Business

નિહંગ યોધ્ધાઓ બ્રહ્મચર્ય પાળે અને અમુક વિરકત સંસારીઓ પણ હોય

હમણાં સિંધુ બોર્ડર પર અમુક નિહંગ શીખો દ્વારા એક દલિત વ્યકિતની ગુરુ કાન્ય સાહેબનું અપમાન કરવાના અપરાધની સજા રૂપે, નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારથી નિહંગ શીખોનું નામ દેશમાં ફરીથી ગાજતું થયું. અગાઉ ખાલીસ્તાન આંદોલન વખતે નિહંગોની ચર્ચા થતી હતી. વચ્ચે વચ્ચે કયારેક કોઇક બાબતે તેઓ પ્રદર્શન કે આંદોલન કરવા આવતા ત્યારે પ્રશાસને સાવધાન થઇ જવું. ગોઠણથી નીચે સુધીનું વાદળી રંગનું કફતાન અને ભગવા રંગની પાઘડી અને ભગવા કે પીળા રંગની ભેટ (કમરે બાંધવાનું કપડું) એ તેઓનો ગણવેશ છે. કેસરી કે બ્લુ બંને રંગની પાઘડી પહેરે.

આમ તો આખી શીખ કોમ વોરિયર અથવા લડાયક કોમ ગણાય છે. મરાઠા છત્રપતિ શિવાજીની માફક શીખ ગુરુઓ અને સેનાઓએ મુગલોને સતત લાંબી ટક્કર આપી હતી અને આજે ભારતમાં જે કંઇ હિન્દુઓ છે તેનો યશ ઘણી પ્રજાને જાય છે તેમાં આ બે કોમ મુખ્ય છે. ગુરુ ગોવિંદ સાહેબે નિહંગોની ફોજ મુસ્લિમ આકાન્તાઓ સામે લડવા ઊભી કરી હતી. ત્યારથી આ નિહંગો ‘ગુરુ કી ફૌજ’ તરીકે ઓળખાય છે. તેઓ સામે ચાલીને કોઇને અન્યાય કરતા નથી, પણ જયાં તેઓને લાગે કે એમની સાથે માનહાનિ અને અપમાન થઇ રહ્યાં છે ત્યાં ઓછા ઊતરતા નથી. માત્ર સત્તા અને સંપત્તિ માટે આક્રમણો થતાં રહેતાં હતાં. યુધ્ધો સર્જાતાં હતાં ત્યારે આ એટીટયુડ જરૂરી હતી. આજે પણ સમય એવો છે જેમાં એ લોકોના અસ્તિત્વ ટકી રહેશે જેઓ લડવાનું જાણે છે.

નિહંગો છાવણીઓમાં રહે છે અને સાદગીભર્યું જીવન જીવે છે. બ્લુ પાઘડીની સાથે કટાર અને તલવાર ધારણ કરે છે. ગુરુદ્વારામાં એક સૌથી ઊંચો સ્થંભ હોય છે તેના પર ધ્વજ સાથે આકાશ તરફ તકાયેલી કિરપાણ હોય છે. સ્થંભની ફરતે બ્લ્યુ રંગનું કાપડ વિંટાળેલું હોય. આ સ્થંભ ‘નિશાન સાહેબ’ તરીકે ઓળખાય. તે ખાલસા સંપ્રદાનો ધ્વજ છે અને દરેક નિહંગ છાવણીઓમાં તે અવશ્યપણે જોવા મળે. જયાં છાવણી અને ગુરુદ્વારા હોય ત્યાં એક લંગર પણ હોય. ત્યાં તમામ શીખો સાથે જમે. આસપાસના વિસ્તારના શીખો અને હિન્દુઓ પણ અહીં માથું ટેકવવા આવે. લંગરમાં કોઇ પણ જમી શકે.

ભોજનની વ્યવસ્થા એ શીખ સમુદાયનું એક મોટું આકર્ષક અને જમા પાસું છે. નિહંગો અને શીખોને એ ગુરુમંત્ર અપાયો હોય છે કે હંમેશા ગરીબોનું રક્ષણ, કોઇ પણ જાતના ભેદભાવ વગર કરવું. સ્વાભાવિક છે કે આ કારણથી લંગરોમાં એવાં લોકો પણ આવે છે જે અન્યથા ભૂખ્યા રહેતા હોય. શ્રીમંતોની સાથે એક પંગતમાં બેસીને તેઓ ભોજન લઇ શકે છે. નિહંગોની વીરતાઓની કથાઓ, ઘટનાઓ પંજાબ, હરયાણામાં સર્વત્ર સાંભળવા મળે. તેઓની સાદગી, ત્યાગનું માન કરાય છે. તેઓ કોઇ ભૌતિક સુખનાં સાધનો અપનાવતાં નથી. છાવણીઓમાં વૈરાગી અને તપસ્વીની સમાન રહે છે. એ અર્થમાં તેઓ સંસારી શીખોથી અલગ છે.

ગુરુ શબ્દ રત્નાકર મહાન કોશ અનુસાર નિહંગ શબ્દના ઘણા અર્થ છે. જેમ કે કલમ, તલવાર, ઘોડો, મગરમચ્છ વગેરે. જેઓને નિ:શંકપણે કોઇનો મોહ હોતો નથી. અર્થાત્ નિ:સંગ, જેમાંથી નિહંગ થયું. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી અનુસાર નિહંગ શબ્દ ફારસી ભાષામાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ મગરમચ્છ થાય છે. આ નામ મુગલોએ શીખ લડાયકોને આપ્યું હતું. જે રીતે પાણીમાં મગરમચ્છનો મુકાબલો કરવાનું અત્યંત કઠીન હોય છે તેમ લડાઇના મેદાનમાં નિહંગોનો સામનો કરવાનું મુશ્કેલ હોય છે. એમના વિશેની કિંવદંતીઓને કારણે ઘણી વખત લોકો એમનાથી નાહકનાં ડરતાં હોય છે.

આથી અન્ય ગુરુદ્વારાઓમાં જેટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ જતા હોય છે એટલા નિહંગોના ગુરુદ્વારાઓમાં જતા નથી. પણ જો કોઇ શીખ, નોન શીખ ત્યાં જાય અને તેઓને ખ્યાલ આવે કે મુલાકાતી દૂરથી આવ્યા છે તો તેઓ એની આગતાસ્વાગતા મહેમાનની માફક કરે. ત્યાં સેવા આપતાં લોકો મહેમાનને ચા, ભોજન પીરસે અને મહેમાનને વાસણ સાફ કરવા ન દે. તેઓ જ મુલાકાતીનાં વાસણ સાફ કરે. શીખ ધર્મમાં કાર સેવાનું મહત્ત્વ ખૂબ છે અને નેતાઓ, શ્રીમંતો, ગરીબો અને આબાલવૃધ્ધ મુલાકાતીઓનાં પગરખાં, વાસણો સાફ કરવા, રસોઇ બનાવવી, પીરસવી વગેરે સેવા આપે છે અને ધન્યતા અનુભવે છે. હરબંસસિંહ દ્વારા તૈયાર કરાયેલા એક પુસ્તક, ‘એનસાઇકલોપીડિયા ઓફ શિખિઝમ’માં જણાવ્યા પ્રમાણે નિહંગ શબ્દ નિ:સંગમાંથી ઊતરી આવ્યો છે. શીખ ગ્રંથોમાં તે વારંવાર જોવા મળે છે. તેનો અર્થ થાય છે, નિર્લેપ, નિર્દોષ, પાપરહિત અને નિર્મોહી.

નિહંગોનું મુખ્ય કેન્દ્ર પંજાબમાં આવેલું આનંદપુર સાહેબ છે. આ લખનારે આ પવિત્ર ધામની મુલાકાત લીધી છે. ત્યાં નિહંગો મોટી સંખ્યામાં જોવા મળે. ઘણાના માથા પર ડાલામથ્થી પાઘડીઓ જોવા મળે અને પગમાં કશું પહેર્યું ન હોય. આનંદપુર સાહેબ ખાતે ખાલસાની સ્થાપના થઇ હતી. અહીં હોળીની આસપાસના દિવસોમાં પ્રખ્યાત ‘હોલા મોહલ્લા’ તહેવારોનું આયોજન થાય છે. જેમાં હાથી, ઘોડા પર સવાર થઇને નિહંગોની સશસ્ત્ર સવારીઓ નીકળે છે. જાનની પરવા કર્યા વગર અનેક યુધ્ધકીય કરતબો અને કળાઓ રજૂ થાય છે. દંગલો યોજાય છે.

નિહંગો જે વાદળી રંગનો રોબ અથવા ચૌલા પહેરે છે તેની પાછળ અમુક દંતકથાઓ છે. જેમકે ગુરુ ગોવિંદ સાહેબના પુત્ર ફત્તેહસિંહ બાલ્યાવસ્થામાં વાદળી પાઘડી અને વાદળી ચૌલા પહેરીને ગુરુ ગોવિંદ સાહેબ સમક્ષ આવીને ઊભા રહી ગયા. ત્યારે ગુરુ હવેથી અકાલીઓનો આ ગણવેશ રહેશે. અકાલીઓનો અર્થ ‘પ્રભુના સેનાનીઓ’ થાય છે. બીજી વાત એવી છે કે સન 1705 માં મોગલો અને શીખો વચ્ચે ચમકૌર સાહેબ ખાતે યુધ્ધ થયું હતું. મોગલોનો સેનાપતિ વઝીર ખાન હતો. એ વખતે ઓળખાઇ ન જાય તે માટે ગુરુએ આસમાની રંગનાં વસ્ત્રો, પાઘડી ધારણ કર્યાં હતાં. કોટ કપૂરા નજીક આવેલા ઢીલવાન ગામ નજીક પહોંચીને ગુરુજીએ એ વસ્ત્રો સળગાવી દીધાં હતાં. પરંતુ તેમાંનો એક નાનકડો ટુકડો બચી ગયો હતો જે ઉપાડીને એમના એક સેવક માનસિંહે બચાવીને પોતાની પાઘડી પરના શિરપેચ તરીકે ગોઠવી દીધો ત્યારથી એ ચૌલા દરેક સેનાનીઓએ અપનાવ્યો.

ભારત પર ચડાઇ કરવા આવતા વિદેશી લોકો, તુર્ક, ફારસી, પઠાણ, મુઘલ, તાજિક, આરબ વગેરે લોકોના માર્ગમાં પંજાબ વચ્ચે આવે. વિદેશી આક્રાન્તાઓ પંજાબના લોકો પર દમન ગુજારતા. એ વખતે એવા હુકમો અપાયા હતા કે, ‘ખાટા પટા લોહકા, બાકી અહમદ સાહે કા’. મતલબ કે આજે તમે જે ખાધું અથવા ખાશો તે તમારું, બાકી બધું અહમદ શાહ અબ્દાલીનું.’ તેઓની સામે લડવા નિહંગો નીકળી પડયા હતા. એ વખતે બીજી ઉકિત એ પ્રચલિત થઇ હતી કે, ‘આયે હૈ નિહંગ, બુઆ ખોલ દો નિ:સંગ.’ મતલબ કે, ‘નિહંગો આવી પહોંચ્યા છે માટે કોઇ ડર રાખ્યા વગર તમારા દરવાજાઓ ખોલી નાખો.’

અકાલી નિહંગો જયાં સત્તા મેળવતા તે લાયક લોકોને સોંપીને જતા રહેતા. તેમની આ ત્યાગભાવના મહારાજા રણજીતસિંહને ખૂબ મદદરૂપ નીવડી. નિહંગો પ્રત્યે સમાજનો આદરભાવ ખૂબ વધી ગયો. તેઓનાં શિસ્ત અને સાહસોથી પ્રભાવિત થઇને મહારાજા રણજીત સિંહ ઇચ્છતા હતા કે નિહંગો એમની સેનામાં જોડાય. મહારાજા રણજીતસિંહે છેક અફઘાનિસ્તાન સુધી શીખ રાજય ફેલાવ્યું હતું. પરંતુ એમને ખબર હતી કે તેઓ પગાર લઇને લડવા તૈયાર નહીં થાય. આમ સેનામાં નિહંગોની એક અલગ પાંખ (વિંગ) સ્થાપવામાં આવી હતી. તેઓ કસુર યુધ્ધ (1807), નૌશેરા (1823), મુલતાન (1818) અને કાશ્મીર (1819) યુધ્ધ બહાદુરીપૂર્વક લડયા હતા. જો કે મોગલો અને બ્રિટિશરોએ નિહંગો પર ખૂબ અત્યાચારો ગુજાર્યા હતા.

હમણાં નિહંગોના હાથે જે યુવકની હત્યા થઇ તે દલિત હતો. દલિતોની એક મોટી સંખ્યાએ શીખ ધર્મ અંગીકાર કર્યો છે. હમણાંની ઘટનાથી નિરંકારીઓની ઇમેજને નુકસાન થયું છે, પણ નિહંગોની જે મુખ્ય છાવણીઓ છે તે તેમાં સામેલ નથી. કહે છે કે અમુક તોફાની તત્ત્વોનું આ કૃત્ય છે. કોઇ સાચા નિહંગોનું આ કામ નથી.’ સાચા નિહંગે કઇ રીતે રહેવાનું હોય છે? તેઓએ વહેલી પ્રભાતે ઊઠીને ‘નિતનામ’નો પાઠ કરવાનો હોય, જેમાં ગુરુગ્રન્થ સાહેબમાં આપેલી વાણીઓ (બાની, વચનો)નો સમાવેશ થાય છે. ઉપરાંત બુરાઇ પર સચ્ચાઇની જીત વર્ણવતા, મહિમા દર્શાવતા ગ્રન્થ ‘સરબ લોહ ગ્રન્થ’નો પાઠ ભણવાનો હોય.

ગુરુ ગોવિંદ સાહેબ રચિત ‘ચાંદી દી વર’ નામક પાઠ ભણવાનો હોય છે. તેમાં દેવી દુર્ગા માતા અને રાક્ષસો વચ્ચે થયેલા યુધ્ધોની મુખ્ય વાતો છે. ઉપરાંત નિહંગોએ પોતાના ઘોડાઓની અને અન્ય પશુઓની સારસંભાળ લેવાની હોય. જથ્થેદાર (મુખિયા) દ્વારા જે અન્ય કામો સોંપવામાં આવે તે કરવાનાં હોય. તેઓએ ધૂમ્રપાન કરવાનું હોતું નથી. કોઇ શીખ બીડી, સિગારેટ કે તમ્બાકુનું સેવન કરતા નથી. તેઓને કોઇ ઓફર કરે તો તે પણ બેઅદબી ગણાય છે. તેઓ પોતાની એક કોડવર્ડ ભાષા વાપરે છે, જે બીજાઓ સમજી શકતા નથી. જેમ કે તેઓ ટ્રેઇન (ગાડી)ને ‘ભૂતની’ અથવા ‘બીડી’ તરીકે, ગધેડીને ‘ખોટી’ તરીકે ઓળખાવે છે. દૂધ પીએ તો કહે કે ‘અમે સમંદર પીધો’ તેઓ પોતે એકલા હોય તો પણ ‘સવા લાખ’ ગણાવે. નિહંગોમાં બે પ્રકારના સમૂહ હોય. એક બ્રહ્મચારી અને બીજા ગૃહસ્થ. જે ગૃહસ્થ નિહંગ હોય એમની પત્નીઓ અને બાળકો પણ નિહંગો જેવો વેશ ધારણ કરતી હોય છે. તેઓ સ્થાનાંતર કરતાં રહે છે.

Most Popular

To Top