તા. 2.2.21ના દિને પાના નં. 12 ઉપર આપણા ગુજરાતમિત્રે સમાચાર આપ્યા… આ લો, દારૂના અડ્ડાનું લિસ્ટ, પગલા ભરો. નવસારીના અંબાડા ગામના લોકોએ જિલ્લા પોલીસ અધિક્ષકને દારૂના અડ્ડા બંધ કરાવવા લેખિતમાં દારૂ પી પીને મોતને ભેટેલા વિધવાઓના નામ સહિત બુટલેગરોના નામની યાદી સુપરત કરેલ છે. બજારમાં વેચાતી સિંદૂરની ડબ્બીઓ- લાલ કાચની બંગડીઓની કિંમત ફકત 40-50 રૂપિયા જ હોય છે.
પરંતુ એ બંગડીઓ અને સિંદૂર કોઇ પરણેતર એના હાથમાં પહેરે અને સેંથીમાં જયારે પૂરતી હોય છે ત્યારે એની કિંમત ભગવાન પણ નહિ ચૂકવી શકે!! આપણા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શ્રમિક વર્ગનો પુરુષ ગંધાતા ગોળ અને રસાયણમાંથી બનાવેલ દારૂનો વ્યસની બનીને મોતના મુખમાં ધકેલાઇ રહયો છે. આ મજૂર વર્ગ થાક ઉતરી જાય છેના ભ્રમમાં ને ભ્રમમાં ઝેરી દારૂની પોટલી ગટગટાવી જતો હોય છે.
આશરે દસેક વરસ પહેલા ગણદેવીની કોળી સમાજ વાડી ખાતે સમાજના લગ્નોત્સુક યુવાન યુવતીઓ પરિચય મેળો રાખવામાં આવ્યો હતો. પોતાનો વારો આવતા એક લગ્નોત્સુક યુવતીએ કહયું હતું ‘મને એક એવા જીવનસાથીની જરૂર જે ભણેલો અને સંસ્કારી હોય. સેવાભાવી હોય, મહેનતુ હોય, સાધારણ નોકરી હોય પરંતુ સીગારેટ, બીડી, તંબાકુ, માવાનો બંધાણી ના હોય અને તેમાંય પીધેલ તો નહિ જ!!! હાથમાં કલગી-શ્રીફળ પકડીને કારમાં પરણવા આવે અને 40ની આયુમાં તો ચાર ડાઘુઓના ખભે ચડી સ્મશાનની વાટે હાલતો થાય એવો વર શા કામનો?
વડસાંગળ – ડાહ્યાભાઇ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.