રાવલપિંડી : શુક્રવારે અહીં વન ડે સીરિઝની પ્રથમ વન ડે (One day match) શરૂ થવાના સમયે ન્યુઝીલેન્ડ (New Zealand) ક્રિકેટ ટીમે સુરક્ષાનું જોખમ હોવાનું કારણ આગળ ધરીને પાકિસ્તાન (Pakistan)નો પોતાનો પ્રવાસ રદ કરી દીધો હતો. મહત્વની વાત એ હતી કે મેચ શરૂ થવાનો સમય થઇ ગયો હતો, પ્રેક્ષકો સ્ટેડિયમ (stadium)માં બેસી ગયા હતા અને મેચ અધિકારીઓ પણ સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા, વળી ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાં જ હતી અને પ્રથમ વન ડે જ્યાં રમાવાની હતી તે રાવલપિંડીની હોટલમાં જ હતી અને વન ડે શરૂ થવાના સમયે તેમના દ્વારા પ્રવાસ રદ (cancel) કરાયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેના કારણે સ્ટેડિયમમાં અભૂતપૂર્વ કહેવાય તેવા દૃશ્યો સર્જાયા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જો કે એવું કહેવાયું હતું કે ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષાને કોઇ જાતનું જોખમ નહોતું. રાવલપિંડીના સ્ટેડિયમ પર શુક્રવારે રમાનારી મર્યાદિત ઓવરોની સીરિઝની પહેલી વન ડે જ્યારે સમયસર શરૂ ન થઇ ત્યારે સમસ્યા ઊભી થઇ હતી, વન ડે શરૂ થવાનો સમય થઇ ગયો હોવા છતાં બંને ટીમ પોતાની હોટલના રૂમમાં જ રહી હતી અને ત્યાંથી બહાર આવી નહોતી. તે પછી ન્યુઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વ્હાઇટે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમને જે સલાહ મળી રહી હતી તેને ધ્યાને લઇને આ પ્રવાસ ચાલુ રાખવો સંભવ નથી.
વ્હાઇટે કહ્યું હતું કે આ પીસીબી માટે એક મોટા ફટકા સમાન હોવાનું હું સમજુ છું પણ ખેલાડીઓની સુરક્ષા સર્વોપરિ છે અને અમારું માનવું છે કે અમારા માટે આ જ જવાબદારીભર્યો વિકલ્પ છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કાર્યકારી હીથ મિલ્સે પણ વ્હાઇટના વિચારો પર પોતાની સહમતિ દર્શાવી હતી. મિલ્સે કહ્યું હતું કે ખેલાડી સુરક્ષિત છે અને દરેક પોતાના શ્રેષ્ઠ હિત માટે કામ કરી રહ્યા છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા જો કે સુરક્ષાના જોખમ બાબતે વિગતવાર કંઇ જણાવાયું નહોતું કે ન તો ટીમ વાપસી અંગે કરવામાં આવી રહેલી વ્યવસ્થા બાબતે કોઇ ટીપ્પણી કરી છે.
2002માં કરાચીમાં હોટલ બહાર વિસ્ફોટને પગલે કીવી ટીમ પરત ફરી ગઇ હતી
મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે રાવલપિંડીમાં પ્રથમ વન ડે શરૂ થવાના સમયે જ અચાનક સુરક્ષાનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો આખો પ્રવાસ જ રદ કરી દેતા અનેક ચર્ચાઓ જાગી છે. આ સાથે એવું કંઇ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે આમ અચાનક પ્રવાસ રદ કર્યો હોય. આ પહેલા 2002માં કરાચીમાં ટીમ હોટલની બહાર થયેલી બોમ્બ વિસ્ફોટને પગલે ન્યુઝીલેન્ડની ટીમ પ્રવાસ પડતો મુકીને સ્વદેશ પરત ફરી હતી.
ન્યુઝીલેન્ડની ટીમ 18 વર્ષના લાંબા ગાળા પછી પાકિસ્તાનના પ્રવાસે પહોંચી હતી
ન્યુઝીલેન્ડની ટીમ 2002માં કરાચી ખાતે ટીમ હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ થયા પછી તે સમયે પ્રવાસ પડતો મુકીને સ્વદેશ પરત ફરી હતી અને તે પછી એક વર્ષ પછી 2003-04મા તેઓ પાંચ વન ડેની સીરિઝ રમવા માટે પાકિસ્તાન પ્રવાસે ગયા હતા. કીવી ટીમનો પાકિસ્તાનનો એ છેલ્લો પ્રવાસ હતો, તે પછી તેઓ કદી પાકિસ્તાન પ્રવાસે ગયા નહોતા અને હવે છેક 18 વર્ષના લાંબા ગાળા પછી તેઓ પાકિસ્તાનના પ્રવાસે તો ગયા હતા પણ એકેય મેચ રમવા વગર હવે સ્વદેશ વાપસીની તૈયારી કરી રહ્યા છે.
પ્રવાસ રદ કરવાના ન્યુઝીલેન્ડના નિર્ણયને પીસીબીએ એકતરફી ગણાવ્યો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ન્યુઝીલેન્ડે સીરિઝ સ્થગિત કરવાનો એકતરફી નિર્ણય લીધો છે. પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકાર તમામ પ્રવાસી ટીમો માટે સુરક્ષાની મજબૂત વ્યવસ્થા ગોઠવે છે, અમે ન્યુઝીલેન્ડ ક્રિકેટને તેનું આશ્વાસન પણ આપ્યું હતું. ન્યુઝીલેન્ડની ટીમ સાથે પાકિસ્તાન આવેલા સુરક્ષા અધિકારીઓએ પણ અહીંની સુરક્ષા વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો, છતાં આ નિર્ણય લેવાયો તે એકતરફી છે.
ઇમરાન ખાને જેસિન્ડા અર્ડર્નને કહ્યું હતું, અમારી પાસે વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સીસ્ટમ છે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાના નિવેદનમાં એવું પણ કહેવાયું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન સાથે વાત કરીને તેમને આશ્વાસન આપ્યું હતું કે અમારી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર સિસ્ટમ છે અને પ્રવાસી ટીમ સામે કોઇપણ પ્રકારનું સુરક્ષા જોખમ નથી. જો કે ઇમરાન ખાનના આશ્વાસન છતાં ન્યુઝીલેન્ડ ક્રિકેટને સંતોષ થયો નહોતો અને તેમણે પોતાના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાને લઇને પ્રવાસ રદ કરવાનું જ વધુ બહેતર સમજ્યું હતું.