આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર દરેક બેન્કે બેન્કની આર્થિક સ્થિતિ અંગેનો ત્રિમાસિક ઓડીટ રીપોર્ટ બેન્કના નોટીસ બોર્ડ પર મૂકવાનો હોય છે. જેથી સંબંધિત બેન્કમાં ગ્રાહકો બેન્કની વર્તમાન આર્થિક સ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકે. એ જ પધ્ધતિ મનપા પણ અમલ કરાવવી જરૂરી છે જેમકે હાલમાં જ સુરત શહેરના વિકાસના અનુસંધાનમાં રાજય સરકારે 360 કરોડની ગ્રાંટની ફાળવણી કરી છે. હવે જે હેતુ અને પ્રોજેકટો માટે આ ગ્રાન્ટ મંજૂર કરી છે તે તમામ પ્રોજેકટો પાછળ જ ખર્ચવામાં આવશે તે અંગે મનપાએ તમામ પ્રોજેકટો પૂર્ણ કર્યા પછી સંપૂર્ણ ખર્ચ અંગેની માહિતી આપતો આવક ખર્ચનો ઓડીટ થયેલો રીપોર્ટ શહેરની જનતાની જાણકારી માટે દૈનિક પેપરોમાં જાહેર કરવો પડશે જેથી શહેરની જનતાનો વિશ્વાસ સત્તાધીશો પર જળવાઇ રહે કે રાજય સરકારની ગ્રાન્ટ સ્વરૂપે ફાળવેલી રકમ શહેરના વિકાસ પાછળ જ ખર્ચાશે જે જરૂરી છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રકાશ-અજવાળું
વહેલી સવારનો પ્રકાશ-ઉજાસની શોભા અનેરી હોય છે. સવાર પડે એટલે આખી સૃષ્ટિમાં તાજગીનો અહેસાસ થાય, સૌ કાર્યરત થઈ જાય! જાણે પ્રકાશે દીવો કર્યો હોય! જાગતી આંખોને સવારનો લાભ મળે. અંતરના અંધકારને ભગાવવા અજવાળું-પ્રકાશની અનિવાર્યતા છે. કહેવાતા માનવીઓ અજ્ઞાન, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા વગેરે…કેટલું બધું અંધારું લઈને ચાલે છે? તેઓને શુભ તત્ત્વોનું અજવાળું દેખાતું જ નથી.
આજે તો જયાં જુઓ ત્યાં અનેક પ્રકારના અંધકાર વ્યાપક છે, જેમાં ખાસ કરીને લોભ, મોહ, માયા, સ્વાર્થ, ઈર્ષાની માત્રા વધારે છે, તે બધા અંધકારને ફગાવી માનવતાને ઉજાગર કરવાની છે. માનવમનમાં મોટું અંધારું વિવિધ શંકાઓનું પણ છે. જીવનમાં ઉપસ્થિત શંકાઓનું નિરાકરણ લાવવું એ પણ ઉજાસ છે. મનમાં ભરેલ પ્રશ્નોની સ્પષ્ટતા થવી, ખુલાસો થવો જ જોઈએ, તો જ જીવનમાં સવાર પડે. ટૂંકમાં, જીવનમાં ઊમટી આવતાં અંધકારનાં વાદળાં, અંધકાર-શંકાનું સમાધાન સમયસર મેળવી લેવામાં આવે તો જ માનવમનમાં અજવાળું-પ્રકાશના દર્શન થઈ શકે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.