર, તા.ઓલપાડ, જિ.સુરત) (વિદેશી દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી), લાલુ ઉર્ફે લાલ્યો રમેશભાઇ રાઠોડ (રહે., એસ.એમ.સી. આવાસ, મોરાભાગળ, જહાંગીરપુરા) (સંજયભાઇના કહેવાથી મોપેડ ઉપર વેચાણવાળી જગ્યાએ જથ્થો આપનાર) અને વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર તથા પોલીસ તપાસમાં નીકળી આવે એ વગરે સામેલ છે.

Most Popular

To Top