મુંબઈ ઈન્ડિયન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2025 સીઝનની પોતાની પહેલી મેચમાં નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા રમી શકશે નહીં. એવું નથી કે તે અનફિટ છે પરંતુ IPLના એક નિયમને કારણે તેને સજા થઈ છે.
આ દરમિયાન પ્રશ્ન એ હતો કે શું રોહિત શર્મા એક મેચ માટે કેપ્ટનની જવાબદારી નિભાવશે પરંતુ હવે તેનો જવાબ મળી ગયો છે. હાર્દિક પંડ્યાએ પોતે આ સવાલનો જવાબ આપ્યો છે. પંડ્યાએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટીમની પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવ ટીમનો કેપ્ટન રહેશે.
પંડ્યાએ એક નિવેદનમાં કહ્યું મારી ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ સ્વાભાવિક રીતે કેપ્ટનશીપ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તે ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન પણ છે. હાર્દિક પંડ્યાના કેપ્ટન તરીકે વાપસી પછી મુંબઈ ઈન્ડિયન્સ માટે 2024 ની સીઝન ખૂબ જ તોફાની રહી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 2024 માં ભારતના T20 વર્લ્ડ કપ વિજય પછી મુંબઈનો આ મુખ્ય ખેલાડી તેની ચેમ્પિયન છબી પર પાછા ફરવા માટે તૈયાર છે.
આ કારણે હાર્દિક પંડ્યા IPL 2025 ની પહેલી મેચમાં રમશે નહીં
હાર્દિક પંડ્યાને IPL 2024 ની મુંબઈ ઇન્ડિયન્સની લખનૌ સુપર જાયન્ટ્સ સામેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં રમ્યા બાદ 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેને IPL 2025 ની શરૂઆતની મેચમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ ઓવર-ટાઇમ પ્રતિબંધને કારણે હાર્દિક પંડ્યા શરૂઆતની મેચમાંથી બહાર થઈ જશે.
બીજી તરફ એવા અહેવાલો છે કે જસપ્રીત બુમરાહ શરૂઆતના થોડા અઠવાડિયા માટે ઉપલબ્ધ રહેશે નહીં. સૂર્યકુમાર યાદવ સ્ટેન્ડ-ઇન કેપ્ટન હશે અને તેમની સામે ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી મજબૂત ટીમ છે. હવે જોવાનું એ રહે છે કે સૂર્યકુમાર યાદવ આ શરૂઆતના પડકારોને કેવી રીતે પાર કરી શકે છે અને ટાઇટલ કેવી રીતે જીતી શકે છે?
મુંબઈની મહિલા ટીમે ટાઇટલ જીતતા મેન્સ ટીમ પર વધારાનું દબાણ
દરમિયાન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ મહિલા ટીમે WPL 2025નો ખિતાબ જીતી લીધો છે. ફ્રેન્ચાઇઝને આશા છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં પુરુષ ટીમ પણ સારું પ્રદર્શન કરશે. જોકે, પહેલી મેચમાં કેપ્ટનનો ટેકો ન મળવો એ તેના માટે મોટો ફટકો છે.
