Editorial

આગામી નાણાકીય વર્ષ પાસે બહુ અપેક્ષાઓ રાખી શકાય તેમ નથી

વર્તમાન નાણાકીય વર્ષ હવે થોડા સપ્તાહો પછી પુરું થવાની તૈયારીમાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે ૩૧મી માર્ચના રોજ પુરું થશે અને પહેલી એપ્રિલથી દેશનું નવું નાણાકીય વર્ષ શરૂ થશે. કેટલાક સમયથી એવા સંકેતો હતા કે નવા નાણાકીય વર્ષમાં આર્થિક સંજોગો બહુ સારા નહીં હોય અને હાલ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે રાષ્ટ્રીય આંકડાકીય કચેરીએ બહાર પાડેલા આંકડાઓ આ વાતને સમર્થન આપી રહેલા જણાય છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ સૂચવે છે કે ભારતનો આર્થિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષના ઓકટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં ઘટીને ૪.૪ ટકા થયો છે.

મેન્યુફેકચરિંગ સેકટરમાં ઘટેલું ઉત્પાદન, ઉંચો ફુગાવો, મોંઘુ ધિરાણ સહિત અનેક કારણો આ જીડીપી વિકાસ દર ઘટી જવા માટે જવાબદાર ગણવામાં આવે છે અને કેટલાક આર્થિક વિશ્લેષકોએ સંકેત આપી દીધો છે કે આગામી નાણાકીય વર્ષ પાસેથી કોઇ મોટી અપેક્ષાઓ રાખી શકાય તેમ નથી. દેશનો જીડીપી વિકાસ દર ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૧માં ૧૧.૨ ટકા હતો અને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૨૨માં તે ૬.૩ ટકા હતો એમ નેશનલ સ્ટેસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે. ડિસેમ્બર ક્વાર્ટરનો વિકાસ દર એક વર્ષ અગાઉના આ જ સમયના વિકાસ દર કરતા નોંધપાત્ર નીચો ગયો છે.

આ સ્લોડાઉન મૂડી અને નાણા બજારોમાં અદાણી ગ્રુપ પર થયેલા ગોટાળાના આક્ષેપો પછી ઉભા થયેલા વમળો અને આ ઉનાળો વધુ ગરમ રહેવાની આગાહીઓ પહેલા આવ્યું છે. અને આ સ્લોડાઉન પછી દેશના શેર બજાર અને નાણા બજારમાં અદાણી કાંડને કારણે વમળો સર્જાયા અને તેના પછી આ વખતે ઉનાળો આકરો રહેવાની આગાહી આવી પડી છે જે આગામી નાણાકીય વર્ષ અંગે વધુ નિરાશા પેદા કરે છે. એનએસઓના આંકડાઓ પ્રમાણે ઓકટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં મેન્યુફેકચરિંગ સેકટરનું ઉત્પાનદ ૧.૧ ટકાથી સંકોચાયું છે અને સતત બીજા ક્વાર્ટરમાં આ ઉત્પાદન ઘટ્યું છે જે ગ્રાહક માગ અને નિકાસમાં નબળાઇનું પ્રતિબિંબ પાડે છે.

એક કારણ નબળી બાહ્ય માગ પણ છે જે વિશ્વ ભરની મધ્યસ્થ બેંકો તેમની નાણાકીય નીતિ સખત બનાવી રહી હોવાને કારણે થયું હોવાનું મનાય છે. જો કે આમ છતાં સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો કુલ એકંદર વિકાસ દર ૭ ટકા રહેવાનો આશાવાદ ચાલુ રાખ્યો છે. એનએસઓએ ચાલુ નાણાકીય વર્ષના બીજા આગોતરા અંદાજ પણ જારી કર્યા છે જે મુજબ સમગ્ર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર ૭ ટકા અંદાજવામાં આવ્યો છે જે જાન્યુઆરીમાં જારી કરાયેલ પ્રથમ આગોતરા અંદાજ મુજબનો જ છે. રિઅલ જીડીપીમાં વિકાસ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૭ ટકા અંદાજવામાં આવ્યો છે જેની સરખામણીમાં ૨૦૨૧-૨૨માં તે ૯.૧ ટકા હતો. સ્વાભાવિક રીતે જીડીપી વિકાસ દર ધીમો પડ્યો છે અને પુરૂં થવાની તૈયારી કરી રહેલા વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં તો તે ખૂબ જ નીચા ૪.૪ ટકાના દરે પહોંચી ગયો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતના આર્થિક સર્વેમાં આગામી નાણાકીય વર્ષ માટે ૬.પ ટકાનો વિકાસદર અંદાજવામાં આવ્યો છે જ્યારે કે આ માર્ચ મહિનાના અંતે પુરા થનાર ચાલુ નાણાકીય વર્ષમાં આ દર ૭ ટકા રહેવાનો અંદાજ છે. એક વિશ્લેષકે કહ્યું છે કે ભારતે અલ-નીનો અને હવામાન અચોક્કસતાઓ સાથે કામ પાર પાડવ માટે તૈયાર રહેવાનું છે. ૬.પ ટકાના વિકાસદરનો અંદાજ જોતા આગામી નાણાકીય વર્ષ માટે કોઇ મોટી અપેક્ષા રાખી શકાય તેમ નથી એ મુજબ એક વિશ્લેષણ કહે છે. અધુરામાં પુરું ફેબ્રુઆરી મહિનો આ વખતે ખૂબ ગરમ રહ્યો છે અને આકરા ઉનાળાના સંકેતો ફેબ્રુઆરીના મધ્ય ભાગેથી જ મળવા માંડ્યા હતા.

હવામાન વિભાગે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે જાહેર કર્યું કે આ વખતે ફેબ્રુઆરી મહિનો એ ૧૮૭૭ના ફેબ્રુઆરી પછીનો નોંધાયેલો સૌથી ગરમ ફેબ્રુઆરી માસ રહ્યો છે અને તે સાથે તેણે આ વખતે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઉનાળો સખત રહેવાની શક્યતા દર્શાવી દીધી છે. વધુ પડતા તાપને કારણે ઘઉંના ઉભા પાકને અન્ય ઉભા પાકોને નુકસાન થઇ શકે છે એમ જાણકારો કહે છે. ઘઉંની લણણી થાય તે પહેલા જ જો તેના પાકને મોટું નુકસાન થઇ જાય, બીજા ઉભા પાકોને નુકસાન થાય તો તેની આર્થિક અસરો જોવા મળે જ.

વધુ પડતી ગરમીના કારણે વિવિધ કામકાજને અસર થાય, આર્થિક પ્રવૃતિઓને અસર થાય અને તેની પણ સીધી આર્થિક અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે અત્યારથી ચોમાસા વિશે કોઇ આગાહી કરવાનો ઇન્કાર કર્યો છે પરંતુ એવા સંકેતો મળી રહ્યા છે કે અલ-નીનો ઇફેક્ટને કારણે આ વખતે ચોમાસુ નબળુ રહી શકે છે અને તેની તો વધુ મોટી આર્થિક અસર થઇ શકે છે. યુક્રેન યુદ્ધની અસરો તો નવા નાણાકીય વર્ષમાં પણ થોડે ઘણે અંશે ચાલુ જ રહેશે. બધુ જોતા વિશ્લેષકોની એ વાત સાથે સહમત થઇ શકાય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પાસે બહુ મોટી અપેક્ષાઓ રાખવા જેવું નથી.

Most Popular

To Top