ગોકુળ ગામની ગલીઓમાં બાલકૃષ્ણ લીલા કરતાં કરતાં મોટા થયા.વૃન્દાવનમાં ગોપીઓની મટકી ફોડે, રાસ રમે અને ગોવાળો સાથે ગેડી દડો રમે અને ગાયો ચરાવે.કૃષ્ણના બધા ગોવાળો દોસ્ત. તેમાં એક ખાસ સખા સુદામા કૃષ્ણને ખૂબ જ પ્રેમ કરે, તેની ભાવથી ભક્તિ કરે અને હંમેશા તેની સાથે ને સાથે રહે. સુદામા સદા કૃષ્ણની સાથે રહે અને તે હંમેશા કૃષ્ણની સાથે ચાલે ત્યારે તેની બાજુમાં ન ચાલતા કૃષ્ણની પાછળ જ ચાલે અને થોડી થોડી વારે નીચે નમીને જમીન પરથી કૈંક ઉપાડે અને પોતાની કમર પર લટકાવેલી નાનકડી પોટલીમાં જમા કરે.આ તેનો રોજનો નિયમ, બધું ભૂલે પણ તે આ નિયમ ન ભૂલે.
બધાને કંઈ સમજાય નહિ કે આ સુદામા રોજ પોટલીમાં શું ભરે છે.એક દિવસ બે ગોવાળોએ સુદામાની પાછળ ચાલીને ખાસ નજર રાખીને જોયું કે સુદામા જમીન પરથી માટી ઉપાડીને પોતાની પોટલીમાં ભરે છે.ગોવાળોને કંઈ સમજાયું નહિ કે આમ માટી પોટલીમાં ભરવાનું કારણ શું? તેઓ તેની મજાક કરવા લાગ્યા અને સુદામા રિસાઈને રડવા જેવો થઈ ગયો. કૃષ્ણે બધાને મજાક ઉડાડવાની ના પાડી અને સુદામાની પાસે જઈને પૂછ્યું, ‘સખા, આ લોકો શું કહે છે, તું થોડી થોડી વારે જમીન પરથી માટી ઉપાડીને શું કામ પોટલીમાં ભરે છે?’ સુદામા રડવા લાગ્યો અને કૃષ્ણને ભેટીને બોલ્યો, ‘કાન્હા, હું કંઈ ગાંડો નથી કે કારણ વિના આ વૃંદાવનની માટી પોટલીમાં સાચવું.કાન્હા હું તો તારી પાછળ પાછળ ચાલું, તારા પગ જ્યાં જ્યાં પડે તે વૃંદાવનની માટી પવિત્ર રજ બની જાય અને તારાં ચરણોની રજ હું તારી પાછળ પાછળ ચાલીને ભેગી કરીને સાચવીને મારી પોટલીમાં રાખું છું અને રોજ સાંજે મારા ઘરે એક દાબડામાં ભેગી કરું છું અને રોજ સવારે ચપટીક માથે ચઢાવું છું.’ સુદામાનો જવાબ સાંભળીને તેની મજાક કરી રહેલા બધા ગોવાળિયાઓ ચૂપ થઇ ગયા.
ભગવાન કૃષ્ણ ઊભા થયા, હસ્યા અને સુદામાને ભેટીને કહ્યું, ‘સખા, હું આખે આખો તારી સાથે જ હોઉં છું.આખો દિવસ તારી સાથે ફરું છું.તું ઈચ્છે ત્યારે મને જોઈ શકે,મળી શકે અને ભેટી શકે છે.પછી આ મારી ચરણરજનો આટલો મોહ શા માટે? સખા, આ મોહ છોડી દે.હું મોહમાં બંધાતો નથી અને કોઈને બાંધવા માંગતો નથી.સખા, મારી ભક્તિમાં તારો મારા પ્રત્યેનો સ્નેહ બસ છે. આ ચરણરજ સાચવી રાખવા જેટલી મારા પ્રત્યેની આસક્તિ રાખવાની કોઈ જરૂર નથી.હું તારો સખા છું અને સખા જ રહીશ.’ પરમ આરાધ્ય પ્રત્યેની આસક્તિમાંથી પણ મુક્ત થઈને પ્રેમભાવથી પ્રભુની ભક્તિ સાચી વિવેકભક્તિ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.