સુરત: ઉધના (Udhna) અને સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું ત્રીજી રેલવે લાઈન નાખવાનું કામ પુર્ણ થઈ ગયું છે. હવે સુરત-મુંબઈની મેઈન લાઈનની ટ્રેનોને થોભવું નહીં પડે, કે સ્પીડ ઓછી નહીં કરવી પડે. અને મુંબઈ- અમદાવાદ તથા મુંબઈ દિલ્હી લાઈનની ટ્રેનોને વગર અડચણે સડસડાટ ઉધના- સુરત વચ્ચેથી પસાર થઈ શકશે.
- ઉધના-સુરત રેલવે સ્ટેશન વચ્ચેની ત્રીજી લાઈનનું કામ પૂર્ણ
- સીઆરએસના ઇન્સ્પેક્શનની રાહ જોતું રેલવે તંત્ર
- ત્રણ વર્ષથી કામ ચાલતું હતું, ટ્રેકનું 20 ટકા કામ છેલ્લા દોઢ મહિનામાં પુર્ણ કરાયું
ત્રીજી લાઈનનું કામ પૂર્ણ થતાં રેલવે તંત્ર રીઆરએસના ઇન્સ્પેક્શનની રાહ જોઈ રહ્યું છે. ઇન્સ્પેક્શન થયા બાદ ટ્રાયલ સફળ થયા પછી આ ટ્રેક પરથી ટ્રેનો દોડાવવામાં આવશે. તેના કારણે ટ્રેનોની નિયમિતતા વધી જશે અને વરસોથી મેઈન લાઈન પર રહેતાં ભારણની સમસ્યાનો નિકાલ આવશે.
રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ખુબ જ ભારણ રહે છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે 4 કિલોમીટરનું અંતર છે. ઉધના જંક્શન છે. ત્યાંથી એક લાઈન જલગાંવ-ભુસાવલ થઈને ચેન્નાઈ, હાવડા, પુરી તરફ જાય છે. ભુસાવલ લાઈનની ટ્રેનોના કારણે મુંબઈ- અમદાવાદ અને મુંબઈ-દિલ્હીની ટ્રેનો ડિસ્ટર્બ થતી હતી.
કારણ તેમાં પણ ખાસ કરીને ભુસાવલ તરફથી આવતી ટ્રેનો મેઈન લાઈનને ક્રોસ કરીને ઉધના-સુરત રેલવે ટ્રેક પર જતી હતી. તેથી સુરત-મુંબઈ મેઈન લાઈનની ટ્રેનોને થોભવું પડતું હતું અથવા સ્પીડ ઓછી કરવી પડતી હતી. તેથી ચાર વર્ષ પહેલા પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો હતો કે ઉધના-સુરત વચ્ચે ત્રીજી રેલવે લાઈન નાખવામાં આવે. જેથી મેન લાઈનની ટ્રેનો ડિસ્ટર્બ ન થાય. ત્રણ વર્ષ પહેલા ત્રીજી લાઈન નાખવાનું કામ શરૂ થયું હતું. દોઢ મહિના પહેલા સુધી 80 ટકા કામ પુર્ણ થયું હતું. છેલ્લા દોઢ મહિનામાં 20 ટકા કામ પુર્ણ કરવામાં આવ્યું છે.
હવે મેઈન લાઈનની ટ્રેનો ડિસ્ટર્બ નહીં થાય
હવે જલગાંવ-ભુસાવલ થઈને આગળ હાવડા,ચેન્નાઈ, પુરી જતી ટ્રેનો ત્રીજી લાઈનથી આગળ વધશે અને ભુસાવલથી આવતી ટ્રેનો પણ ત્રીજી લાઈન થઈને સુરત જશે જેથી મુંબઈ-અમદાવાદ-દિલ્હી મેઈન લાઈનની ટ્રેનો ડિસ્ટર્બ નહીં થશે. પશ્ચિમ રેલવેએ સીઆરએસના ઇન્સ્પેક્શન માટે સમય માંગ્યો છે. ઇન્સ્પેક્શન બાદ ત્રીજી લાઈન પરથી ટ્રેનો દોડાવવાનું શરૂ થઈ જશે. ગુજરાતમાં ઉધના-સુરત પહેલા અમદાવાદ-વટવા રેલવે સ્ટેશન વચ્ચે અને મહેસાણા- જગુદાન રેલવે સ્ટેશન વચ્ચે ત્રીજી લાઈન કાર્યરત છે.