રાજ્યમાં કોરોના કફર્યુની મુદત મંગળવારે રાત્રે પુરી થઈ રહી હતી ત્યારે તેને હવે 10મી ડિસે. સુધી લંબાવાયો છે. જો કે સરકારે કફર્યુમાં વધુ 1 કલાકની છૂટછાટ આપી છે, જેના પગલે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિત 8 મહાનગરોમાં હવે રાત્રીના 1થી 5 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. ગૃહ વિભાગે મંગળવારે આ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તે પછી તેને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટવીટ્ટ પણ કર્યુ હતું. ખાસ તો રાત્રી કફર્યુ દરમ્યાન રાજ્યમાં લગ્ન સમારંભ યોજી શકાશે નહીં. કફર્યુ દરમ્યાન ઈમરજન્સી સેવાઓ તથા પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મીડિયાને છૂટ આપવામાં આવી છે.
રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે અને દુકાનો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
સરકારે અગાઉ આપેલી છૂટછાટો નવા નોટિફિકેશનમાં પણ યથાવત રાખી છે. જેમાં દુકાનો, લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટિંગ યાર્ડ, ગુર્જરી બજાર, હાટ, સલૂન, બ્યૂટી પાર્લર રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રેસ્ટોરેન્ટ રાત્રીના 12 વાગ્યા સુધી 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તેવી જ રીતે હોમ ડિલીવરી ફૂડ તથા ટેક અવેની સેવા રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જીમ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચા રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
લગ્ન સમારંભો અને કાર્યક્રમોમાં 400 વ્યક્તિની છુટ
લગ્ન સમારંભોમાં ખુલ્લામાં કે બંધ હોલની અંદર 400 વ્યક્તિની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકિય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક સમારંભોમાં પણ 400 વ્યક્તિ એકત્રિત થઈ શકશે. ધો-9થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના ટયુશન કલાસિસ, સ્પર્ધાત્મક કલાસિસ 50 વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે યોજી શકાશે. લાયબ્રેરી 75 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
એસટી બસો તથા ખાનગી બસો (નોન એસી) 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જ્યારે એસી બસો 75 ટકા ક્ષમતા સાથે ચુલા રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વીમીંગ પુલ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. તેવી જ રીતે ઓડિટોરિયમ મનોરંજક સ્થળો 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરો સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.