એક દિવસ પાર્કમાં સાંજે પાંચ વાગે ૫૪ વર્ષના ચેતના બહેન…પોતાનાં જુના પાડોશી રીનાબહેનને મળ્યા.એક મેકને બહુ દિવસે મળીને તેઓ ખુશ થઇ ગયા અને એક મેકના ખબર પૂછીને વાતોએ વળગ્યા.ચેતના બહેનનો ચહેરો ખુશખુશાલ હતો …ચામડી ચમકતી હતી..સુંદર હાઈલાઈટ કરાવેલા વાળ અને ફેન્સી ડ્રેસ અપ અને સામે રીનાબહેનનો સાદો પંજાબી ડ્રેસ ,થાકેલો ચહેરો ,આંખ નીચે કાળાશ ,અડધા કાળા-અડધા સફેદ વાળ.રીનાબહેનને ચેતના બહેનને જોઇને પોતાના દેખાવ પર શરમ આવી અને ચેતના બહેનને રીનાબહેનને જોઇને તેમની ચિંતા થઈ. ચેતના બહેને કહ્યું, ‘ચાલ રીના, કોફી પીએ અને વાતો કરીએ.’રીનાએ કોફી આવે તે પહેલા જ પૂછી લીધું, ‘અરે વાહ ચેતના, તું તો બહુ સુંદર લાગે છે.શું જાદુ કર્યો ..શું મેક ઓવર કરાવ્યું??’ ચેતનાબહેને હસીને કહ્યું, ‘અરે કોઈ મેક ઓવર નથી પણ મેં એક નિર્ણય કર્યો છે તેની આ સારી આડ અસર છે.’રીનાબહેને પૂછ્યું, ‘કયો નિર્ણય ??”
ચેતનાબહેને કહ્યું, ‘હવે હું માત્ર મારામાં જ રસ લઉં છું.’રીનાબહેને પૂછ્યું, ‘એટલે ?? એનો શું અર્થ સાવ સ્વાર્થી બનીને પોતા માટે જીવવું ..’ચેતનાબહેને કહ્યું, ‘હા માત્ર પોતા માટે જીવવું,પણ તેમાં સ્વાર્થી બનવાની વાત ન નથી.જીવનભર અત્યાર સુધી જાતને ભૂલીને ઘર માટે, બાળકો માટે , પતિ માટે , પરિવાર માટે જ જીવ્યા છીએ અને તેમ જીવવામાં પોતાના મનને મારીને શોખને ભૂલીને…જાતને પણ ભૂલીને જીવ્યા છીએ. એમાં જો તારી હાલત ..થોડા વખત પહેલા મારી પણ આવી જ હતી.પણ હવે ફરક જો..’ રીનાબહેને પૂછ્યું, ‘આ ફરક લાવવા શું કરવાનું ??’ચેતનાબહેન બોલ્યા, ‘જો રીના મેં પહેલા જ કહ્યું તેમ પોતાનામાં રસ લેવો એટલે આપણી કાળજી કોઈ લેવા નથી આવવાનું ..આપણે જ આપણી કાળજી લેવાની …શરીરની કાળજી માટે હેલ્ધી ખોરાક, કેલ્શિયમ અને મળતી વિટામીનની દવાઓ ,રોજ ચાલવું કે ગમતી કસરત કરવી.
મનની ખુશી માટે કોઈ ભૂલાયેલા શોખને ફરી વિકસાવવો ,જુના મિત્રોને મળવું, જે ગમે તે પ્રવૃત્તિ કરવી.ઘરમાં પતિ પર કચકચ ન કરવી, બાળકો મોટા થઈ ગયા હોય અને પરણી ગયા હોય તો તેમને તેમની રીતે જીવવા દેવા બહુ સલાહ સૂચનો ન આપવા.તેમની જવાબદારી તેમને સંભાળવા દેવી.બાળકોની કે ઘરના બીજા સભ્યોની બધી બાબતમાં માથું ન મારવું.કોઈ માંગે નહિ ત્યાં સુધી કોઈ સલાહ ન આપવી.આટલું એક મહિનો કરી જો અને ફરક જો જે .’રીનાબહેને કહ્યું, ‘હું આજથી મારામાં રસ લેવાનું શરુ કરી દઈશ.’– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે