Charchapatra

અગ્નિસંસ્કાર નહીં, ભૂમિસંસ્કાર અપનાવો

માનવી પંચતત્ત્વોથી બનેલો છે. પંચતત્ત્વ જોડાયેલાં હોય તો તે જીવન છે અને પંચતત્ત્વ વિખેરાઇ જાય તો મૃત્યુ. મૃત્યુ પછી માનવ સમાજમાં મહદ્ અંશે અગ્નિસંસ્કાર અથવા ભૂમિસંસ્કારની પધ્ધતિઓ પ્રચલિત છે પારસીઓ સિવાય. તા. 28મી માર્ચના ચર્ચાપત્રમાં પ્રકાશ શાહે શબને ભૂમિસંસ્કાર આપવાના સકારાત્મક વિચારો પ્રકટ કરેલા છે, જે આવકારદાયક છે. તેમના મતાનુસાર શબને ભૂમિસંસ્કાર આપવાથી પર્યાવરણને થવા ધારેલા લાભો માનવસમાજને અકલ્પનીય ફાદાકારક નિવડશે એમાં બે મત હોઇ જ ન શકે.

ઘણાં વર્ષો પહેલાં એક નોન મુસ્લિમ ભાઇએ ઇસ્લામી જ્ઞાનના સ્કોલર મોલાના આમિર ઉસ્માની સાહેબને જિજ્ઞાસાવશ પ્રશ્ન કરેલો કે મુસ્લિમો શબને અગ્નિસંસ્કાર કરવાને બદલે ભૂમિસંસ્કાર કેમ કરે છે? મોલાના સાહેબે ઉત્તરમાં કહેલું કે મુસ્લિમો અલ્લાહને નિરાકાર માને છે. પરંતુ તેનાં સ્વરૂપ અનેક છે. તેઓ પૈકી એક સ્વરૂપ પ્રેમાળ છે તો એક સ્વરૂપ રૌદ્ર (ગુસ્સાવાળું) સ્વરૂપ પણ છે. અગ્નિ એ અલ્લાહનું રૌદ્ર સ્વરૂપ હોવાથી મુસ્લિમો અગ્નિસંસ્કાર કરવાનું પસંદ કરતાં નથી. અસલના જમાનામાં મુસ્લિમો હજ કરવા સ્ટીમરમાં જતા. સ્ટીમરનો પ્રવાસ સમય માંગી લે તેવો હતો. સ્ટીમરમાં મૃત્યુ પામેલા વ્યકિતના શબને પાણી સંસ્કાર કરીને નિકાલ કરવામાં આવતો.

માનવીના નિર્જીવ શરીરને ફકત સન્માનપૂર્વક નિકાલ કરવો જરૂરી હોય છે. સુરતમાં કોઝવેની હદ વિસ્તારમાં અગ્નિદાહ આપવા સંભવત: 2 સ્થળ છે. મોટી સંખ્યામાં તાપીના કિનારે શબોને અગ્નિદાહ આપવામાં આવે છે. અગ્નિદાહ પછી શબોની રાખ તાપી નદીના પાણીમાં ભળી જાય છે. અગાઉ એક સંસ્થાએ કોઝવે વિસ્તારના તાપી નદીના પાણીના સેમ્પલ સરવેનું કામ કરેલું. તપાસમાં પાણીમાં કેલ્શીયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાનું જાણવા મળેલું. અગ્નિ સંસ્કારના બદલે ભૂમિ સંસ્કારને દેહદાનની માફક લેવામાં આવે અને કાળક્રમે એનો વ્યાપ વધે તો ગુમાવવાનું કોઇને કશુંય નથી. ફાયદામાં રાજયભરમાં 150 ટન લાકડાની બચત રોજની થશે જે 130 વર્ષ જૂના 18 હેકટરના જંગલને બચાવવા બરાબર થશે. પર્યાવરણને બચાવવા આપેલા યોગદાનથી પુણ્યના ભાગીદાર તો થવાશે જ.
સુરત     – અબ્દુલ્લા એ. હાફેઝજી  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ- ફક્ત આંતરિક નહીં, પણ બાહ્ય પરિબળો પણ જવાબદાર
હાલ પાકિસ્તાન લગભગ વિઘટનને આરે છે અને રાજકારણીઓ મરું – મારું-ની હદે ગયા છે, તો આ પરિસ્થિતિ માટે ત્યાંનાં શરૂઆતથી અત્યાર સુધીનાં લગભગ તમામ રાજકારણીઓ તથા લશ્કરી સત્તાધારીઓ , જેઓ ક્યારેક પ્રત્યક્ષ અથવા ક્યારેક પરોક્ષ રીતે રાજ કરે છે અને બાદમાં સત્તા કાળમાં કરેલા ભ્રષ્ટાચાર વડે નિવૃત્તિ કાળ જીવનના અંત સુધી યુરોપના દેશો (વિશેષ રૂપે ઇંગ્લેન્ડ) અમેરિકા કે દુબઈમાં વિતાવે છે તેઓ , તો જવાબદાર છે જ . પણ જ્યારે આમ એશિયને આવા દેશોમાં પ્રવેશ મેળવવા કેટકેટલી વિધિઓમાંથી પસાર થવું પડે છે કે જેનો કોઈ ગુનાઈત રેકોર્ડ નથી હોતો, ત્યારે આવા રાજકારણી કે લશ્કરી અધિકારીઓનાં ભ્રષ્ટાચાર જગજાહેર હોય છે.

તેઓ આરામથી પ્રવેશ મેળવીને રોકાણની કોઈ મુદત વિના અને ત્યાંનાં નાગરિક બન્યા વિના આશરાને નામે ઠસી જાય છે. બીજા વિશ્વયુદ્ધ બાદ નાઝીઓના જુલમથી બચાવવા આ પ્રકારના આશરા અને ગુપ્ત બૅન્કની જે શુભ હેતુથી કાયદા કરવામાં આવ્યા હતા તેનો મહત્તમ લાભ શોષિત કરતાં શાસક લોકોએ વધારે લીધો અને આવા ભ્રષ્ટ લોકો ગેરલાભ લેવા લાગ્યા. માટે એવું લાગ્યા વિના નથી રહેતું કે આવાં લોકોને આશરો નહીં મળતે તો તેઓ આટલી હદે ત્યાંની પરિસ્થિતિ બગડી નહીં હોત.
સુરત     – પિયુષ મહેતા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top