નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના (Newzealand) ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને (Ken Williams) પાકિસ્તાન સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં એકદમ જ જાદુઈ ઇનિંગ રમી હતી. તેણે કરાચીમાં (Karachi) રમાઈ રહેલી મેચના ચોથા દિવસે અણનમ બેવડી સદી (Double century) ફટકારી હતી. પ્રથમ દાવમાં પાકિસ્તાનના 438 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે વિલિયમસનની બેવડી સદીના આધારે 9 વિકેટના નુકસાન પર 612 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવના આધારે પાકિસ્તાન પર 174 રનની લીડ મેળવી હતી. કિવીની ટીમના આ જોરદાર પ્રદર્શનના હીરો રહેલા વિલિયમસને પણ પોતાની ઇનિંગ્સ દરમિયાન વિશ્વ ક્રિકેટમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું હતું. તે એવી ક્લબમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો જેમાં ભારતમાંથી માત્ર રાહુલ દ્રવિડનો સમાવેશ થાય છે.
ટેસ્ટના ત્રીજા દિવસે કેન વિલિયમસને કારકિર્દીની 25મી સદી ફટકારી
આ ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે કરાચીમાં ચાલી રહી છે. દરમ્યાન ટેસ્ટના ત્રીજા દિવસે કેન વિલિયમસને કારકિર્દીની 25મી સદી ફટકારી હતી. ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર 32 વર્ષીય બેટ્સમેને ત્રણ આંકડાને સ્પર્શતાની સાથે જ નવો રેકોર્ડ પણ બનાવી લીધો હતો. તે વિશ્વના 10 દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ બિન-એશિયન બેટ્સમેન બન્યો. અત્યાર સુધી તેની કારકિર્દીમાં, વિલિયમસને તેના વતન ન્યુઝીલેન્ડ સિવાય ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, યુએઈ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને હવે પાકિસ્તાનમાં ટેસ્ટ સદી ફટકારી છે.
વિલિયમસન દુનિયાના 10 દેશોમાં સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન
રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન યુનિસ ખાન સૌથી વધુ દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં નંબર વન પર છે, જેમણે 11 દેશોમાં આ કારનામોં કર્યો છે. તેના પછી 10 દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર બેટ્સમેન છે જેમાં રાહુલ દ્રવિડ, મહેલા જયવર્દને, કુમાર સંગાકારા, મોહમ્મદ યુસુફ અને સઈદ અનવર. એટલે કે વિલિયમસન દુનિયાના 10 દેશોમાં સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. વિલિયમસન હજુ સુધી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી.
વિલિયમસે બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડી દીધો
કેન વિલિયમસને પાકિસ્તાન સામેની શ્રેણીની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વિલિયમસને તેની કારકિર્દીની પાંચમી ટેસ્ટ બેવડી સદી ફટકારી, ભૂતપૂર્વ કિવી કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને પાછળ છોડી દીધો, જેના ખાતામાં ચાર બેવડી સદી છે.