Business

ન્યૂ યરની ભેટ

સ્પેશ્યાલિટી ઓક્યુપેશન વર્કરો માટે અમેરિકાના ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં ખાસ પ્રકારના H1- B વિઝા ઘડવામાં આવ્યા છે. એના વાર્ષિક કોટાની સંખ્યા ૬૫,૦૦૦ની છે. આ ઉપરાંત જે પરદેશીઓએ અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરીંગ અને મેથેમેટીક્સના વિષયોમાં માસ્ટર્સનો કોર્ષ કર્યો હોય એમના માટે બીજા વધારાના ૨૦,૦૦૦ વિઝા ઉપલબ્ધ કરાયા છે. દર વર્ષે આ H1- B વિઝા માટે બે થી ત્રણ લાખ પિટિશનો અમેરિકાની જુદી જુદી કંપનીઓ દાખલ કરે છે. એમાંથી લોટરી દ્વારા ૬૫,૦૦૦ અને ૨૦,૦૦૦ આમ ૮૫,૦૦૦ પિટિશનો ચૂંટાય છે. ૧લી એપ્રિલ પછી આ પિટિશનો દાખલ કરવાના રહે છે. ચૂંટાયેલા પિટિશનો ચકાસવામાં આવે છે. તપાસવામાં આવે છે. ખાતરી થતાં કે જેમના લાભ માટે આ પિટિશનો દાખલ કરવામાં આવ્યા છે તેઓ યોગ્ય લાયકાત ધરાવે છે અને એમને જે સેલેરી આપવાની છે એ અમેરિકાના ધારાધોરણ મુજબની છે. ત્યાર બાદ એ પિટિશનો એપ્રુવ્ડ કરવામાં આવે છે. જે પરદેશીઓ માટે પિટિશનો એપ્રુવ્ડ થયા હોય એમને ત્યાર બાદ એમના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં  જાતે હાજર રહીને ઈન્ટરવ્યૂ આપીને H-1B વિઝા મેળવવાના રહે છે. દર વર્ષે ભારતમાંથી લગભગ ૫૦-૬૦ હજાર જેટલા લોકો H-1 B વિઝા ઉપર અમેરિકામાં જાય છે.

 H-1 B વિઝાધારકોની પત્ની યા પતિ તેમ જ એકવીસ વર્ષથી નીચેની વયનાં અવિવાહિત સંતાનોને પણ જો ડિપેન્ડન્ડ H-4 વિઝા મેળવવા હોય તો એમના દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં જઈને ઈન્ટરવ્યૂ આપીને એ મેળવવાના રહે છે. આ મુજબ જ આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટીવો તેમ જ ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ જેમણે  L-1 વિઝા જોઈતા હોય, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા માટે P-3 વિઝા જોઈતા હોય, અસાધારણ આવડત ધરાવનારાઓને  O-1 વિઝા જોઈતા હોય એ સર્વેના લાભ માટે અમેરિકાના દાખલ કરાયેલ પિટિશનો એપ્રુવ્ડ થયા પછી એમણે સૌએ પોતપોતાના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં જાતે હાજર રહીને L-1,  P-3 યા O-1 વિઝા ઈન્ટરવ્યૂ આપીને પોતાની લાયકાત પુરવાર કરીને મેળવવાના રહે છે. આ સૌ L-1, P-3 યા O-1 વિઝાધારકોના ડિપેન્ડન્ટો જેમને ડિપેન્ડન્ટ L-2 કે P-4 કે O-2 વિઝા મેળવવા હોય એમણે પણ  કોન્સ્યુલેટમાં જાતે જઈને ઈન્ટરવ્યૂ આપીને એ મેળવવાના રહે છે.

પરદેશી વિદ્યાર્થીઓ જેઓ અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા જવા ઈચ્છતા હોય એમણે અંગ્રેજી ભાષા આવડે છે એ દર્શાવવી આપવા આઈલ્ટસ યા ‘ટોફેલ’ની પરીક્ષા આપવાની રહે છે. એમણે એમની નાણાંકીય પરિસ્થિતિ વિષે જાણકારી આપવાની રહે છે. એને લગતા પુરાવાઓ પણ સાથે આપવાના રહે છે. તેઓ અમેરિકાની એ યુનિવર્સિટીમાં શા માટે ભણવાની ઈચ્છા ધરાવે છે એ જણાવતો એક નિબંધ પણ લખીને આપવાનો રહે છે. આ બધું જોઈને, જાણીને, તપાસ્યા બાદ યુનિવર્સિટી એમને યોગ્ય લાગે તો પોતાને ત્યાં પ્રવેશ આપે છે.  એ પછી આ પરદેશી વિદ્યાર્થીઓએ એમના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટમાં  જાતે હાજર રહીને ઈન્ટરવ્યૂ આપીને F-1 અથવા M-1 અથવા J-1 સંજ્ઞા ધરાવતા સ્ટુડન્ટ વિઝા મેળવવાના રહે છે. એમના ડિપેન્ડન્ટોએ પણ કોન્સ્યુલેટમાં જઈને ઈન્ટરવ્યૂ આપીને ડિપેન્ડન્ટ F-2 અથવા M-2 યા J-2 વિઝા મેળવવાના રહે છે.

વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાના અંતમાં કોવિડ-૧૯એ વિશ્વને એના ભરડામાં લીધું અને સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટની કચેરીઓ અમેરિકાની સરકારે બંધ કરવી પડી. લગભગ દોઢ બે વર્ષ સુધી બધી જ કોન્સ્યુલેટો બંધ રહી. હવે જ્યારે પરિસ્થિતિ થોડી હળવી થઈ છે અને કોન્સ્યુલેટો કામ કરતી થઈ છે ત્યારે એ સર્વે ઉપર ભયંકર કામનો બોજો લદાયો છે. આથી તેઓ H-1B, L-1, P-3, O-1, F-1, M-1 કે J-1 વિઝાના અરજદારોને  ઈન્ટરવ્યૂનો સમય તુરંત આપી નથી શકતા. આજે જો ઈન્ટરવ્યૂની માગણી કરવામાં આવે તો બે-ચાર કે છ મહિના પછી એમને ઈન્ટરવ્યૂની તારીખ આપવામાં આવે છે. અનેક વાર કામનો બોજો અતિશય હોવાના કારણે એ આપેલી તારીખો કેન્સલ કરવી પડે છે. આ કારણસર અમેરિકા જવા ઈચ્છતા પરદેશીઓને ખૂબ જ અગવડ પડે છે. અમેરિકામાં એમને જે લોકો બોલાવતા હોય છે એમને પણ પારાવાર હાડમારી પડે છે.

૨૪મી ડિસેમ્બર, ૨૦૨૧ના દિવસે અમેરિકાની સરકારે આ હાડમારી એક જાહેરાત કરીને તાબડતોબ દૂર કરી છે. અમેરિકાના ઈમિગ્રેશન ખાતાએ એવી જાહેરાત કરી છે કે, H-1B, L-1, P-3, O-1, F-1, M-1 કે J-1 આ સર્વે નોન-ઈમિગ્રન્ટ વિઝાના ઈચ્છુકોને તેમ જ એમના ડિપેન્ડન્ટોને  એમના લાભ માટે જે પિટિશન દાખલ કરવામાં આવ્યું હોય છે એ એપ્રુવ્ડ થતાં તેમ જ જેમને અમેરિકાની યુનિવર્સિટીએ પોતાને ત્યાં પ્રવેશ આપ્યો હોય એ પછી પોતાના દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં જઈને ઈન્ટરવ્યૂ આપીને વિઝા મેળવવાની  જરૂરિયાત નથી. આ સર્વે વિઝાના ઈચ્છુકો અને એમના ડિપેન્ડન્ટો ફકત ફોર્મ ભરીને વિઝાની અરજી કરે અને એ મંજૂર થતા વિઝા મેળવીને અમેરિકા જાય.

આ શ્રેણીના જે અરજદારો પહેલાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકા જઈ આવ્યા હોય તેમ જ એમના કોઈ પણ પ્રકારના વિઝા નકારવામાં આવ્યા ન હોય એમણે હવેથી આ શ્રેણીના વિઝા મેળવવા માટે કોન્સુલેટમાં જાતે ઈન્ટરવ્યૂ આપવા જવાની જરૂર નથી. આવી છૂટ, ઈન્ટરવ્યૂમાંથી માફી, એ વર્ષ માટે એટલે કે ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી આપવામાં આવી છે. આથી વધુ સારી ન્યૂ યરની ભેટ કઈ હોઈ શકે? (આવતા અઠવાડિયે પિટિશન એપ્રુવ્ડ થયા બાદ અમેરિકાની યુનિવર્સિટીએ પ્રવેશ આપ્યો હોય એ પછી વિઝાની અરજી કરતું ફોર્મ કેવી રીતે ભરવું, એની જોડે કયા કયા દસ્તાવેજો મોકલવા જેથી તમારી વિઝાની અરજી મંજૂર થાય એ સમજાવતો લેખ ‘ગુજરાતમિત્ર’ની દર્પણ પૂર્તિમાં વાંચવાનું ચૂકશો નહીં.)

Most Popular

To Top