વડોદરા: વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટને મોડીફાઈ કરી તેમજ તેના સાયલેન્સરને પણ મોડીફાઈ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટરાજાઓ ની શાન ઠેકાણે લાવવા વડોદરા શહેર ટ્રાફિક પોલીસે સ્પેશ્યલ ડ્રાઈવ યોજી 12 બુલેટ જપ્ત કરવાની સાથે 27 જેટલાં બુલેટચાલકોને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરી હતી.
રાજ્યમાં હાલ માં જ પ્રદેશ વાહનવ્યવહાર મંત્રીએ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખી બેફામ બુલેટ હંકારતા અને અવાજ પ્રદૂષણ કરતાં લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
જે બાદથી રાજ્યમાં હવે બુલેટ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.જેના ભાગરૂપે સોમવારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે પણ શહેરમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતાં બુલેટરાજાઓની શાન ઠેકાણે લાવવા સ્પેશ્યલ ડ્રાઈવ યોજી હતી.જેમાં શહેર ટ્રાફિક પોલીસે 12 જેટલા બુલેટ ડિટેઇન કર્યા હતા.
જ્યારે 27 બુલેટચાલકો પાસેથી રૂપિયા 1 હજારના દંડ વસુલ્યો હતો. કેટલાક બુલેટ ચાલકો પોતાના બુલેટના સાયલેન્સર સાથે ચેડાં કરી બ્લાસ્ટ થાય તે રીતે અવાજ કરતા હોવાની નગરજનોની ફરિયાદને આધારે આવા બુલેટરાજાઓ પર તવાઈ બોલાવવા ખાસ ડ્રાઈવ યોજી લાલઆંખ કરતાં ધ્વનિ પ્રદુષણ કરતા અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ વ્યાપ્યો હતો.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી યુવાવર્ગમાં બુલેટનો ક્રેઝ વધી રહ્યો છે અને બુલેટ તથા સાઈલેન્સરને પણ મોડીફાઈ કરી રસ્તા ઉપર પૂર ઝડપે બુલેટ ચલાવી અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું એક ખોટું ચલણ ચાલી રહ્યું છે.