જીવવા માટે આપણને સૌને પૈસાની જરૂર પડે છે. કોઇએ સાચું કહ્યું છે કે પૈસા કમાવાથી નહીં પણ પૈસા બચાવવાથી પૈસાદાર થવાય છે. એનો અર્થ એ છે કે, ગમે તેવા પૈસાદારે પણ કરકસર શીખવી પડે છે. મોટા મોટા ઉદ્યોગો ચલાવવા માટે પણ કરકસરની જરૂર પડે છે. મિત્રો કહેવાય છે ને કે અનાજના વેપારમાં બારદાન નફામાં અને તેલનાં વેપારમાં ખાલી ડબ્બો નફામાં આમ દરેક ક્ષેત્રમાં કરકસરનું ઘણું જ મહત્વ છે. આજે દરેક માણસને સુખી થવું હોય છે, પરંતુ તે સુખી થઇ શકતો નથી તેની પાછળનું કારણ શું? માણસની અણસમજણ. સાચી સમજણથી જીવે તો એ અવશ્ય સુખી થાય છે. આજે માણસને મનમાં આવે તેટલી બધી વસ્તુઓ ખરીદવાની ટેવ પડી ગઇ છે એને કારણે તે દુ:ખી થતો હોય છે.
આ દુનિયામાં જરૂરિયાત તો નાના – મોટા દરેક વ્યકિતની થાય છે. કારણકે, જરૂરિયાતની યાદી તો એક નાનકડા પોસ્ટકાર્ડમાં પણ સમાઇ જાય છે પરંતુ ઇચ્છાઓ તો અબજોપતિનીય પૂરી નથી થતી. કારણકે, ઇચ્છાઓની યાદી કરી શકાય એવો ચોપડો આજ સુધી જગતમાં શોધાયો નથી અને ભવિષ્યમાં શોધાશે નહિ. જરા મનમાં વિચારો કે આપણી જરૂરિયાત પૂરી નથી થતી કે પછી ઇચ્છાઓ? જો આ કપરી મંદીમાંથી ઉગરવું હોય અને સુખી થવું હોય તો ઇચ્છાઓ ઉપર આપણે પૂર્ણવિરામ મૂકી અને કરકસર કરીને આ વિપત્તિમાંથી મુકિત મેળવી શકીશું. જરૂરિયાત હોય એટલો જ ખર્ચો કરવો. બીજાનું અનુકરણ કરી આપણે પોતે આપણા માટે ખાડો ખોદવો નહિ. આપણા કુટુંબનું અને આપણું ભવિષ્ય માટે કરકસર કરવી ખૂબ જ જરૂરી છે.
અમરોલી – આરતી જે. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.