ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં તલાટીની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટેની શૈક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર થયો છે. હવે રાજ્યમાં ધો. 12મું પાસ વિદ્યાર્થીઓ તલાટીની પરીક્ષા આપી શકશે નહીં. આ પરીક્ષા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન કરી દેવાઈ છે.
તેનો અર્થ એ થયો કે હવે રાજ્યમાં ભવિષ્યમાં યોજાનારી તલાટીની પરીક્ષામાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકશે અને હવે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે.
આ નિર્ણયની જાહેરાત આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ ધો. 12 પાસ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપી શકતા હતા પરંતુ આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે શૈક્ષણિક લાયકાત 12 પાસથી બદલીને સ્નાતક કક્ષાની કરી દીધી છે.
જણાવી દઈએ કે હવેથી તલાટી કમ મંત્રીની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ હાલ ભરાઈ ગઈ હોવાને લીધે નજીકના ભવિષ્યમાં પરીક્ષાનું આયોજન થાય તેવું જણાતું નથી.
4500 તલાટી કમ મંત્રી અને જુ. કલાર્કને નિમણૂંક પત્ર અપાયા
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં નિમણૂંક પત્ર અપાયા હતા. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા.