Feature Stories

વર્લ્ડ બુક ડે: સુરતના માત્ર નવ વર્ષના વાંચનપ્રેમી ટાબરિયાએ ઘરમાં જ શરૂ કરી દીધી લાયબ્રેરી

સામાન્ય રીતે વાંચનની વાત આવે ત્યારે હંમેશા એક લાકડાની ખુરશી ઉપર બેઠેલા એક દાદાનું ચિત્ર માનસ પટ ઉપર ઉપસ્થિત થઇ જાય છે. વધારેમાં વધારે એક ટેબલ લેમ્પ અને તેના ઉજાસમાં કોઇ વ્યકિત વાંચતી જોવા મળે છે. વાંચન એવો વિષય છે કે જયારે સમય મળે ત્યારે લોકો બુક હાથમાં પકડે છે. પરંતુ આજે અમે એક એવા વ્યકિતની વાત લઇને આવ્યા છીએ જે વાંચન જગતમાં લગભગ અકલ્પનીય છે. હા, આ વાત છે એક નાનકડા બાળકની. જેની ઉંમર માત્રને માત્ર નવ વર્ષની છે. નવ વર્ષે કોઇ બાળક વાંચન કરતું હોય તેવા કિસ્સા તો જોવા મળી જાય છે પરંતુ આ ઉંમરે કોઇ બાળકની પોતાની લાયબ્રેરી હોય તેવી કલ્પના પણ કોઇ કરી શકે તેમ નથી. પરંતુ ખરેખર આવુ઼ં પણ છે…

બાળકો જે બુક લઇ જાય છે તે મિસ્ટ્રી, ફન અને સાયન્સ આધારિત
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા નવ વર્ષીય વેદાંત બિયાનીની પોતાની લાયબ્રેરી છે. નવ વર્ષનો નાનકડો વેદાંત જણાવે છે કે તેની લાયબ્રેરીમાં અનેક બુક આવેલી છે. તેને વાંચનનો ખૂબ શોખ છે. પરંતુ જયારે સમય મળે છે ત્યારે એ વાંચન કરે છે. તેની લાયબ્રેરીમાંના સભ્યો પાસે તે એક અઠવાડિયાના 20 રૂપિયા ફી તરીકે લે છે. એક અઠવાડિયા પછી તેની બુક પાછી આપી દેવાની શરતે તે બુક આપે છે. સુરતની તાપ્તીવેલી સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતા આ બાળકની માતા બેંકર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર છે અને તેના પિતા ટેકસટાઇલના ધંધા સાથે સંકળાયેલા છે. વેદાંતના માતા સોનલ બિયાની કહે છે કે તેમના પુત્રનો આ શોખ કુદરતી છે. તેમને વાંચનનો ખૂબ શોખ હોવાથી વેદાંતને આ શોખ વારસામાં મળ્યો છે. વેદાંતને વાંચનનો શોખ જાગ્યો અને તે જાતે જ બુક વાંચતો થઇ ગયો હતો. લાયબ્રેરી ચાલુ કરવાનો વિચાર તેને કોરોના કાળમાં આવ્યો. તેણે વિચાર્યું કે કોરોનામાં લોકો પાસે સમય પસાર કરવા માટે કોઇ સાધન નથી. ખાસ કરીને ગરીબ બાળકોને પણ વાંચન કરાવવું જોઇએ એટલે તેણે આ લાયબ્રેરી શરૂ કરી અને તેના વાંચનના શોખના કારણે તેને બર્થ ડે ગીફટમાં પણ બુક્સ મળે છે એટલે તેની બુકનું કલેકશન વધતું ગયું જેણે હવે એક લાયબ્રેરીનું સ્વરૂપ લઇ લીધું છે.

20 રૂપિયાની આવકમાંથી સાબુ ખરીદીને ગરીબ બાળકોને આપે છે
સામાન્ય
રીતે કોઇ બાળકની નાનકડી આવક થાય તો તે રમકડાં, ચોકલેટ કે મનગમતી અન્ય ચીજવસ્તુ ખરીદવાની ઇચ્છા ધરાવે છે. પરંતુ વેદાંતે પોતે જે લાયબ્રેરી ઊભી કરી છે તેમાંથી તે બુક્સ 20 રૂપિયાનું રેન્ટ લઇ બીજાને વાંચવા આપે છે અને તેમાંથી એને જે આવક થાય છે તેમાંથી તેના દાદા સાથે જઇને લાઇફ બોય સાબુ ખરીદે છે અને તે ગરીબોને આપે છે. આટલી નાની ઉંમરમાં આવો વિચાર આવવો એ વાંચનના શોખને જ આભારી હોય શકે.

Most Popular

To Top