Comments

હવે રાજકીય પક્ષો નક્કર સમર્થકો વિનાના થઈ જશે

ભારતીય રાજકારણમાં એક નવી સ્થિતિ જોવા મળી રહી છે અને તે રસપ્રદ છે. આવી એક સ્થિતિ ૧૯૬૫ પછીનાં વર્ષોમાં જોવા મળી હતી. જેમ કે સમાજવાદી વિચારધારાને વરેલો સમાજવાદી પક્ષ અને સમાજવાદી નેતાઓ સમાજવાદી ભારતીય રાષ્ટ્રનું નિર્માણ કરશે એમ માનીને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ પક્ષ માટે કામ કરતા હતા. સમાજવાદી નેતાઓ માત્ર નેતા નહોતા તેમના હીરો હતા. તેમણે તેમના પર શ્રદ્ધા રાખીને જિંદગી ન્યોછાવર કરી દીધી હતી. આવું જ સામ્યવાદી પક્ષ, કોંગ્રેસ અને બીજા પક્ષોની બાબતમાં. જનસંઘ આમાં અપવાદ કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિચારવાની, શંકા કરવાની અને વિચારવાની મનાઈ છે. મનાઈ શું એવી તેમને ટ્રેનિંગ જ નથી મળી. તેમને ટ્રેનિંગ વિચાર્યા વિના કે પ્રશ્ન કર્યા વિના આદેશનું પાલન કરવાની મળી છે. આ સિવાય ભારતીય જનસંઘ એક અછૂત પક્ષ હતો એટલે કોઈની પણ સાથે સહશયન કરવાનો કોઈ સવાલ નહોતો. રામનાથ ગોએન્કાના શબ્દોમાં ન મિલી કે સાધુ હતા.

હવે બન્યું એવું કે ૧૯૬૫ સુધીમાં સંસદીય રાજકારણમાં પોતાની જગ્યા બનાવતા અને બનેલી જગ્યા ટકાવી રાખવા નેતાઓએ એટલાં બધાં વૈચારિક અને નૈતિક સમાધાનો કર્યાં કે તેમનો અસલી ચહેરો જ ઓળખી શકાય એવો નહીં રહ્યો. ધીરે ધીરે યુવા કાર્યકર્તાઓની અંદર એક નિરાશા વધવા માંડી. ભ્રમ નિરસન થવા લાગ્યું, છેતરાયા હોવાની લાગણી પેદા થવા લાગી અને તેમને એવું પણ લાગ્યું કે નેતાઓની સત્તાલાલસા માટે આપણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આવું હમણાં કહ્યું એમ એક માત્ર જનસંઘને છોડીને દરેક પક્ષમાં આવી લાગણી જોવા મળી અને યુવાનો પક્ષથી દૂર થવા માંડ્યા. તેમણે વિચારધારા પકડી રાખી અને પક્ષોથી દૂર થવા લાગ્યા. તેમણે નેતાઓ સામે બળવો કર્યો અને પોતપોતાનાં સંગઠનો સ્થાપવા લાગ્યા. તેઓ પોતાને સંસદીય રાજકારણથી દૂર રહેનારા નિર્દલિય પણ રાજકીય ભૂમિકા લેનારા અને સક્રિય ભૂમિકા ભજવનારા તરીકે ઓળખાવા લાગ્યા.

આનું પરિણામ એ આવ્યું કે રાજકીય પક્ષો વિચાર કરવાની ક્ષમતા ધરાવનારા, પ્રતિબદ્ધ, ધગશ ધરાવનારા અને પ્રામાણિક કાર્યકરોથી વંચિત થઈ ગયા. પક્ષો વૈચારિક અને નૈતિક દબાણ અને દિશાદર્શન એમ બન્નેથી વંચિત થઈ ગયા. હવે પક્ષમાં જે આવતા હતા એ બધા જ સત્તાવાંછું હતા. તેઓ દરેક પ્રકારનાં સમાધાનો કરતા હતા અને સત્તા માટે પક્ષાંતર કરતા હતા. સરવાળે રાજકીય પક્ષોએ તેનું મૂળ ચરિત્ર ગુમાવી દીધું.

૧૯૬૫ પછી જે જોવા મળ્યું હતું એ અત્યારે જુદા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. એમ કહી શકાય કે એક ડગલું આગળ. ત્યારે યુવા કાર્યકર્તાઓએ પક્ષના નેતાઓની આંગળી છોડી હતી તો અત્યારે જે તે પક્ષ અને તેના નેતાઓનું સમર્થન કરનારા લોકો આંગળી છોડી રહ્યા છે. ભારતમાં અનેક રાજકીય પક્ષો જે તે વર્ગવિશેષનાં હિત ખાતર સ્થપાયા હતા. કોઇ દલિતો માટે, કોઈ શીખો કે મુસલમાનો માટે. કોઈ પ્રાદેશિક અસ્મિતાઓ માટે.

હવે આજે જોવા મળી રહ્યું છે કે દેશભરમાં જે તે વર્ગવિશેષનાં લોકો આંદોલિત છે પણ તેમના નેતાઓ અને સત્તાવારપણે તેમના હિતનું રાજકારણ કરનારા પક્ષો ક્યાંય નજરે પડતા નથી. દલિતો આંદોલિત છે પણ માયાવતી કે રામદાસ આઠવલે ક્યાંય નજરે પડતાં નથી. મુસલમાનો આંદોલિત છે પણ ઓવૈસી ક્યાંય નજરે પડતા નથી. ખેડૂતો આંદોલન કરે છે પણ કોઈ કિસાનનેતા કે તેમના પક્ષો ક્યાંય નજરે પડતા નથી. લોકોને હવે તેમની જરૂર પણ નથી. નેતાઓ વેચાઈ ગયા છે અથવા એટલા ભ્રષ્ટ છે કે તેઓ આગળ આવીને આંદોલકારીઓનું નેતૃત્વ કરતાં ડરે છે. એવું નથી કે દેશમાં નારાજગી નથી. એવું નથી કે નારાજ પ્રજા આંદોલિત નથી.

ગોદી મિડિયા તે બતાવતા નથી અને નેતાઓ અને રાજકીય પક્ષો આગળ આવતાં ડરે છે. કિસાન આંદોલન નેતાઓ અને પક્ષોના નેતૃત્વ વિના અને ખુલ્લા સમર્થન વિના પણ સફળ થયું હતું. આનો અર્થ એવો નથી કે હવે પછીની ચૂંટણીમાં જે તે સમાજવિશેષ પોતાના પક્ષને મત નહીં આપે, ક્દાચ આપે પણ ખરાં, પણ પક્ષો અને નેતાઓએ તેમનું હોવાપણું ગુમાવી દીધું છે. પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. ૧૯૬૫ પછી જેમ કેટલાક પક્ષો તેજસ્વી અને નિ:સ્પૃહ કાર્યકર્તા વિનાનાં થઈ ગયા એમ હવે પછી આ બધા રાજકીય પક્ષો નક્કર સમર્થકો વિનાનાં થઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top