Comments

વિશ્વમાં કોઈ અર્થશાસ્ત્રીએ આર્થિક સંકટનો ઈલાજ બતાવ્યો નથી

ચીનના સરમુખત્યાર શી ઝિંગપિંગે યુવાનોને સલાહ આપી છે કે યુવાનોએ અઘરી જિંદગી જીવતાં શીખવું જોઈએ. જિંદગી કયારેય સરળ હોતી નથી. માર્ગમાં કાંકરા અને કાંટા પથરાયેલા હશે, અનેક અવરોધો અને પડકારો હશે વગેરે વગેરે. જિંદગીની ફિલસૂફી ડહોળ્યા પછી તેમણે છેવટે જે કહ્યું એ મહત્ત્વનું છે. તેમણે કહ્યું હતું કે જિંદગીની આકરી વાસ્તવિકતા સ્વીકારતાં શીખવું જોઈએ અને કડવી ગોળી ખાતાં પણ શીખવું જોઈએ. મુદ્દો આ છે. જિંદગીની ફિલસૂફી અને આજકાલ જેની ફેશન છે એ કહેવાતી પોઝિટિવ થીંકિંગ તો લોકો મૂંગા રહીને સહન કરતાં રહે એ માટેની છેતરપિંડી છે. આજે આટલા બધા બાવાઓ અને મોટીવેશનલ ગુરુ ફૂટી નીકળ્યા છે એનું કારણ છે અન્યાયી પ્રસ્થાપિત વ્યવસ્થા સામે લોકો વિરોધ ન કરે અને એ બને એટલો લાંબો સમય ટકી રહે. તેઓ સ્થાપિત હિતો માટે કામ કરે છે.

ભારત વિશ્વગુરુ છે. આપણને કહેવામાં આવ્યું અને આપણામાંથી કેટલાકોએ માની પણ લીધું. એ કેટલાકને ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. જો તમે તેમને યાદ અપાવશો કે ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતનાં કેટલાંક રાજ્યોના વિદ્યાર્થીઓને પોતાને ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવા સામે પ્રતિબંધ મૂક્યો છે અને તેમાં જેને મોડેલ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું એ ગુજરાતનો પણ સમાવેશ થાય છે તો તેઓ વિચારમાં નહીં પડી જાય, બીજી જ ક્ષણે તમને દેશદ્રોહી તરીકે ઓળખાવશે. આંખ તો નહીં જ ખોલે. તેમને વરવી વાસ્તવિકતાથી ભાગવું છે અને કોઈક પ્રકારની આભાસી દુનિયામાં લપાઈ જવું છે.

નેતાઓ, બાવાઓ, મોટીવેશનલ ગુરુઓ, જી હજૂરી કરનારા ગોદી મિડીયા અને પૈસા લઈને કોઇને પણ પ્રમોટ કરવામાં શરમ કે સંકોચ નહીં અનુભવનારા કહેવાતા મહાનુભાવો પોતપોતાની રીતે લોકોને ક્લૉરોફોર્મ આપવાનું કામ કરે છે.
હવે તમે જેમાં ગુરુ છો એમાં ચીન મહાગુરુ છે. હકીકતમાં પ્રજાને પોઢાડી કેમ રખાય એ ચીને જ જગતને શીખવાડ્યું. ચીન મોડેલનાં આટલાં લક્ષણો છે: સૌ પહેલાં તો નાગરિકોના અધિકારોની તેમ જ શાસક તરીકેની મર્યાદા સભ્યતા વગેરેની ઐસીતૈસી કરીને તેને દબાવી રાખવાની.

દરેક દેશવાસીઓના મનમાં ડર પેદા કરવાનો. નાગરિકના મનમાં આશા પેદા થાય તો એના જેવું રૂડું એકેય નહીં, પણ જો કેટલાક બુદ્ધિશાળી નાગરિકોના મનમાં આશા પેદા ન થતી હોય તો ડર તો પેદા થવો જ જોઈએ. પ્રજાને મહાનતાનો અમલ પીવડાવવાનો. આપણે મહાન છીએ અને આ જગતમાં એવો કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે આપણી મહાનતાને નકારી શકે એવા હાકલા પડકારા કરવાના. એ પછી દરેકને ઉઘાડી રીતે નજરે પડે એવા મેગા પ્રોજેક્ટ કે ભવ્ય ઉપક્રમો હાથ ધરવાના. બુલેટ ટ્રેન, રિવર ફ્રન્ટ, કોરિડોર, બાહ્ય સુશોભિકરણ, મંદિર, ભવ્ય ઇમારતો વગેરે. લોકોને ચકાચોંધ રાખવાના. આ છે ચીન મોડેલ.

આપણે ત્યાં અને જગતના કેટલાક દેશોમાં જે આજે જોવા મળી રહ્યું છે એ ચીન ત્રણ દાયકાથી કરે છે. આ બાબતે ચીન વિશ્વગુરુ છે. રોલ મોડેલ છે. પણ અહીં એક બીજી વાત પણ સમજી લેવી જોઈએ. ચીને માત્ર આભાસી દુનિયા નથી બનાવી, વાસ્તવિક દુનિયા પણ બનાવી છે. ચીને ઔદ્યોગિક ઉત્પાદનમાં અને નિકાસમાં જગતમાં સહેજે આંબી ન શકાય એવું સ્થાન મેળવ્યું છે. ચીન વાસ્તવમાં જગતની આર્થિક મહાસત્તા છે. ચીને લશ્કરી તાકાત પણ હાંસલ કરી છે. આ વાસ્તવિક તાકાત છે, આભાસી નથી. તો આનો અર્થ એ થયો કે ચીની મોડેલ સાવ પ્રચાર દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોય એવું ખોખલું નથી. એનું એક નક્કર પાસું પણ છે.

તો વાત એમ છે કે ચીને વાસ્તવિક તાકાત અને આભાસી તાકાતની દુનિયા બનાવી હોવા છતાં અને એ બન્નેમાં ચીન જગતના કોઈ પણ દેશ કરતાં ત્રણ દાયકા આગળ હોવા છતાં શી ઝિંગપિંગે ચીની યુવાનોને કહેવું પડ્યું કે તેમણે આકરી વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ અને કડવી ગોળી ખાતાં પણ શીખવું જોઈએ. શા માટે? ૧૯૭૯માં ચીનમાં આર્થિક સુધારાઓ થયા એ પછી પહેલી વાર ચીનના શાસકે કહ્યું છે કે મુશ્કેલીનો સ્વીકાર કરો અને મુશ્કેલીની સાથે જીવતાં શીખો.

કારણ બહુ સ્પષ્ટ છે. ચીનના અર્થતંત્રનું ચરમ બિંદુ (સેચ્યુરેશન પોઈન્ટ) આવી ગયું છે. હવે ચીનનું અર્થતંત્ર નવી રોજગારી પેદા કરી શકે તેમ નથી અને જે છે તે રોબોટાઈઝેશન છીનવી રહી છે. આવું જ જગત આખામાં બની રહ્યું છે. યુવાનોને આપવા માટે કામ નથી. ક્યાં સુધી નકલી ગૌરવ (ફોલ્સ પ્રાઈડ) ના નામે તેમને નશામાં રાખી શકાય? એક દિવસ ધીરજ ખૂટે અને વિસ્ફોટ થાય એ પહેલાં યુવાનોને કહી દેવું જોઈએ કે બેરોજગારીની આકરી વાસ્તવિકતા સ્વીકારતાં શીખો અને જે મળે એ કામ કરો. કામ ન મળે તો અભાવમાં જીવતાં શીખો. આમ કહેતાં પહેલાં તેમણે યુવાનોને ઝેર કા ઝટકા ધીરે સે લગે એ માટે જિંદગીની ફિલસુફી ડહોળી હતી.

થોડા દેશોને બાદ કરો તો આખા જગતની સ્થિતિ ચીન જેવી જ છે. ભારતની સ્થિતિ ચીન કરતાં જરાય સારી નથી. રોજગારી ઉત્પન્ન કરી શકે એવું અર્થતંત્ર નથી અને ઉપરથી ટેકનોલોજીનો માર પડી રહ્યો છે. હાથ નવરા પડી રહ્યા છે અને એ નવરા હાથોમાં ક્યાં સુધી ઇલેક્ટ્રોનિક ગેજેટ પકડાવી રાખીને ધૂણાવતા રહેશો? ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. વિશ્વમાં કોઈ અર્થશાસ્ત્રીએ આજના આર્થિક સંકટનો ઈલાજ બતાવ્યો હોય એવું મારા જોવામાં આવ્યું નથી. ૨૦૧૪માં ૧૮ વરસના યુવાને જિંદગીમાં પહેલી વાર મતદાન કરીને નરેન્દ્ર મોદીએ બતાવેલાં સપનાનાં ભારતનો સ્વીકાર કર્યો હતો, તેને અનુમોદન આપ્યું હતું તેને આજે ૨૭ વરસની ઉંમરે શું હાથમાં આવ્યું એ વિષે વિચારવું જોઈએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top