ખાવા-પીવાના શોખીન સુરતીઓ પહેલા માત્ર હોટલો, લારીઓ વિ. જગ્યાઓ પર ખાવાની મિજબાની માણતા હતા. વખત જતા લોકોમાં પરિવર્તન ને બદલાવ આવતા નવા-નવા ટ્રેન્ડસ પણ આવતા ગયા. લોકો ચા શાેખિન તો હોય જ છે ઉપરાંત સુરતીઓમાં વિવિધ કોફીના ટેસ્ટ માણવાનો ઉત્સાહ પણ દેખાતો હોય છે. આજે ઘણા વખતથી સુરતમાં અને ઘણા અલગ-અલગ કેફેઝ ખૂણી રહ્યા છે અને લોકો પસંદ પણ કરી રહ્યા છે. 1st ઓકટોબર ઈન્ટરનેશનલ કોફી ડે નિમિત્તે આપણે એવા કેફેઝની વાત કરવા જઈ રહ્યા છે જે આજે ગેજેટસ ના જમાનામાં લોકોમાં પેઈન્ટીંગ્સનો, વાંચનનો, ગેમ્સ રમવાનો શોખ પુનજીર્વીત કરવા વિવિધ થીમ્સ પર બની રહ્યા છે અને જેને સુરતીઓ ખુલ્લા દિલથી પસંદ પણ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ થીમ બેઝડ સુરતી કેફેઝ વિષે….
સુરતના ઈતિહાસનું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર : પાર્થ ભ્રહ્મભટ્ટ
સુરતના પિપલોદ વિસ્તારમાં આવેલા એક કોફી શોપમાં તમે એન્ટ્રી કરશો તો એક નજરે તો તમને એવું જ લાગશે કે ક્યાંક તમે લાયબ્રેરીમાં તો નથી આવી ગયા ને. માત્ર 6 માસ અગાઉ શરૂ થયેલા આ કેફેમાં તમને અલગ અલગ પ્રકારની 5000 જેટલી બુક્સ જોવા મળશે. જેમાથી તમે કોઈપણ બુક લઈને વાંચી શકો છો અને એ દરમિયાન જો તમે બીજી કોફી મંગાવો છો તો તમારે એક જ કોફીના પૈસા આપવાના રહેશે. આ અંગે કેફેના ઓનર પાર્થ ભ્રહ્મભટ્ટ જણાવે છે કે, જ્યારે મે શરૂઆત કરી ત્યારે વિચાર્યું કે એકલી કોફીથી તો નહીં જ ચાલે. લોકોને આકર્ષવા હોય તો કઈક અલગ તો કરવું જ પડશે. જેથી અમે બુક્સ ઉપરાંત પરફોર્મિન્ગ આર્ટ, ફાઇન આર્ટ તેમજ સિનેમા એન્ડ ફૂડનો પણ સમાવેશ કર્યો છે. સુરતમાં ઘણીવાર કલાકારો આવતા હોય છે ત્યારે તેઓ અમારા કેફેની મુલાકાત લેતા હોય છે જેનો લાભ લોકોને મળે છે આ ઉપરાંત અમે એવી મૂવી પ્લે કરતાં હોઈએ છીએ જે ક્લાસિક અને ફેમસ હોય પણ ખાસ કરીને ટીવીમાં જોવા મળતી ન હોય. આ ઉપરાંત અમારા કેફેમાં અમે રીડર્સ તથા રાઇટર વચ્ચે કૉમ્યુનિટી ટોક પણ રાખીએ છીએ જેનો પણ સારો રિસ્પોન્સ મળતો થયો છે. અમારા કેફેમાં લગાડેલા સુરતના ઈતિહાસનું પેઇન્ટિંગ પણ લોકોને ખાસ આકર્ષી રહ્યું છે.
લોકો ડુમસ ફરવા નહીં પણ ખાસ અમારા કેફેમાં આવે છે: ઋષભ શાહ
ડુમસમા બંગલો ધરાવતા ઋષભ શાહને વિચાર આવ્યો કે લોકોને પરિવાર કે મિત્રો સાથે શાંતિથી બેસવા મળે એવું કઈક કરવું છે અને એમણે એક એવા કોફીશોપનો આઇડિયા અમલમાં મૂક્યો કે જ્યાં અમુક લોકો હવે ડુમસ ફરવા માટે નહીં પણ એમના કેફેની મુલાકાતે જ આવતા થયા છે, આ અંગે ઋષભ જણાવે છે કે, મારી પાસે ડુમસમા બંગલો તો હતો જ અને મને નેચરનો શોખ હોવાથી તેમાં થોડા વૃક્ષો પણ વાવ્યા હતા. અને સાથે જ આર્ટ ગેલેરી પણ બનાવી છે જેમાં બહારના આર્ટિસ્ટે તથા સુરતના આર્ટિસ્ટે બનાવેલા પેઇન્ટિંગ પણ ડિસ્પ્લે કરતાં હોઈએ છીએ. ડુમસમાં કેફે શરૂ કરતાં પહેલાં થોડી તકલીફ પડી હતી. પણ પછીથી લોકો પરિવાર સાથે આવવા લાગ્યા અને અમારા આર્ટ વર્કશોપમાં ભાગ પણ લે છે.
કૉફી સાથે કરીએ છીએ આર્ટને પ્રમોટ: દ્રષ્ટિ કામનાની
પિપલોદમાં પોતાના બે મિત્રો ફાગુન પટેલ અને કુનાલ પટેલ સાથે છેલ્લા 9 માસ અગાઉ કેફેની શરૂઆત કરનાર દ્રષ્ટિ કામનાની જણાવે છે કે, ‘અમારો ઇરાદો આર્ટને પ્રમોટ કરવાનો હતો પરંતુ લોકો એકલા આર્ટને જોવા માટે આવવાનું ટાળતા હોય છે જેથી અમે સાથે કોફીનો કોન્સેપ્ટ પણ લીધો છે. અમારા કેફેમાં અમે કોઈપણ આર્ટ 3 મહિના સુધી ફ્રીમાં ડિસ્પ્લે કરીએ છીએ. આ ઉપરાંત વર્કશોપનું તથા ઇવેંટનું પણ આયોજન પણ કરવામાં આવે છે જેમાં અમે આર્ટિસ્ટોને બોલાવતા હોઈએ છીએ. જો કે આર્ટમાં સુરતીઓએ ઘણો સારો રિસ્પોન્સ તો નથી બતાવ્યો પણ તેમ છ્તા માહિનામાં 1-2 પીસ વેચાઈ જતાં હોય છે, અને સારી વાત એ છે કે હવે જે લોકો જાણતા થયા છે તેઓ સ્પેશ્યલી આવે છે અને તેમનું આર્ટ પ્રદર્શિત કરવાની માંગણી કરે છે.’
રિવર સાઈડ કોફી સાથે સ્પોર્ટ્સનો સંગમ: વિકાસ અગ્રવાલ
નદી કિનારે તમને કોફી સાથે ગમતી સ્પોર્ટ્સ પણ માણવા મળે તો એનાથી સારી વાત કઈ હોય શકે, શહેરના પિપલોદ- મગદલ્લા વિસ્તારમાં રિવર સાઈડ પર આવો જ માહોલ તમને મળે છે સુરતમાં ભાગ્યે જ નદી કિનારે આવા કેફે જોવા મળે છે ત્યારે આ કેફેમાં આવીને તમને કોઈ પ્લે ગ્રાઉન્ડ જેવો અનુભવ થયા વગર નહીં રહે. વિકાસભાઈ કહે છે કે નદી કિનારે દરેકને ગમતુ હોવાથી મે મારો સ્પોટની થીમ સાથેનો કેફે નદી કિનારે શરૂ કરવાનું િવચાર્યું છે. છેલ્લા 4 વર્ષથી સુરતીઓમાં આ ફેવરીટ બન્યો છે. કેફેમાં તમે ક્રિકેટ, ફૂટબોલ જેવી આઉટડોર ગેમ્સ પણ રમી શકો છો જે તમને એક નવો જ અનુભવ આપશે જે તમને પરિવાર અને મિત્રો સાથે ટાઈમ પસાર કરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે.
બાળકોમાં પણ ફેવરિટ બન્યું કોફીશોપ: પીનલ પટેલ
શહેરના વેસુ વિસ્તારમાં એક એવું કોફીશોપ છે જ્યાં જવાની બાળકો પણ જીદ કરતા હોય છે. પીનલ પટેલ અને શ્વેતા શાહ દ્વારા ફક્ત એક જ માસ અગાઉ શરુ કરવામાં આવેલા આ કોફીશોપમાં 300 ઉપરાંત બોર્ડ ગેમ અને સાથે જ લાયબ્રેરી પણ ઉપલબ્ધ છે. જેથી આ એવી જગ્યા છે જ્યાં પરિવાર સાથે બેસીને એન્જોય કરી શકે છે. આ અંગે પીનલ પટેલ જણાવે છે કે મારે રીડિંગ ક્લચર ડેવલપ થાય એ માટે લાયબ્રેરી શરુ કરવી હતી પણ વાચકો લાયબ્રેરીમાં ખાસ જતા નથી અને તેમાં બાળકો તો વાંચવાના નામથી જ દૂર ભાગતા હોય ત્યારે તેમને આકર્ષવા માટે સાથે ગેમ્સ પણ શરુ કરી અને હાલમાં અમારી પાસે સાપસીડી, લુડોથી લઈને ટિકિટ તું રાઈટ વગેરે ગેમ્સ હાજર છે અને જો કોઈને રમવી હોય અને ન આવડતી હોય તો અમારો સ્ટાફ રમતા પણ શીખવાડે છે. આ ઉપરાંત દરેક એજ ગ્રુપને ધ્યાનમાં રાખીને 5000 જેટલી બુક્સ મુકવામાં આવી છે જેમાં બાળકો માટેની બુક્સની ડિમાન્ડ વધી રહી છે. ચા, કોફી અને મોકટેલ સાથે બુક્સ અને ગેમના કોમ્બિનેશનના કારણે આજે આટલા ટૂંકા ગાળામાં 10 જેટલા કસ્ટમર અમારા રેગ્યુલર ગ્રાહક બની ગયા છે જેનો અમને આનંદ છે.