આજકાલ નવી નવી ટ્રેનો શરૂ થાય છે, પણ મધ્યમવર્ગ, નોકરિયાત કે વિદ્યાર્થીઓને કામ નથી લાગતી. મુંબઈથી ઉપડતી કેટલીક ટ્રેનો ગુજરાતમાં વાપી ઊભી રહે પછી સીધી નવસારી, સુરત, ભરૂચ, વડોદરા ઊભી રહે છે. વચ્ચેનાં મહત્ત્વનાં સ્ટેશનો જેવાં કે વલસાડ, બીલીમોરા, કોસંબા જેવા સ્ટેશને આ નવી ટ્રેનો ઊભી નથી રહેતી તેથી મધ્યમવર્ગ નોકરીઆત કે વિદ્યાર્થીઓ માટે, વેપારી માટે બિનઉપયોગી નીવડે છે. વચ્ચેના મહત્ત્વના સ્ટેશને જો ટ્રેન ઊભી રાખવામાં આવે તો નવા પેસેન્જર મળતા આવકનો સ્રોત વધે, રેલવેને નવી આવક મળી શકે.
લોકલ, પેસેન્જર ટ્રેન અંચેલી સ્ટેશને ઊભી રહેતી ન હતી એટલે આંદોલન કરવું પડે. કોરોના પહેલાં બધી જ પેસેન્જર ટ્રેન અંચેલી ઊભી રહેતી હતી. એટલે જેટલી નવી ટ્રેન શરૂ થાય તો મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી વચ્ચેના મહત્ત્વના સ્ટેશને ટ્રેન ઊભી રાખવી જરૂરી છે. નહીં તો પછી આ ટ્રેન માત્ર એક જ વર્ગ ધનવાનો માટે જ ટ્રેન ચાલે છે એમ ચોક્કસ કહી શકાય. મધ્યમ વર્ગની તો દરેક બાબતોમાં બાદબાકી થઈ જાય છે. હજુ સિનીયર સીટીઝન માટે રેલવે ખૂબ જ નફો કરતી હોવા છતાં વરિષ્ઠ નાગરિકને સુવિધા આપવામાં રાહત આપવામાં પીછેહઠ કરે છે. જેને ખરેખર રેલવેની સુવિધા-રાહત જરૂરી છે તેને રેલવેએ સહાયરૂપ બનવા જરૂરી છે. વડીલોને વરિષ્ઠ નાગરિકને રાહત અને સુવિધાનો અમલ થાય તે જરૂરી છે.
વડોદરા – જયંતીભાઈ પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજનાની બીજી બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 29,876 આવાસો નિર્માણ કરાયા.નાણાંકીય વર્ષ 2023-24માં રૂપિયા 613 કરોડના ખર્ચે 7911 આવાસો બનાવવા સુરત મહાનગર પાલિકાએ આયોજન કર્યું છે. પરંતુ જે આવાસો બન્યા છે તેમાં ટૂંક જ સમયમાં છતમાંથી વરસાદી પાણી ગળવા, મકાનની પોપડી ખરવી, પીવાનાં અને વપરાશનાં પાણી અંગેના પ્રશ્નો કેટલાક વિસ્તારોમાં ઊઠયા છે.રહેતાં લોકોના યોગ્ય સંકલનને અભાવે મેઈન્ટેનન્સ અંગેના પ્રશ્નો પણ ઉદ્દભવ્યાં છે. વધુ ને વધુ આવાસ બને એ સારી બાબત છે, પણ બન્યાં છે એ રહેવાલાયક બને એ એથીય વધુ સારી બાબત છે.
સુરત – વૈશાલી શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.