વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં પારડી (Pardi) નજીક મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 (NH8) ઉપર શુક્રવારે મોડી રાત્રે હરિયાણા (Hariyana) જતા એક કન્ટેનરમાં અચાનક આગ (Fire In Container) લાગી હતી. પાછળના ભાગેથી આગ લાગી હોવાની જાણ અન્ય વાહનચાલકોએ ડ્રાઈવરને કરતા ડ્રાઈવર ગભરાયો હતો. આગમાં દોડતા કન્ટેનરને જોઈ અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો પણ ગભરાયા હતા. ડ્રાઈવરે સજાગપણે કન્ટેનરને હાઈવેની સાઈડ પર ઉભું રાખ્યું હતું અને પછી તેનાથી દૂર ભાગી ગયો હતો. દરમિયાન કોઈકે ફાયર વિભાગને જાણ કરતા પારડીથી ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
- મુંબઈથી હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગી
- વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર મોતીવાડા ગામ પાસે આગ લાગી
- વાહનચાલકોએ ડ્રાઈવરને આગ લાગી હોવાની જાણ કરી
- આગથી ભભૂકતા કન્ટેનરમાં બ્લાસ્ટ થતા લોકો ગભરાયા
- કન્ટેનરમાં ફટાકડા હોવાની આશંકા વ્યક્ત કરાઈ
- બે કલાકની જહેમત બાદ કન્ટેનરની આગ ઓલવાઈ
- કન્ટેનરમાં બિયર હોવાનું માની લોકોએ લૂંટ ચલાવી
- કન્ટેનરમાં બિયર કંપનીના શેમ્પુ, ડિયો, રૂમ ફ્રેશનર હતા
- પારડી પોલીસે ડ્રાઈવરની પૂછપરછ સાથે તપાસ હાથ ધરી
દરમિયાન આગના લીધે કન્ટેનરમાં બ્લાસ્ટ (Blast) થયો હતો જેના લીધે અફરાતફરી મચી ગઈ હતી. તંત્રએ તાત્કાલિક મુંબઈ અમદાવાદ હાઈવે (Mumbai Ahmedabad Highway) સુરક્ષાના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. કન્ટેનરમાંથી બ્લાસ્ટ થતા વલસાડ, વાપી નગર પાલિકા અને નોટિફાઇડ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. 2 કલાકની ભારે જહેમત બાદ કન્ટેનરમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં મુંબઈ અમદાવાદ હાઇવે તકેદારીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. દિવાળી આવતી હોવાથી કન્ટેનરમાં ફટાકડા હોવાનો પ્રાથમિક ભય વ્યક્ત કરાયો હતો. બે કલાકની મહેનત બાદ કન્ટેનરની આગ ઓલવવામાં આવી હતી. ત્યાર બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે જતા રહ્યાં હતાં.
દરમિયાન કન્ટેનરમાં બિયર હોવાનું માની લઈ વાહનચાલકો અને સ્થાનિક લોકોએ કન્ટેનરમાં પડેલાં સામાનની લૂંટ ચલાવી હતી. કન્ટેનરમાં બિયર કંપનીનો શેમ્પુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પારડી પોલીસને થતા કાફલો દોડી આવ્યો હતો અને લૂંટ ચલાવતા લોકોને દૂર કર્યા હતા.
વધુ મળતી માહિતી અનુસાર મુંબઈથી એક કન્ટેનરમાં ડિયો, રૂમ ફ્રેશનર, હેન્ડ વોશ અને બિયર શેમ્પૂ ફરી હરિયાણા તરફ જઈ રહ્યું હતું. ત્યારે પારડી હાઈવે ઉપર મોતીવાડા નજીક આગ લાગી હતી. પોલીસે કન્ટેનર ચાલકની પૂછપરછ કરવા સાથે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.