સુરત: (Surat) આખરે બે વર્ષે પણ સુરતની રોનક પાછી ફરી. કોરોનાને કારણે સુરતને ઝાંખપ લાગી ગઈ હતી. બે વર્ષ બાદ આ વખતે દિવાળીએ ફરી સુરતે ભારે ઉજવણી કરી હતી. એક અઠવાડિયાથી દિવાળીની (Diwali) ખરીદીનો માહોલ સર્જાયો હતો. જેની કાલે ચરમસીમા જોવા મળી હતી. મોડી રાત સુધી લોકોએ ધૂમ ખરીદી કરી હતી. આવતીકાલે શુક્રવારથી સંવત 2078 કારતક સુદ એકમથી નવા વર્ષનો પ્રારંભ થશે. જ્યારે વિક્રમ સંવત 2077 વિદાય લેશે. આ નવું વર્ષ 355 દિવસનું રહેશે. જે તારીખ આગામી 24-10-2022 સુધી ચાલશે. કોરોનાકાળથી બહાર આવેલા લોકો આ વખતે અદમ્ય ઉત્સાહથી દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે નવા વર્ષની પણ ભારે આનંદભેર ઉજવણી કરવાના આયોજનો થઇ રહ્યાં છે.
જયોતિષાચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રવેશ સમયે ગુરૂ તથા શની મકર રાશીમાં છે જ્યારે સૂર્ય, મંગળ, બુધ, તુલા શાહીમાં છે. રાહુ વૃષભ રાશીમાં છે કેતુ વૃશ્ચિક રાશીમાં છે. શુક્ર ધનરાશીમાં છે બધા જ ગ્રહોનું અવલોકન કરતા મોંઘવારીમાં હજુ વધારો થાય તથા સાથે આર્થીક વિકાસ પણ વધે ગુરૂનો નીચ ભંગ થયો હોવાથી વિદ્યા અભ્યાસ ક્ષેત્રે પ્રગતી રહેશે.જમીન-મકાનના ભાવમાં વધારો નોંધાય, ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. કોરોનાની બિમારી એકદમ ધીમી પડી શકે છે. લોકોમાં ધાર્મિક ભાવના વધે રાજકારણમાં ગરમાવો રહેશે. માર્ચ મહિના સુધી મોંઘવારી ધીમી ગતિએ વધતી રહેશે ત્યારબાદ બધા ભાવોમાં સ્થિરતા આવશે. ફુગાવાનો દર ઉચ્ચો રહેશે.
શનિવારે ભાઈબીજ
નૂતન વર્ષનાં બીજા દિવસે તારીખ 06 મી ના રોજ ભાઈબીજ છે. ભાઈબીજના દિવસે ભાઈ પોતાની બહેનના ઘરે મહેમાન બનીને આવે છે તથા બહેન ભાઈનાં મીઠડાં લઈને ભાઈની મનપસંદ રસોઈ બનાવી ભાઈને પ્રેમપૂર્વક જમાડે છે. કહેવાય છે કે યમરાજાની નાની બહેન યમી એ સૌ પ્રથમ પોતાનાં ભાઈ યમને ભાઈબીજ કરીને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતાં, ત્યારથી ભાઈબીજની પરંપરા અમલમાં આવી હશે તેવી લોકવાયકા છે. જોકે ગત વર્ષે કોરોનાને કારણે ભાઇબીજની ઉજવણી થઇ ન હતી જેથી આ વર્ષે બહેન આ દિવસની ઉજવણી કરવા કલાકોની ગણતરી કરી રહી છે.
મંગળવારે લાભ પાંચમ
તારીખ 09 મી ને કારતક સુદ પાંચમને લાભ પાંચમ, લાભ પંચમી કે જ્ઞાન પંચમી તરીકે ઓળખવામાં આવે છે. દરેક ધંધા, વેપાર, ઉદ્યોગનું આ દિવસે શુભ મુહૂર્ત કરવામાં આવે છે અને ધંધાની પ્રથમ બોણી કરવામાં આવે છે. ઘણાં વેપારીઓ દીપાવલીના દિવસે જે ચોપડા પૂજન કર્યું હતું તેનું ઉત્થાપન લાભ પાંચમના દિવસે કરે છે.
નૂતન વર્ષ : પેઢી ખોલવાનું મુહૂર્ત
ચલ, લાભ, અમૃત – સવારે 06:48 થી 10:57
શુભ – 12:23 થી 13:48
લાભપાંચમના દિવસે શ્રેષ્ઠ મુહૂર્ત
તારીખ : 09-11-21
સવારે : 09.30 થી 13:46