વિશ્વ ક્રિકેટમાં આક્રમકતાની વ્યાખ્યા બની ગયેલા વિરાટ કોહલીનું વલણ દરેકને પસંદ નથી. કિંગ કોહલીને મેદાન પર તેના આક્રમક વલણને કારણે વિશ્વના તમામ દિગ્ગજ ખેલાડીઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. મેદાન પર કોહલીના વર્તનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2016ના T-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં કેરેબિયન ખેલાડી લેન્ડલ સિમન્સે કોહલીને ખુલ્લેઆમ ઘમંડી અને વધુ પડતો આક્રમક ગણાવ્યો હતો. એટલું જ નહીં, જ્યારે સિમન્સે પોતાની ઇનિંગ્સથી ટીમ ઇન્ડિયાને પરાજીત કરી તે પછી તેણે કહ્યું કે તે બતાવવા માગતો હતો કે કોહલીથી બહેતર પણ કોઈ હોઈ શકે છે.
વેલ, આ માત્ર એક ખેલાડીનું નિવેદન છે. કોહલી વિશે આવું વિચારનારા લોકો ઓછા નથી. જો કે, રિચાર્ડ હેડલી અને મહાન વિવિયન રિચર્ડ્સ જેવા કેટલાક દિગ્ગજ છે જેમને વિરાટ કોહલીનું આક્રમક વલણ પસંદ છે. તેમણે ઓપન પ્લેટફોર્મ પરથી આક્રમકતાને કોહલીનું સૌથી મોટું હથિયાર ગણાવ્યું છે અને તે જીતવા માટે કંઇપણ કરી છૂટશે એવું તેઓએ કહ્યું હતું. જો કે પાકિસ્તાન સામેની મેચમાં હાર બાદ વિરાટ કોહલીની સ્ટાઈલ થોડી બદલાયેલી જોવા મળી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં કૂલ રહી કોહલીએ દરેક સવાલનો જવાબ બેબાક બનીને આપ્યા
પ્રેસ કોન્ફરન્સમાં તેણે દરેક સવાલના જવાબ હસતા હસતા આપ્યો હતો. તેણે કેપ્ટન રોહિત શર્માથી લઈને અર્શદીપ સિંહનો કેચ છોડવા સુધીની વાત કરી હતી. તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડવા અંગે પણ નિવેદન આપ્યું હતું, પરંતુ આ દરમિયાન તે વધુ કૂલ દેખાતો હતો. મેદાનમાં પણ તેનો આવો જ અભિગમ રહ્યો હતો. એશિયા કપની મેચ દરમિયાન જો તેની બેટીંગનો સમય બાદ કરી દેવામાં આવે તે મેદાન પર હોય તેવું લાગતું નહોતું અને મોટાભાગે તે બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો અને જ્યારથી તે એશિયા કપ માટે UAE આવ્યો ત્યારથી તે ચાહકોને એજ અંદાજમાં મળતો રહ્યો હતો.
એમએસ ધોનીનું નામ લઇને કોહલીએ ઘણાં લોકો પર નિશાન સાધ્યું
તેણે પાકિસ્તાન સામેની મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ટેસ્ટ કેપ્ટનશિપ છોડવા સહિતની ઘણી વાતો કરી હતી. આ દરમિયાન તેણે એમએસ ધોનીનુ નામ લીધું હતું. તેણે કહ્યું હતું કે જ્યારે તેણે ટેસ્ટ કેપ્ટનશીપ છોડી ત્યારે બધા પાસે મારો નંબર હતો પણ માત્ર ધોનીએ જ ફોન કર્યો હતો. કોહલીએ કહ્યું હતુ. સાથે જ તેણે કોઇનું પણ નામ લીધા વગર કહ્યું હતું કે જો તમે ખરેખર મને મદદ કરવા માંગતા હો, તો સીધી મદદ કરવી જોઇએ તેના માટે ટીવી પર છડેચોક જાહેરાતો કરવાની કોઇ જરૂર નથી. મારે કોઇની મદદ કરવી હોય તો હું સીધો તેનો સંપર્ક કરીને મદદ કરું, તેના માટે હું બીજા કોઇ માધ્યમની મદદ ન લઉ. આમ કહીને ખરેખર તો તેણે સુનિલ ગાવસ્કરને નિશાન બનાવ્યા હતા. ગાવસ્કરે એક સમયે કહ્યું હતું કે કોહલી મને પાંચ મિનીટ મળે તો હું તેની સમસ્યા દૂર કરી શકું છું.
દોઢ મહિનાના વિરામ પછી કોહલીએ મજબૂત વાપસી કરી બતાવી
વિરાટ કોહલીએ દોઢ મહિનાના વિરામ બાદ 28 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી અને પાકિસ્તાન સામે તેણે 35 રનની ઇનિંગ રમી હતી. એ મેચ તેની કેરિયરની 100મી T-20I હતી અને તેમાં તે નસીબદાર રહ્યો હતો, કારણ કે બીજા બોલે જ તેનો કેચ સ્લિપમાં પડતો મૂકવામાં આવ્યો હતો. કોહલીએ તે પછી એશિયા કપની પાકિસ્તાન સામેની સુપર ફોર મેચમાં 44 બોલમાં 60 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેણે માત્ર 36 બોલમાં સિક્સર ફટકારીને અડધી સદી ફટકારી હતી, જેનાથી ચાહકોને જૂનો કોહલી પાછો ફર્યાનો અણસાર મળ્યો હતો. તે પછી હોંગકોંગ સામે પણ તેણે અર્ધસદી ફટકારી હતી.
બદલાયેલા કોહલીને જોઇ ગૌતમ ગંભીરની પંત -સુર્યાએ કોહલી પાસેથી શીખવાની સલાહ
માજી ક્રિકેટર ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની રમતની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું- વાસ્તવમાં વિરાટ કોહલી બેટિંગ દરમિયાન ખૂબ જ સારો દેખાઈ રહ્યો હતો. તેણે આ ફોર્મ જાળવી રાખવું પડશે અને બતાવવું પડશે કે તેનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. મને આશા છે કે તે આ ફોર્મ ચાલુ રાખશે. પાકિસ્તાન સામેની મેચ બાદ ગંભીરે કહ્યું કે સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે કોહલી પાસેથી શીખવાની જરૂર છે કે દબાણની સ્થિતિમાં કેવી રીતે રમવું અને વિકેટની વચ્ચે દોડવા પર સખત મહેનત કરવી. 136.36ના સ્ટ્રાઈક રેટથી 44 બોલની તેની ઈનિંગમાં, કોહલીએ 22 સિંગલ્સ લીધા અને આઠ ડબલ્સ લેવા માટે સખત મહેનત કરી હતી.