વેકેશનનું નામ પડે એટલે બાળકોની ધમાલ-મસ્તીની છબી જ મનમાં તારી આવે. મોડે સુધી સૂઈ રહેવું અને આખો દિવસ ટીવી અને મોબાઈલમાં મચી પડવું ને પછી સાંજે સોસાયટીના બાળકો સાથે રમવામાં અને ક્યાંક બહાર ફરવા જવામાં જ વેકેશન પૂરું થઈ જતું હતું પણ છેલ્લાં થોડા સમયમાં ચિત્ર થોડું બદલાયું છે અને બાળકો વેકેશનની મજા માણવા સાથે જ કેટલીક એક્ટિવિટી શીખે એ હેતુથી શહેરમાં ડાંસ, કરાટે કે સ્વિમિંગ વગેરે માટે ક્લાસીસ કે કેમ્પના આયોજનો કરવામાં આવે છે. જો કે, આવી એક સરખી એક્ટિવિટીમાં પણ ચેન્જ જોવા મળી રહ્યો છે હવેના સમર કેમ્પમાં થોડી ડિફ્રંટ એક્ટિવિટીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે આજના બાળકોને એક્ટિવ અને ક્રિએટિવ રાખવાની સાથે જ આપણી સંસ્કૃતિની પણ નજીક લઈ જશે. તો ચાલો જાણીએ કે આપણાં સુરતી ભૂલકાંઓ આ વેકેશનમાં શું શીખી રહ્યા છે….
બાળકો મોબાઇલમાંથી બહાર નીકળીને નવું શીખે છે: ક્રિષ્ના ગજ્જર
ક્રિષ્ના કહે છે કે, મારે એક દીકરો અને દીકરી છે. વેકેશનમાં તેઓ આખો દિવસ ધમાલ કરે અથવા મોબાઈલ લઈને ગેમ રમતા હોય છે અને જો તેમના પર ગુસ્સો કરીએ તો એમને ગમતું નથી. એટલે મેં હાલમાં મેડિટેશન અને યોગાના ક્લાસ જોઇન કરાવ્યા છે જેના કારણે તેઓ થોડા સમય ઘરેથી બહાર પણ રહે અને તેમનું મન પણ યોગ્ય દિશામાં વાળી શકાય છે.
બાળકો આપણો ઇતિહાસ અને ધર્મ જાણી શકે એ માટે કરાય છે એક્ટિવીટી
‘બાળકો આધુનિકતાના ચકકરમાં આપણી સભ્યતાથી વિમુખ થઈ રહ્યા છે જેથી તેઓ આપણો ધર્મ કેટલો મહાન છે અને ઇતિહાસ કેટલો ભવ્ય હતો એ જાણે એ હેતુથી આવા કલાસિસનું આયોજન કરવામાં આવે છે. આ ક્લાસીસમાં લાઈફને બેલેન્સ્ડ કેવી રીતે રાખી શકાય એ ઉપરાંત ગીતાના પાઠ દ્વારા જિંદગીમાં ઉતારવા જેવા નિયમોના પાલનનો આગ્રહ રાખવામા આવે છે. ઘરમાં આવા નિયમોના પાલન બદલ બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવે છે જેથી એનો ઉત્સાહ વધી શકે.’’
રૂટિન એક્ટિવિટી કરતાં કંઈક ડિફ્ર્ન્ટ શીખવાનો ક્રેઝ
થોડા સમય પહેલા સમર વેકેશનમાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ,મહેંદી, કરાંટે કે ડાન્સ જેવા કેમ્પ અને કલાસિસનો ક્રેઝ વધુ જોવા મળતો હતો પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. આ બધી એક્ટિવિટ્ઝ તો હવે સ્કૂલોમાં પણ થાય છે એટ્લે કઈક હટકે કરવા માટે અને બાળકોને નવું જાણવા મળે એ હેતુથી મેડિટેશન, યોગા, રાઇફલ શુટિંગ, ફાયર સેફ્ટી અવેરનેસ, માઇન્ડ ગેમ, સેલ્ફ ડિફેન્સ જેવા ક્લાસીસ શીખવવામાં આવે છે.
રોબોટિક ક્લાસિસનો વધ્યો ક્રેઝ
આજે ટેકનિકલ યુગમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે લોકોનો ઝુકાવ રોબોટિક ક્લાસિસ તરફ પણ વધી રહ્યો છે. આવા ક્લાસિસ આગળ જતાં સારી કારકિર્દી અપાવી શકે છે એટલે અત્યારથી જ ઘણા પેરેન્ટ્સ સજાગ બનીને શહેરમાં બાળકો માટે ચાલતાં ક્લાસિસ તરફ વળી રહ્યા છે. આમ તો ધોરણ 12 બાદ આવા કોર્સિસ ઉપલબ્ધ હોય છે પરંતુ હાલમાં 12-15 વર્ષના બાળકો માટે પણ આવા ક્લાસિસ શરૂ થયા છે જેમાં તેમની ઉંમરના હિસાબે સામાન્ય રમકડાં જેવી વસ્તુઓ શીખવવામાં આવે છે.
યોગામાં ફ્લેક્સિબ્લિટીનો ક્રેઝ વધુ છે: જેનીશ કાપડિયા
યોગા ક્લાસના સંચાલક જેનીશ કાપડિયા કહે છે કે, ‘’બાળકો માટે એડવાન્સ્ડ લેવલના યોગા હોય છે કારણ કે નાની ઉંમર હોવાના કારણે શરીરમાં ફ્લેક્સિબ્લિટી હોય છે અને તેમના હાડકાં કુમળા હોય છે એટ્લે તે આસાનીથી વળી શકે છે. આ ઉંમરમાં તેઓ ચક્રાસન અને મયૂરાસન આસાનીથી કરી શકે છે. જ્યારે તેમનું કોન્સ્ન્ટ્રેશન વધારવા માટે ત્રાટક, માઇન્ડને શાર્પ કરવા માટે ભ્રામરી અને તેમની ચંચળતા ઓછી થઈને સ્થિરતા આવે એ માટે શ્વાસોની ક્રિયા કરાવીએ છીએ. જેનીશ કાપડિયા આગળ જણાવે છે કે, હાલમાં બાળકોમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશનોમાં ઇન્ટરેસ્ટ વધુ હોવાથી ફ્લેક્સિબ્લિટી માટે યોગાનો ક્રેઝ વધ્યો છે.’’