Gujarat

8 મહાનગરોમાં આગામી 15મી સપ્ટે. સુધી રાત્રિ કફર્યુ લંબાવાયો

રાજ્યમાં હવે કોરોના કફર્યુ આગામી તા.15મી સપ્ટે. સુધી લંબાવાયો છે. જ્યારે રાજ્યમાં રાત્રીના 11થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં રહેશે. આજે ગૃહ વિભાગ દ્વારા સત્તવાર રીતે જાહેરનામુ બહાર પાડીને કર્ફ્યુની મુદત 8 મહાનગરોમાં આગામી 15મી સપ્ટે. સુધી લંબાવી દીધી છે. જો કે અગાઉના આદેશ મુજબની છૂટછાટો અને નિયંત્રણો યથાવત રહેશે. તા.30મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમી તેમજ તા.9થી 19મી સપ્ટે.ના રોજ ગણેશ ઉત્સવ દરમ્યાન અપાયેલી છૂટછાટો તે તહેવાર પૂરતી જ મર્યાદિત રહેશે.

જન્માષ્ટમીના રોજ રાત્રિ કફર્યુનો અમલ 1 વાગ્યાથી કરાશે

200 લોકોની હાજરી સાથે શોભા યાત્રાને પણ મર્યાદિત વાહનો સાથે મંજૂરી અપાશે : મટકી ફોડ કાર્યક્રમો યોજી શકાશે નહીંગૃહ વિભાગ દ્વારા બહાર પડાયેલા બીજા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યુ છે કે જન્માષ્ટમીના રોજ 8 મહાનગરોમાં રાત્રિ કફર્યુનો અમલ 1 વાગ્યાથી કરાશે. જો કે પરંપરાગત રીતે કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે જન્માષ્ટમી ઉજવી શકાશે. મંદિર પરિસરમાં એક સાથે સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકો દર્શન કરી શકશે. આ ઉપરાંત 200 લોકોની હાજરી સાથે શોભા યાત્રાને પણ મર્યાદિત વાહનો સાથે મંજૂરી અપાશે. મટકી ફોડ કાર્યક્રમો યોજી શકાશે નહીં.

ગણેશ ઉત્સવ દરમિયાન રાત્રિ કફર્યુ 12 વાગ્યાથી અમલી બનશે

સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 15 વ્યક્તિની મર્યાદામાં વાહનમાં નજીકના કૃત્રિમ કૂંડમાં વિસર્જન કરી શકાશે.રાજ્યમાં તા.9મીથી 19મી સપ્ટે દરમ્યાન ગણેશ ઉત્સવને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને રાત્રિ કફર્યુ 12 વાગ્યાથી અમલી બનશે.સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 4 ફૂટની અને ઘરમાં 2 ફૂટની ગણેશ મૂર્તિની સ્થાપના કરી શકાશે, જેમાં પંડાલ કે મંડપ બને ત્યાં સુધી નાનો રાખવાનો રહેશે. મંડપમાં પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે. જો કે ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં, ઘરના ગણેશ ભગવાનનું વિર્સજન ઘરમાં થાય તે વધારે હિતાવહ છે. જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવમાં 15 વ્યક્તિની મર્યાદામાં વાહનમાં નજીકના કૃત્રિમ કૂંડમાં ગણેશ વિર્સજન કરી શકાશે.

Most Popular

To Top