નવી દિલ્હી: દક્ષિણપૂર્વી એશિયા (Southeast Asia) અને યુરોપના (Europe) કેટલાંક ભાગોમાં કોવિડ-19ના (Covid – 19) કેસો ફરીથી વધી રહ્યા છે ત્યારે ભારતના નિષ્ણાતો માને છે કે મોટા પ્રમાણમાં રસીકરણ (Vaccination) અને પ્રાકૃતિક સંક્રમણના કારણે રોગપ્રતિકારક શક્તિને જોતા ભવિષ્યની કોઈ પણ લહેરની દેશ પર મોટી અસર પડવાની શક્યતા નથી.
તેમાંના અમુકનું માનવું છે કે સરકારે ફરજિયાત માસ્ક પહેરવાના નિયમમાં છૂટ આપવા અંગે વિચાર કરવો જોઈએ કારણ કે કેટલા સમયથી દૈનિક કોવિડ-19 કેસ અને મૃત્યુની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે.ડો. સંજય રાય એઈમ્સમાં મહામારીના વરીષ્ઠ ડોક્ટર અને ઈન્સ્ટીટ્યુટમાં કોવેક્સીન પરીક્ષણના મુખ્ય શોધકર્તા છે, તેમણે કહ્યું હતું સાર્સ-કોવી-2 એક આરએનએ વાયરસ છે અને તેમાં મ્યુટેશન થવાનું જ છે.
પહેલાંથી જ 1000 કરતા વધુ મ્યુટેશન ઉત્પન્ન થઈ ચુકયા છે, જો કે માત્ર 5 વેરિયન્ટ જ ચિંતાજનક છે. ‘ભારતમાં ગયા વર્ષે બીજી લહેર બહુ જ વિનાશક હતી જે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ હતું, પણ વર્તમાનમાં તે આપણી મુખ્ય શક્તિ છે કારણ કે પ્રાકૃતિક સંક્રમણ વધુ સારી અને લાંબા સમયની સુરક્ષા આપે છે. સાથે જ મોટા પ્રમાણમાં રસીકરણ થયું હતું. આ કારણથી ભવિષ્યની કોઈ પણ લહેરની ગંભીર અસરની શક્યતા નથી’, એમ રાયે કહ્યું હતું.
એક અન્ય નિષ્ણાત ડોક્ટર ચંદ્રકાન્ત લહરિયાએ કહ્યું હતું, ભારતમાં નવી લહેરની શક્યતા બહુ ઓછી છે, નવા વેરિયન્ટ સાથે પણ તેની શક્યતા નથી. તેમણે કહ્યું હતું, ‘જો આપણે આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો એમ કહેવું તાર્કીક છે કે ‘ભારતમાં કોવિડ-19 રોગચાળો સમાપ્ત થયો છે’. તેનું કારણ છે કે કોવિડની 3 લહેર બાદ ભારતમાં હાયબ્રિડ ઈમ્યુનીટી આવી છે જે સતત સુરક્ષા આપતી રહે છે.
ભારતમાં કોવિડના છેલ્લા 688 દિવસના સૌથી ઓછા 1761 કેસ નોંધાયા
ભારતમાં રવિવારે કોરોન વાયરસના નવા 1761 કેસ નોંધાયા હતા જે છેલ્લા 688 દિવસોમાં સૌથી ઓછા છે. દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 4,30,07,841 થઈ હતી જ્યારે સક્રિય કેસ વધુ ઘટીને 26,240 થયા હતાં, એમ આરોગ્ય મંત્રાલયના આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું. 127 નવા મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,16,479 થયો હતો, એમ સવારે 8 વાગે જારી કરાયેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં 1562નો ઘટાડો તયો હતો. દૈનિક પોઝીટીવીટી દર 0.41 ટકા રહ્યો હતો. બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,65,122 થઈ હતી. દેશભરમાં રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી 181.21 કરોડ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં 7 ઓગસ્ટ 2020ના રોજ કોવિડ-19 કેસોની સંખ્યા 20 લાખને પાર ગઈ હતી જ્યારે ડિસેમ્બર 2020માં તે 1 કરોડને વટાવી ગઈ હતી. ભારતમાં દુ:ખદ 2 કરોડનું સીમાચિન્હ 4 મે, 2021ના રોજ પાર થયું હતું જ્યારે 23 જૂનના રોજ કેસોની સંખ્યા 3 કરોડને વટાવી ગઈ હતી. જ્યારે આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ દેશમાં કેસોની સંખ્યા 4 કરોડને પાર થઈ હતી.