Vadodara

વ્યાજખોરીનું દૂષણ ગુજરાતમાં નહીં ચાલે: ગૃહ રાજ્યમંત્રી સંઘવી

વડોદરા: વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ અંતર્ગત વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણમાંથી બચાવવા નાગરિકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે બેંક લોનના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વ્યાજખોરો માટે ગુજરાતમાં કોઈ સ્થાન નથી.વ્યાજખોરીનું દૂષણ ચલાવનારાઓ ગુજરાત બહાર જતા રહે વડોદરા શહેરમાં આ અભિયાન હેઠળ અત્યાર સુધી ત્રણ હજાર જેટલા પરિવારોને ના તો માત્ર વ્યાજખોરીના વિષચક્રમાંથી બચાવી લેવાયા છે.

પરંતુ તેને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી બેંકમાંથી લોન અપાવી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો છે. તેમણે ઉપસ્થિત લાભાર્થીઓ અને અન્ય નાગરિકો પાસેથી સંકલ્પ લેવડાવ્યા હતા કે તેઓ ક્યારેય ડાયરીના રૂપિયા નહીં લે. વ્યાજનું દૂષણ ચલાવનાર વ્યાજખોરોની લોભામણી વાતો કે જાહેરાતોમાં ન આવવા માટે પણ તેમણે ઉપસ્થિત લોકો પાસેથી સંકલ્પ લેવડાવ્યો હતો. હર્ષ સંઘવીએ કલેક્ટર અતુલ ગોરને લાભાર્થીઓ માટે તત્પરતા, માનવીય અભિગમ અને અંગત રસ દાખવવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે સ્વાગત પ્રવચન કર્યું હતું. રેન્જ આઈજી સંદીપસિંહે આભારવિધિ કરી હતી. કાર્યક્રમના અંતે ઈન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અંતર્ગત વજન ઓછું કરીને ફીટ થનાર શહેરના પોલીસ હર્ષ સંઘવીના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પોલીસ ભવન ખાતેના હેલ્થ, વેલનેસ એન્ડ ફિટનેસ સેન્ટરની તકતીનું પણ હર્ષ સંઘવીએ મંચ પર અનાવરણ કર્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ મેયર ભરત ડાંગર, જિલ્લા કલેક્ટર અતુલ ગોર, મનપા કમિશનર બંછાનિધિ પાની, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, શહેર-જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, એલ.ડી.એમ સુચિત કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

લોનની રકમ રૂા.100 કરોડ સુધી પહોંચી ગઇ
વ્યાજખોરીનું વિષચક્ર ચલાવવામાં જે કોઈ પણ સંડોવાયેલું હશે, તેને છોડવામાં નહીં આવે. વ્યાજખોરો વિરુદ્ધ માત્ર થોડા સમય માટે નહીં,પરંતુ જીવનભર આ અભિયાન ચલાવવામાં આવે તેવી ગુજરાત પોલીસને સૂચના આપી છે. છેલ્લા એક મહિનાથી ચાલતા આ અભિયાનમાં ગુજરાત પોલીસે ખૂણે-ખૂણેથી વ્યાજખોરોને પકડ્યા છે અને જેલમાં ધકેલ્યા છે.અત્યાર સુધી 13 હજારથી વધારે લોકોને અલગ-અલગ બેંક મારફત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાવવામાં આવી છે. અને લોનની રકમનો આંકડો રૂ.100 કરોડ સુધી પહોંચી ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર રાજ્યમાં 3500 થી વધારે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયા છે. જેમાં વ્યાજખોરીના પીડિતોએ કરેલી ફરિયાદો- રજૂઆતોને ગંભીરતાથી લઈને એક હજારથી વધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

5 આરોપીઓને પાસા હેઠળ ધકેલી દેવાયા
અત્યાર સુધીમાં આ અભિયાન અંતર્ગત વડોદરા પોલીસે ત્રણ હજારથી વધારે પરિવારોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવ્યા છે અને તેમને બેંકો પાસેથી લોન મંજૂર કરાવી તેમની મદદ પણ કરી છે.વ્યાજખોરીના ગુનામાં શહેર પોલીસે પચાસ એફ.આઈ.આર નોંધી છે.પાંચ આરોપીઓને તો પાસા હેઠળ શહેર-જિલ્લા બહાર ધકેલી દેવાયા છે.અભિયાન અંતર્ગત શહેર પોલીસ દ્વારા એક મહિનામાં 36 તો જિલ્લા પોલીસ દ્વારા 35 લોક દરબાર યોજાયા છે.

Most Popular

To Top