Entertainment

હવે તો પ્રોડકશનમાં પણ હીરો‘ઇન’

ફિલ્મ નિર્માણમાં હવે અભિનેત્રીઓનાં ય વટ છે.અનુષ્કા શર્મા, તાપસી પન્નુ, દિપીકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા વગેરે હવે ફક્ત અભિનેત્રી નથી બલ્કે ફિલ્મ નિર્માત્રી પણ છે. હકીકતમાં વિત્યા બે-અઢી દાયકામાં ફક્ત ફિલ્મનિર્માણ કરનારા નિર્માતાઓ ઓછા થઈ ગયા છે તેમની જગ્યાએ સ્ટાર્સ સ્વયં નિર્માતા બની ગયા છે. ભૂતકાળમાં વ્હી. શાંતારામ, રાજકપૂર, દેવ આનંદ, સુનીલ દત્ત, મનોજ કુમાર, ફિરોઝ ખાન, મહેમૂદ જેવા અભિનેતા હોવા ઉપરાંત નિર્માતા અને દિગ્દર્શક પણ હતા પરંતુ અત્યારે સફળ થયેલો દરેક સ્ટાર્સ વિચારે છે કે મારી સફળતાનો લાભ નિર્માતા શું કામ લઈ જાય? હું પોતેજ શું કામ નિર્માતા ન હોઉં? ઘણા સ્ટાર્સ નિર્માતાઓ સાથે ભાગમાં ફિલ્મ બનાવે છે અને પોતાનો અમુક ટકા નફો નક્કી કરી લે છે. પરંતુ અભિનેત્રીઓ નિર્માત્રી બને અને ઘણી સંખ્યામાં બને એ ટ્રેન્ડ અત્યારનો છે.

મીના કુમારી, વહીદા રહેમાને ફિલ્મો નથી બનાવી. મધુબાલાની સફળતાનો લાભ લેવા તેના પિતા નિર્માતા બનેલા અને નરગીસની સફળતા તેના ભાઈએ વટાવેલી પણ સામાન્ય પણે અભિનેત્રીઓ ફિલ્મ નિર્માણથી પોતાને દૂર રાખતી. હવે એવું નથી. બીજી વાત એ પણ છે કે તેઓ માત્ર નિર્માણથી થતા લાભ મેળવવા માટે ફિલ્મ નથી બનાવતી બલ્કે અમુક ખાસ વિષય, વિશેષ કરીને સ્ત્રી પ્રશ્નને કેન્દ્રમાં રાખતા વિષયને લઈ ફિલ્મ બનાવે છે. બીજી એક વાત એ પણ નોંધવા જેવી છે કે આવી અભિનેત્રી જો પરિણીત હોય તો પતિને સાથે રાખીને જ ફિલ્મ બનાવે એવું નથી. તેઓ સ્વતંત્રરીતે વિચારે છે અને વ્યવસાયને ગોઠવે છે. દિપીકા પાદુકોણ, અનુષ્કા શર્મા પ્રિયંકા ચોપરા તેના પતિને પૂછી પૂછીને આગળ વધતી હોય એવું જણાતું નથી. તાપસી પન્નુ, ઋચા ચઢ્ઢા તો સ્વતંત્ર છે જ.\

ફિલ્મના વિતરણનું ય માળખું એવું બન્યું છે કે ફિલ્સ બનતી હોય ત્યારે પણ તેના સોદા થઈ શકે છે. હવે તો સ્ટૂડિયો પણ તેમને નાણા ધીરે છે. થિયેટર બંધ હોવા છતાં ડિજીટલનું બજાર ખૂલ્લું હતું. એ આ સમયની કમાલ છે. આવું બધું વિચારીને હવે આલિયા ભટ્ટ પણ નિર્માત્રી બની ચુકી છે. તે ‘ડાર્લિંગ્સ’ ફિલ્મ બનાવી રહી છે. તેનાં પહેલાં પૂજા ભટ્ટ નિર્માત્રી હતી જ પણ તેને પિતા મહેશ ભટ્ટનો સાથ હતો. આલિયા પોતાની રીતે કામ કરે છે.

તાપસી પન્નુ અત્યારે ‘બ્લર’ બનાવી રહી છે તો ઋચા ચઢ્ઢા ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’ બનાવી રહી છે. દિપીકા તો ‘83’ની સહનિર્માત્રી છે અને અનુષ્કા ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝ બનાવી રહી છે. પ્રિયંકા ચોપરા ‘ધ સ્કાય ઈઝ પિંક’ બનાવવા ઉપરાંત ભોજપુરીમાં ‘બમ બમ બોલ રંહા હે કાશ્ત’ અને મરાઠીમાં ‘વેન્ટિલેટર’ બનાવી ચુકી છે અને નિર્માત્રી બનેલ અભિનેત્રીઓમાં આટલાં જ નામ નથી. દિયા મિર્ઝા ‘લવ બ્રેક અપ્સ જિંદગી’ તો વિદ્યા બાલન ‘નટખટ’ લારા દત્તા ‘ચલો દિલ્લી’, પ્રિટી ઝિન્ટા, ‘ઈશ્ક ઈન પેરિસ’, અમીષા પટેલ, ‘દેસી મેજિક’ બનાવી ચુકી છે. એટલું જ નહી કંગના રણૌત અને રેણુકા રાહાણે દિગ્દર્શક પણ બની ચુકી છે. હેમામાલિની, આશા પારેખ દિગ્દર્શનમાં પડેલી ત્યારે એકલી લાગતી હતી, હવે એવું નથી. અભિનેત્રીઓ નિર્માત્રી બને પછી એટલું તો નક્કી હોય છે કે તેઓ સલમાન, ઋતિક, રણબીર કપૂર જેવા સ્ટાર્સને કેન્દ્રમાં રાખી ફિલ્મ બનાવે છે. મતલબ કે પુરુષ સ્ટાર્સનો ભાવ તેઓ ઘટાડી રહી છે. અભિનેત્રી નિર્માત્રી બને તો મોટા ફરક પડી શકે તેના આ ઉદાહરણ છે. અત્યાર સુધી ફિલ્મોમાં હીરો જેટલું જ યા હીરોથી પણ વધારે મહત્વનું પાત્ર હીરોઈન ભજવ્યું હોય તો પણ તેમને હીરોથી ઓછા જ રૂપિયા મળતા. હવે તેઓ એવું કરી શકે તેમ નથી. કંગના, તાપસી, દિપીકા, આલિયા ભટ્ટ પોતાની તાકાત પર ફિલ્મો સફળ બાનાવી શકે છે. તેમણે શું કામ હીરો સામે નાના દેખાવું જોઈએ? હવે સમય બદલાઈ ગયો છે. ફિલ્મોના સ્ટાર્સ નહિં નિર્માતાઓ પણ આ સમજી ગયા છે. હવે તેમના ખોંખરા ખાવાના દિવસો ગયા.

Most Popular

To Top