એક દિવસ એક કુહાડી અને બ્લેડ વચ્ચે ઝઘડો થયો.બન્ને પોતે વધુ ધારદાર છે અને વધુ અઘરું અને મહત્વનું કામ કરે છે એ બાબત પર ઝઘડવા લાગ્યા.કુહાડી પોતાની બડાશ હાંકતા બોલી , ‘ભલે મારું કદ નાનું છે પણ હું મારા કરતા ઘણા મોટા ઝાડના થડને કાપી નાખું છું.એકદમ મજબુત લાકડું પણ મારી સામે ટકી શકતું નથી હું તેના એક ઝાટકે બે ટુકડા કરી નાખું છું…. વગેરે વગેરે …’ કુહાડીએ પોતાનું મહત્વ વધારતી ઘણી વાતો કરી.
હવે બ્લેડ પણ ચુપ રહી શકે તેમ ન હતી તે પણ પોતાની બડાશ હાંકવા લાગી, ‘તે બોલી હું કેટલી પાતળી અને નાજુક છું પણ મારા માર્ગમાં જે આવે તેને કાપી શકું છું.હું એકદમ બારીકાઈથી કામ કરું છું.પુરુષના દાઢીના વાળ કાઢી તેના ચહેરાની સુંદરતા વધારું છું.મારી ધાર સામે કોઈ ટકી ન શકે જરાક વાપરવામાં ધ્યાન ચૂક થાય તો લોહી નીકળ્યું જ સમજો હું એટલી ધારદાર છું..વગેરે વગેરે ..’ નકળી બ્લેડે પોતાનું મહત્વ વધારતી ઘણી વાતો કરી.
આ બન્નેનો નકામો ઝઘડો માણસ સાંભળી રહ્યો હતો અને બન્ને પર હસી રહ્યો હતો.તેને હસતા હસતા કહ્યું, ‘શું તમે બન્ને કારણ વિનાનો ઝઘડો કરો છો.’ પણ બ્લેડ અને કુહાડી કઈ સમજવા તૈયાર ન હતા અને પોતાનું જ મહત્વ ગણાવતા હતા.માણસે વિચાર્યું આ બન્ને ને હવે પાઠ ભણાવવો પડશે.
માણસે પોતાના એક દીકરાને બ્લેડ આપી કહ્યું જ આનાથી લાકડા કાપીને લઇ આવ.છોકરો બ્લેડ લઈને ગયો અને બ્લેડથી લાકડું કાપતા જ બ્લેડ તૂટી ગઈ અને છોકરો તરત પાછો આવ્યો કે બ્લેડ તો તૂટી ગઈ.માણસે બીજા છોકરાને કુહાડી આપીને કહ્યું, ‘બ્લેડ તૂટી ગઈ છે પણ કુહાડી છે.તેના દ્વારા મારી દાઢી કરી આપ.’ છોકરાએ તરત કહ્યું, ‘કુહાડી તમારા ચહેરા પર ઘા કરી દેશે કુહાડીથી કઈ દાઢી થોડી થઈ શકે તેને માટે તો બ્લેડ જ જોઈએ.’
માણસે કુહાડી અને બ્લેડ સામે જોયું અને બોલ્યો, ‘કઈ સમજાયું?? તમારો ઝઘડો સાવ નકામો છે બ્લેડ દ્વારા લાકડા ન કાપી શકાય અને કુહાડી દ્વારા દાઢી ન થઇ શકે.માટે દરેક વસ્તુ કે વ્યક્તિનું પોતાનું આગવું મહત્વ હોય છે.કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતે વિશેષ કાર્ય કરવાની આવડત ધરાવે છે તે અન્ય કરતા ચઢિયાતી કે ઉતરતી નથી હોતી.
દરેક વ્યક્તિ અને વસ્તુમાં કોઈને કોઈ આવડત અને શક્તિ હોય છે માટે કોઈ ચડીયાતું કે ઉતરતું હોતું નથી દરેકનું પોતાનું આગવું મહત્વ હોય છે.’બ્લેડ અને કુહાડી સમજી ગયા કે તેમનું પોતપોતાનું જુદું જુદું કાર્ય અને મહત્વ છે.ઝઘડો પૂરો થયો. જીવનમાં કોઈપણ પગલે બીજાને ઉતારી પાડવા પહેલા બ્લેડ અને કુહાડીનો આ ઝઘડો યાદ કરી લેજો.કોઈ ઉતરતું નથી, કોઈ ચઢિયાતું નથી દરેકની વિશેષ ખાસિયત હોય છે.
- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.