આમ આદમી પાર્ટીમાં પહેલા પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ હવે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાઈ જતાં ભાજપમાં આમ તો ભારે વમળો પેદા થવા પામ્યા છે. જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ‘આપ હોય કે કોઈ પણ પાર્ટી ગુજરાતમાં આવે તેનાથી કોઈ ફેર પડતો નથી.’ આમ આદમી પાર્ટી માત્ર બિનજરૂરી ખર્ચાઓ કરે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ તેની મતદારોએ નોંધ પણ લીધી નહોતી.
2017ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો હતો અને 2022ની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થશે. આપ માત્ર એક શહેર પુરતો મર્યાદિત પક્ષ છે. ગુજરાતના લોકોને બધી જ સમજણ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ‘હવે ભાજપ ભારતીય ઝઘડા પાર્ટી બની ગઈ છે. ગુજરાતના લોકોને આપમાં વધુ વિશ્વાસ છે.’ સરકારી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના મામલે રાજ્યભરમાં આંદોલન કરનાર જન અધિકાર મંચના પ્રવીણ રામ અને સિસોદિયા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. હવે ટૂંક દિવસોમાં પ્રવીણ રામ પણ આપ જોડાઈ જશે, તેમને પણ વિધિવત પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવશે.