પ્રતીક અને પ્રિયાના ૩૫ મા લગ્ન દિનની ઉજવણી હતી.બંને જણ વચ્ચે એટલો પ્રેમ હતો કે સ્વજનો અને મિત્રવર્તુળમાં વાત પ્રખ્યાત હતી કે તેમની વચ્ચે ક્યારેય ઝઘડો થતો જ નથી.બંને કયારેય ઝઘડો કરતા જ નથી.બધાંના મનમાં પ્રશ્ન પણ હતો કે ક્યારેય ઝઘડા ન થાય તેવું કઈ રીતે શક્ય બને?! આજે આ લગ્ન દિનની ઉજવણીમાં એક ગેમ રાખવામાં આવી હતી, જેમાં પતિ અને પત્નીએ એકસરખા પ્રશ્નના જવાબ કાગળ પર એક સાથે લખવાના અને તેમનો જવાબ કેટલો મેળ ખાય છે તે પ્રમાણે પોઈન્ટ મળે.ગેમ શરૂ થઇ. છેલ્લે વારો પ્રતીક અને પ્રિયાનો આવ્યો અને તેમણે બધાના મનમાં રમતો પ્રશ્ન જ પૂછવામાં આવ્યો કે ‘તમારી વચ્ચે ઝઘડા નથી થતાં તેનું કારણ શું છે?’ પ્રતીક અને પ્રિયાએ બંનેએ કાગળ પર એક નાનું વાક્ય લખ્યું અને બધાનાં આશ્ચર્ય વચ્ચે બંનેએ એક જ વાક્ય લખ્યું હતું કે ‘ના, તારો નહિ, વાંક તો મારો છે.’ બંનેના એકદમ સરખા જવાબને બધાએ તાળીઓથી વધાવી લીધો અને ગેમ રમાડનાર હોસ્ટે પૂછ્યું, ‘વાહ એકદમ સરખો જવાબ પણ આ વાક્યનો અર્થ અને તેનો તમારા ઝઘડા વિનાના લગ્નજીવન સાથે શું સંબંધ છે તે અમને સમજાવો.
પ્રતીકે પ્રિયાનો હાથ હાથમાં લઇ કહ્યું, ‘લગ્નની શરૂઆતના દિવસોમાં જ પ્રિયાએ સવારે મારા દૂધ અને નાસ્તાની ટ્રે ટેબલ પર મૂકી અને અંદર કંઈ લેવા ગઈ અને હું છાપું વાંચી રહ્યો હતો એટલે મારું ધ્યાન નહિ અને હું ઊભો થવા ગયો અને ટેબલ જોરથી ખસેડતા દૂધ ઢોળાઈ ગયું.કપ તૂટી ગયો. નાસ્તો વેરણછેરણ થઇ ગયો.અવાજ સાંભળી પ્રિયા દોડી આવી. મને મનમાં એમ કે હમણાં પ્રિયા તાડૂકશે અને પ્રિયાના મનમાં એમ થયું કે હમણાં હું ખીજાઈ જઈશ.તેણે દૂધ સાફ કરતાં ધીમેથી કહ્યું, ‘સોરી ,મેં તને કહ્યું નહિ કે નાસ્તો અને દૂધ મૂક્યાં છે અને બરાબર તે જ સમયે મેં કહ્યું, ‘સોરી, વાંક મારો છે. મેં ટેબલ જોયા વિના ઝટકા સાથે ખસેડ્યું’ અને બન્નેનાં વાક્યો સાંભળી એકમેકના હૈયામાં રાહત થઇ અને અમારો પહેલો ઝઘડો ન થયો અને બસ પછી ત્યારથી કંઈ પણ થાય, અમે પોતાની જાતને સતત સાચી સાબિત કરવા ઝઘડતા નથી.વાંક અમારા બેઉનો હોય છે એટલે ઝઘડા થતા નથી.બસ આ જ રહસ્ય છે.’ બધાએ તેમના પ્રેમને તાળીઓથી વધાવ્યો અને પ્રતીકે કહ્યું, બસ તમે બધા પણ વાંક તારો છે.ભૂલ તારી છે તેમ કરીને ઝઘડા કરવા કરતાં, અરે વાંક તો મારો છે કહીને ઝઘડાથી દૂર રહેજો અને પ્રેમ માણજો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.