કોલકાતા(KolKata): પશ્ચિમ બંગાળના (West Bangal) પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે તા. 6 એપ્રિલની સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે 2022ના બ્લાસ્ટ કેસની તપાસ કરવા NIAના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા, ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમની કાર પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા એક અધિકારીને ઈજા થઈ હતી.
આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. NIA ટીમ દ્વારા માનવેન્દ્ર જાના અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારીઓ મોનોબ્રોતો જાનની ધરપકડ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. NIA સૂત્રએ જણાવ્યું કે દરોડા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જાણ કરવામાં આવી હતી, તેમ છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
આ ઘટના અંગે NIA દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. NIA અધિકારીની ફરિયાદના આધારે ભૂપતિનગર પોલીસ સ્ટેશને મુખ્ય આરોપી મોનોબ્રોતો જાના અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 341, 332, 353, 186, 323, 427, 34 અને PDPP એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પબ્લિક પ્રોપર્ટી એક્ટ, 1984ની કલમ 3 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાની વચ્ચે એજન્સીએ મોનોબ્રોતો જાનની ધરપકડ કરી છે.
ભૂપતિનગરમાં 3 ડિસેમ્બર, 2022 ના રોજ થયેલા વિસ્ફોટમાં એક ઘર નાશ પામ્યું હતું, જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. ગયા મહિને NIAએ વિસ્ફોટના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસના 8 નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સીએ આઠને તેના અધિકારીઓ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. કારણ કે તેઓ અગાઉના સમન્સ પર હાજર થયા નહોતા. તેમને 28 માર્ચે ન્યુ ટાઉનમાં NIA ઓફિસની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો હતો. NIAની ટીમ આ કેસના સંબંધમાં મોનોબ્રોતો જાનની ધરપકડ કરવા ભૂપતિનગર પહોંચી હતી, ત્યારે ટોળાએ તેના પર હુમલો કર્યો હતો.
સંદેશખાલીમાં NIAની ટીમ પર હુમલો થયો હતો
બે મહિના પહેલા પણ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં EDની ટીમ પર હુમલો થયો હતો. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારીઓ સ્થાનિક ટીએમસી નેતા શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા ગયા હતા. શેખના સમર્થકોએ ED ટીમની સાથે રહેલા સેન્ટ્રલ ફોર્સના જવાનો પર પણ હુમલો કર્યો હતો.
પથ્થરમારામાં ઘાયલ ત્રણ ED અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. શાહજહાં શેખ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકની નજીક છે અને હાલમાં સંદેશખાલીમાં મહિલાઓના જાતીય શોષણના આરોપમાં સીબીઆઈની કસ્ટડીમાં છે. જ્યોતિ પ્રિયા મલ્લિક પશ્ચિમ બંગાળમાં કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ કેસમાં આરોપી છે. ગયા વર્ષના અંતમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે.