આમ તો દેશમાં બેંગ્લોર, હૈદરાબાદ, પૂના વિ. જેવા શહેરો IT હબ તરીકે જાણીતા કહી શકાય. પાંચેક વર્ષ પૂર્વે સુધી IT ક્ષેત્રે સુરતની ક્યાંયે ગણના થતી ન હતી. હજુ આજે પણ ભલે સુરતમાં એકપણ ITની જાયન્ટ કહી શકાય એવી કંપની નહીં હોય પરંતુ હવે સુરતમાં પણ ઘણા એવા IT બિઝનેસનાં સેટઅપ્સ થયા છે. ઘણી નાની-મોટી IT કમ્પનીઝ આજે સુરતમાં ઘણું સારૂ કામ કરી રહી છે. મૂળ લોકડાઉન દરમ્યાન સુરતમાં આ બિઝનેસ ઘણો ફૂલ્યો-ફાલ્યો એનું એક કારણ એવું પણ કહી શકાય કે આમાં વર્ક ફોમ હોમની સુવિધા મળી રહી છે. સુરતની ઘણી કંપનીઓને મોટી ઇન્ટરનેશનલ IT કંપનીઓ દ્વારા આઉટસોર્સ કરાયેલું કામ મોટા પ્રમાણમાં મળી રહ્યું છે. એક સમયે IT ક્ષેત્રે ઝીરો ગણાતું સુરત આજે ધીમી પણ મક્કમ ગતીએ આ ક્ષેત્રે પા-પા પગલી તો ચોક્કસ માંડવા લાગ્યું છે. સુરત શહેર જમાના પ્રમાણે આગળ વધી આગળ જતાં ટેકનોલોજી ક્ષેત્રે પણ કાઠું કાઢે તો નવાઈ નહીં. તો ચાલો આપણે મારીએ એક લટાર IT ની દુનિયામાં અને જાણીએ એક્સપર્ટ્સ પાસેથી….
સુરતની સરખામણીમાં મેટ્રો સિટીમાં ખર્ચા પણ વધે છે : મનિષ બૂલિયા
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને ઉધના દરવાજા ખાતે ઓફિસ ધરાવતા મનિષ બૂલિયા જણાવે છે કે, અન્ય શહેરોની જેમ જ સુરતમાં પણ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ક્ષેત્રે સારા સ્કોપ છે અને ત્યાંની જ મોટી કંપનીઓ અહી નાની નાની કંપનીઓને કામ આપે છે અને મુંબઈની જેમ જ સુરતમાં પણ વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન મળી રહે છે પરંતુ હાલમાં પરિસ્થિતી એવી છે કે મોટા સિટીના તગડા પે સ્કેલથી લલચાઈને સુરત છોડી દે છે પણ સરવાળે ત્યાં રહેવાનો ખર્ચો વગેરે ગણવામાં આવે તો સુરત જેવુ બેસ્ટ ઓપ્શન બીજું કોઈ નથી. વધુમાં તેઓ કહે છે કે, મને મૂંબઈમાં જોબ મળી હતી પણ મારે સુરત છોડવું ન હતું જેથી 12 વર્ષ અગાઉ મે નાના પાયે કામ શરૂ કર્યું આને આજે સુરત ઉપરાંત UK, US, CANADA જેવા દેશોમાથી અમને કામ મળી રહે છે. જોકે લોકડાઉન દરમ્યાન સુરતમાં આ ક્ષેત્રને આગળ આવવામાં મદદ મળી.
ઇન્ટરનેશનલ લેવલની સુવિધા આપો તો સ્ટાફ મળી જ જાય છે : નચિકેત પટેલ
છેલ્લા 10 વર્ષોથી ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી સાથે સંકળાયેલા અને વેસુમાં ઓફિસ ધરાવતા નચિકેત પટેલ જણાવે છે કે, મેં જયારે કામ શરૂ કર્યું ત્યારે લોકલ લેવલે મારી પાસે કોઈ સપોર્ટ ન હતો પરંતુ આજે પરિસ્થિતી બદલાઈ છે અને સુરતમાં IT ક્ષેત્રે ઘણા સારા સ્કોપ છે પરંતુ સુરતના એક્સપર્ટસ વધુ સારી સુવિધાની લાલચે બેંગલોર, મુંબઈ કે પૂના જેવા શહેરો પર પસંદગી ઉતરતા હોય છે, પરંતુ જો તમે તેમને ઘર આંગણે જ ઇન્ટરનેશનલ લેવલની સુવિધા આપશો તો સુરતીઓ સુરત છોડીને ક્યાંય નહીં જાય. જો કે અમારું કામ વર્ક ફ્રોમ હોમ પણ કરી શકાતું હોવાથી અમે મુંબઈ કે પૂના જેવા સિટીઝમાથી એ કામ કરાવી લઈએ છીએ જેથી સ્ટાફની મુશ્કેલીમાથી બચી શકાય.
પાંચ વર્ષની સરખામણીમાં સારું એવું ડેવલપમેન્ટ થયું: સૌરભભાઈ નાયક
શહેરના LP સવાણી વિસ્તારમાં ઓફિસ ધરાવતા IT એક્સ્પર્ટ સૌરભભાઈ નાયક જણાવે છે કે, પહેલા IT ને લગતા કામ માટે સુરતમાં સ્કોપ ઉપલબ્ધ ન હતા જેથી લોકોએ પૂના, બેંગલોર કે હૈદરાબાદ જેવા મોટા શહેરો પર આના માટે આધાર રાખવો પડતો હતો. જો કે હવે સુરતમાં પણ આ અંગેના કોર્સિસ શરૂ થયા છે જેથી છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સારું એવું ડેવલપમેન્ટ થયું છે. મેં વર્ષ 2010 માં સુરતમાં જ્યારે મારૂ કામ શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં સ્ટાફ તકલીફ પડી પણ હાલમાં મને મોટાભાગના કામો આઉટ ઓફ ઈન્ડિયામાથી પણ મળી રહે છે જેથી આવનારી પેઢી માટે સુરતમાં IT ક્ષેત્ર સારું ફ્યુચર લાવશે એવું લાગી રહ્યું છે.
સુરત બહારથી સ્ટાફ મંગાવવો પડે છે : અદનાન આરીફ પોઠિયાવાલા
નાનપુરા વિસ્તારમાં છેલ્લા 9 વર્ષથી IT બિઝનેસ કરી રહેલા અદનાન આરીફ પોઠિયાવાલા જણાવે છે કે, સુરતમાં આ સંદર્ભના કોર્સિસ શરૂ થયા છે અને યુવાનો આમાં રસ પણ લેતા થયા છે પણ તેમ છતાં તેઓ અહીં અભ્યાસ કરીને મોટા સિટીની વાટ પકડી લે છે જેથી અહી બિઝનેસ કરવા માટે સ્ટાફની અછત સર્જાય છે. જો કે મોટા સિટીની સરખામણીએ સુરતમાં ટ્રાવેલિંગ સસ્તું પડે છે અને જો સુરતમાં જ શિક્ષણ લીધું હોય અને સુરતમાં જ રહેતા હોય તો વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન પણ મળી રહે છે. મારૂ તમામ કામ US અને UK માટે થતું હોવાથી હાલમાં મારે ત્યાં 100 કર્મચારીઓ કામ કરે છે અને આ સ્ટાફ બેંગ્લોર ઉપરાંત વલસાડ,વઘઇ, બીલીમોરા તથા અમદાવાદથી એપોઈન્ટ કરવામાં આવ્યો છે.
ગૂગલ પ્લે સ્ટોર ગેમ્સ માટે સૌથી વધુ રેવન્યુ સુરતને મળે છે : વિપુલ જૈન
12 વર્ષથી IT ક્ષેત્રે કામ કરી રહેલા વિપુલ જૈન જણાવે છે કે હું મારવાડી હોવાથી મારે પોતાનું જ કઈક કામ કરવું હતું એટ્લે મે જોબ નહીં પણ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. મે ITનો કોર્સ કર્યો હતો જેથી પોતાનું કામ શરૂ કર્યું. એ સમયે માત્ર 2-3 કંપનીઓ હતી જ્યારે આજે સુરતમાં આવી 1600 કરતાં વધારે કંપનીઓ કાર્યરત છે. જેમાં 8 થી 10 કંપનીઓ એવી છે જેઓ 200 થી વધુ કર્મચારીઓનો સ્ટાફ ધરાવે છે. અને સારી વાત એ છે કે કોરોનાકાળમાં જ્યારે બધા વ્યવસાયો ઠપ્પ થઈ ગયા હતા ત્યારે પણ વર્ક ફ્રોમ હોમના કારણે આ કંપનીઓ ચાલુ હતી. જેથી લોકડાઉન દરમ્યાન આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન મળ્યું અને આ વ્યવસાય માટે ગામડા કે શહેરમાં હોવાથી કોઈ ફર્ક નથી પડતો કારણ કે હાલમાં જ્યારે સુરતમાં IT ક્ષેત્ર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેમ છ્તા ગૂગલ પ્લે સ્ટોરમાં આવતી ગેમ્સ ના ડેવલપમેન્ટ માટે સૌથી વધુ રેવન્યુ સુરત મેળવી રહ્યું છે.