SURAT

સુરતમાં ઘારીની શરૂઆત કરનાર દેવશંકર ઘારીવાલાની પાંચમી પેઢીમાં કોઈ હવે ઘારી વેચતું નથી

સુરત: સુરતી દેશી મીઠાઈની રેસિપી ગણાતી સુરતી ઘારીની (Surti Ghari) શોધને 183 વર્ષ પૂર્ણ થયાં છે. શહેરનાં સોની ફળિયા દેવશંકર ઘારીવાળાના ખાંચા તરીકે જે વિસ્તારનું નામ પડ્યું છે તે દેવશંકર ઈશ્વરલાલ ઘારીવાલાએ ઘારીની રેસિપીની શોધ કરી હતી. અને 1838માં શહેરના લાલગેટ વિસ્તારમાં મીઠાઈની દુકાન શરૂ કરી હતી. તે સમયે કલકત્તામાં દેવશંકર ઘારીવાલાનો ટ્રેડમાર્ક પણ રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યો હતો. વાયકા એવી છે કે, સુરતમાં સામૂહિક રીતે ઘારી ખાવાની જે પરંપરા ચાલે છે તે પરંપરા દાયકાઓ અગાઉ નહોતી.

દેવશંકર ઘારીવાલા.

1857ના વિપ્લવ (1857 Viplav) વખતે સ્વાતંત્ર્યવીર તાત્યા ટોપેનું (Tatya Tope) લશ્કર અંગ્રેજો સાથેની ચળવળ વખતે સુરત આવ્યું ત્યારે તાત્યા ટોપે અને લશ્કરને દેવશંકરભાઈની ઘારી ખવડાવામાં આવી હતી. પ્રથમવાર જે દિવસે મોટા સમૂહને ઘારી ખવડાવવામાં આવી તે દિવસે આસો વદ પડવો હતો. એટલે કે ચંદની પડવાનો દિવસ હોવાથી તેનું અનુકરણ કરીને સુરતીઓએ દર વર્ષે ચંદની પડવાની રાત્રે ઘારી આરોગવાનું શરૂ કર્યું હતું.

ઈશ્વરલાલ ઘારીવાલા.

નવાઈની વાત એ છે કે સોની ફળિયા દેવશંકરના ખાચામાં ઘારીની રેસિપી શોધનાર દેવશંકર ઘારીવાલાની પાંચમી પેઢી રહે છે. પરંતુ આ પાંચમી પેઢીમાં ઘારી વેચાણના વ્યવસાય સાથે કોઈ સંકળાયેલું નથી. દેવશંકર ભાઈના વંશજ તરીકે જાણીતા રશેષભાઈ ઘારીવાળા કહે છે કે, ઘારીવાલા પરિવારમાં હવે ચંદની પડવાના પર્વ નિમિત્તે માત્ર ઘરના સભ્યો માટે ઘારી બનાવવામાં આવે છે. પરિવારના લોકો હવે ઘારીનું વેચાણ કરતા નથી. તેઓ જુદા જુદા વ્યવસાય અને નોકરી કરી રહ્યા છે. જો કે ઘારીવાલા પરિવારની પાંચમી પેઢીના પ્રતીક, અંકિત અને જય ઘારીવાલા સુરતની ઘારીના ઈતિહાસની ખૂબ સારી વિગતો ધરાવે છે.

રસેશ ઘારીવાલા

વિગત એવી છે કે, 1836માં દેવશંકરભાઈ સંત નિર્મળદાસજીને મળ્યા હતા. ત્યારે નિર્મળદાસજીએ દેવશંકરભાઈને એક વિશેષ પ્રકારની મીઠાઈ એટલે કે ઘારી બનાવવાનું શીખવાડ્યું હતું અને ગુરુજીના આશીર્વાદથી 1838માં લાલગેટ વિસ્તારમાં ઘારીની દુકાન શરૂ કરી હતી. તે પછી આ ઘારી સુરતી ઘારી તરીકે વિશ્વવિખ્યાત થઈ છે. સુરતમાં દિવાળી અને નવા વર્ષે પણ ઘારી ખાવાની પરંપરા રહી છે.

સંત શ્રી નિર્મલદાસજી ગુરૂ

પ્રતીક ઘારીવાલા કહે છે કે, 1846થી 19 સદીના મધ્ય સુધી આ પરંપરા ચાલી હતી. જે હવે માત્ર ઓરિજનલ સુરતી પરિવારોમાં જોવા મળી રહી છે. અગાઉના સમયે દિલ્હીથી ઘારીના ઓર્ડર મળ્તા હતા અને ટ્રેન માર્ગે ઘારી દિલ્હી મોકલવામાં આવતી હતી. દાયકાઓ પૂર્વે પ્રેત ભોજન તરીકે પણ સુરતીઓમાં ઘારી ખાવાની પરંપરા હતી. જ્યારે ચંદની પડવાના દિવસે તીખા તમતમતા ફરસાણ સાથે ઘારી આરોગવામાં આવે છે.

અંગ્રેજોના શાસન વખતે ઘારીની લોકપ્રિયતા ઈંગ્લેન્ડ સુધી પહોંચી હતી. જામખંભાળિયા શુધ્ધ ઘીમાંથી જ ઘારી બનતી હતી. 1842ના ભારત છોડો આંદોલન વખતે વિરોધ કરવાના હેતુસર ઘારી બનાવવામાં આવી ન હતી. તે સમયે મીઠાઈ અને ફરસાણના વેપારીઓની પોલીસે અટકાયત કરી હતી. આજે સુરતમાં 12 પ્રકારની ઘારી બને છે. 1930માં મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહ આંદોલન વખતે ગાંધીજીએ સુરતમાં પ્રવેશ કર્યો ત્યારે સુરતી ઘારીથી તેમનું વેલકમ કરવામાં આવ્યું હતું.

સુરતના બે વિસ્તારો ઘારીવાલાના ખાંચા તરીકે ઓળખાય છે

શહેરના બે વિસ્તારો ઘારીવાલાના ખાંચા તરીકે ઓળખાય છે. સોની ફળિયા દેવશંકર ઘારીવાલાનો ખાંચો ઘારીની રેસિપી થતી સુરતમાં પ્રથમવાર ઘારી બનાવનાર દેવશંકર ઈશ્વરલાલ ઘારીવાલાના નામે ઓળખાય છે. જ્યારે નાણાવટ ઘારીવાલાનો ખાંચો શાહ જમનાદાસ ઘારીવાલાના નામે ઓળખાય છે. આ પરિવારના જીમી ઘારીવાલા કહે છે કે ભૂતકાળમાં શહેરની વાડીઓમાં ઘારી વેચાતી હતી. મૂળ પાટણના વૈષ્ણવ ઠાકુરજી પરિવારના જમનાદાસની વખાર નાણાવટ ઘારીવાલાના ખાંચામાં હતી.

શાહ જમનાદાસ સી. ઘારીવાલાની સ્થાપના 9મી જુલાઈ 1899ના રોજ કરવામાં આવી હતી. આ પરિવારના સભ્ય આજે પણ નાણાવટ ઘારીવાલાના ખાંચામાં ઘારી બનાવે છે. આ પેઢીનાં મનોજ ઘારીવાલા કહે છે કે, એક સંતે ઘારીની રેસિપી બદલવા સૂચન કર્યું હતું અને તેમણે મુખ્ય ઘટક તરીકે દૂધ ઘન (માવા) નો ઉપયોગ કરી ઘારી બનાવવાનું કહ્યું હતું. ઈશ્વરલાલ દેસાઈ સંપાદિત આઝાદીના ઘડવૈયા પુસ્તકમાં સુરતની ઘારી અને જમનાદાસે જે નાનકડું આંદોલન કર્યુ હતું. તે વિશે એક પ્રકરણ લખવામાં આવ્યું હતું

Most Popular

To Top