નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક પણ નવો કેસ નહીં નોંધાતા પ્રજામાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સંઘપ્રદેશ દમણ (Daman) પ્રજાસત્તાક દિવસે જ કોરોના મુક્ત પ્રદેશ બની ગયો છે. 25 જાન્યુઆરીએ ફક્ત 1 કોરોના દર્દી સારવાર લઈ રહ્યો હતો. જે 26 જાન્યુઆરીએ સ્વસ્થ થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા (Discharge) આપવામાં આવી હતી.
છેલ્લે 23મી જાન્યુઆરીએ નવસારી જિલ્લામાં એક કેસ નોંધાયો હતો. એ બાદ છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે હજુ કોરોનાના ટેસ્ટ તો ચાલુ જ રખાયા છે. બુધવારે પણ જિલ્લામાં કોરોનાના 387 ટેસ્ટ કરાયા હતા. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 131874 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી કુલ 129934 સેમ્પલ નેગેટીવ પુરવાર થયા હતા. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1559 દર્દીઓ કોરોના પોઝીટીવ રહ્યા છે. આ પૈકી અત્યાર સુધીમાં કુલ 1449 દર્દીઓને સાજા થઇ જતાં રજા અપાઇ ચૂકી છે. અત્યાર સુધીમાં કુલ 102 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જિલ્લામાં અત્યારે કુલ 8 કોરોનાના એક્ટિવ કેસ છે.
દાદરા નગર હવેલીમાં બે દિવસમાં કોરોના પોઝિટિવના નવા 2 કેસ નોંધાતા આંકડો 1639 પર પહોંચ્યો છે. પ્રદેશમાં હાલ 05 કેસ સક્રિય છે અને 1644 કેસ રીકવર થઇ ગયા છે. જ્યારે એકનુ મોત થયેલું છે. વલસાડ જિલ્લામાં બુધવારે કોરોનાનો 1 કેસ વલસાડ તાલુકાના ફ્લધરા પાંખરીવાડના 57 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લામાં હાલે માત્ર 6 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધી 1344 કેસ નોંધાયા છે, જે પૈકી 1187ને રજા આપી દેવાઈ છે, જ્યારે 56 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગે કોરોનાના 33,052 ટેસ્ટ કર્યા છે, જે પૈકી 32,708 નેગેટિવ અને 1344 પોઝિટિવ નોંધાયા છે.
પ્રજાસત્તાક દિવસે જ દમણ કોરોના મુક્ત પ્રદેશ બન્યો
દમણ : સંઘપ્રદેશ દમણ પ્રજાસત્તાક દિવસે જ કોરોના મુક્ત પ્રદેશ બની ગયો છે. 25 જાન્યુઆરીએ ફક્ત 1 કોરોના દર્દી સારવાર લઈ રહ્યો હતો. જે 26 જાન્યુઆરીએ સ્વસ્થ થઈ જતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેને લઈ દમણ હવે કોરોનામાંથી મુક્ત થઈ જવા પામ્યો છે. અત્યાર સુધીમાં 1387 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજવા પામ્યું હતું.