મુંબઈ: સસ્તું સોનું ખરીદવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડની નવી સ્કીમ આજે તા. 12 ફેબ્રુઆરી 2024 શરૂ થઈ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ IV નો જાહેર ઇશ્યુ 16 ફેબ્રુઆરીએ બંધ થશે. ઓછી કિંમતે સોનામાં રોકાણ કરીને વધુ સારું વળતર મેળવવાની આ એક મોટી તક માનવામાં આવે છે.
આ સ્કીમ હેઠળ સરકાર ઓનલાઈન ખરીદદારોને માર્કેટ રેટ કરતા થોડી ઓછી કિંમતે ગોલ્ડ બોન્ડ વેચે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના ચોથા તબક્કાની ઇશ્યૂ કિંમત 6,263 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરનારને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.
- સોવિરિન ગોલ્ડની નવી સ્કીમ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ, જાહેર ઈશ્યુ 16 ફેબ્રુઆરીએ બંધ થશે
- રોકાણકારોએ ઓછામાં ઓછું 6,363નું પ્રતિ ગ્રામ રોકાણ કરવું પડશે
- આ સ્કીમમાં રોકાણકારોને લગભગ 12.9 ટકા વાર્ષિક વળતર મળ્યું છે
- આઠ વર્ષ પહેલાં 1.34 લાખનું રોકાણ કરનારને 3.6 લાખ મળ્યા
આ સ્કીમ દ્વારા રોકાણકારો ફિઝીકલ સોનું ખરીદ્યા વિના પણ રોકાણ કરીને નફો કમાઈ શકે છે. સોનાના રોકાણકારોને આમાં બેવડો ફાયદો મળે છે. પહેલા બોન્ડની પાકતી મુદતના સમયે તેઓને બજાર દર મુજબ નાણાં મળે છે અને બીજું સબસ્ક્રાઇબર્સને 2.5% વ્યાજ પણ ઓફર કરવામાં આવે છે.
એવો અંદાજ છે કે આ 2023-24ની છેલ્લી ગોલ્ડ બોન્ડ સિરીઝ હોઈ શકે છે. આ વર્ષની આ ચોથી સ્કીમમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ પણ તૂટી શકે છે. આ પહેલા 2020-21માં SGBમાં 32.4 ટન સોનાનું સબસ્ક્રિપ્શન લેવામાં આવ્યું હતું. હવે 2023-24માં ડિસેમ્બર સુધીના 9 મહિના દરમિયાન SGB દ્વારા 31.6 ટન સોના માટે સબસ્ક્રિપ્શન લેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં અનુમાન છે કે ફેબ્રુઆરીમાં SGBના નવા હપ્તાના આગમન સાથે વર્તમાન વ્યવસાય વર્ષમાં 2020-21નો રેકોર્ડ તૂટી જશે. 2020-21માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં લોકોની રુચિ વધવાનું કારણ કોવિડ-19 હતું.
કોવિડ-19માં SGB સુપરહિટ રહી હતી!
આ સ્કીમને સૌથી વધુ સફળતા કોવિડના સમયગાળામાં મળી હતી. લોકડાઉનને લીધે જ્વેલરી સ્ટોર્સ લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. તેથી સોનાની ભૌતિક ખરીદી શક્ય ન હતી. ત્યારે નેટ બેંકિંગ દ્વારા ચુકવણી કરીને SGB દ્વારા સોનામાં ઑનલાઇન રોકાણ કરવું સરળ હતું. પરંતુ 2022-23માં SGBમાં સબ્સ્ક્રિપ્શનમાં ઘટાડો થવાને કારણે એવું માનવામાં આવે છે કે હવે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ ચમકવા લાગી છે અને કોવિડ-19 દરમિયાન ઑફલાઇન વેચાણના અભાવને કારણે તેમાં રોકાણ વધ્યું હતું. પરંતુ 2023-24માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ્સમાં રેકોર્ડ રકમ આવવાથી આ અટકળોનો અંત આવવાની ખાતરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર 2023 દરમિયાન, એપ્રિલ-ડિસેમ્બર 2022ની સરખામણીમાં SGBમાં સબસ્ક્રિપ્શનમાં 157 ટકાનો વધારો થયો છે. આનાથી એવી શક્યતા પણ પ્રબળ બની છે કે લોકો સોનામાં રોકાણની આ પદ્ધતિને પસંદ કરી રહ્યા છે.
SGB આયાતને બચાવવામાં મદદ કરે છે
2015-16માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત થઈ ત્યારથી SGB હેઠળ 134 ટનથી વધુ સોનું વેચવામાં આવ્યું છે. આ સંપૂર્ણપણે નાણાકીય ઉત્પાદન છે જેનો અર્થ એ છે કે આયાતની સમાન રકમની બચત કરવામાં આવી છે. ગયા નાણાકીય વર્ષમાં ઘટાડા પછી આ વર્ષે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજનાને વધુ સફળતા મળી રહી છે. કારણ કે SGB હેઠળ હવે ઓછા હપ્તાઓ ઉપાડવામાં આવી રહ્યા છે એટલે કે એક ક્વાર્ટરમાં માત્ર એક જ હપ્તો. આ ઉપરાંત તાજેતરમાં પાકેલા પ્રથમ હપ્તા પરનું ઉત્તમ વળતર પણ રોકાણકારોને તેમાં નાણાંનું રોકાણ કરવા પ્રેરિત કરે છે. આ ઉપરાંત એસજીબીનું વિવિધ માધ્યમો દ્વારા રોકાણકારોને આક્રમક રીતે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.
રોકાણકારોને SGB એ બમ્પર નફો કરાવ્યો છે
આ સ્કીમમાં રોકાણકારોને પાછલા આઠ વર્ષમાં બમ્પર નફો મળ્યો છે. લોકોને લગભગ 12.9 ટકા વાર્ષિક વળતર મળ્યું છે, જે બેંક FD કરતા ઘણું વધારે છે. 2015માં SGBમાં 2684 રૂપિયા પ્રતિ ગ્રામના દરે રોકાણ કરવાની તક મળી હતી. તેના પ્રથમ તબક્કાની મેચ્યોરીટી સમયે તે વધીને 6132 રૂપિયા પ્રતિ ગ્રામ થઈ ગયો હતો. એટલે કે, જે વ્યક્તિએ 50 ગ્રામ સોનું ખરીદવા માટે 1,34,200 રૂપિયાનું રોકાણ કર્યું હતું તેને 8 વર્ષ પછી મેચ્યોરિટી સમયે 3 લાખ 6 હજાર 600 રૂપિયા મળ્યા હતા.
આ રીતે ખરીદી શકાય છે સોવિરિયન ગોલ્ડ બોન્ડ
સોવરિન ગોલ્ડ બોન્ડ સિરીઝ IV માં રોકાણ કરવા માટે રોકાણકારો સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ડેઝિગ્નેટેડ પોસ્ટ ઓફિસ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને BSE દ્વારા પણ SGB ખરીદી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સબસ્ક્રિપ્શન સમયગાળા પહેલાના અઠવાડિયાના છેલ્લા ત્રણ કામકાજના દિવસો માટે જારી કરાયેલ 999 શુદ્ધતાના સોનાના બંધ ભાવની સરેરાશના આધારે SGB ની કિંમત નક્કી કરવામાં આવે છે. ઓનલાઈન સબસ્ક્રાઈબ કરનારા રોકાણકારોને 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળે છે. SGB માં ડિફોલ્ટનું કોઈ જોખમ નથી કારણ કે તેની પાસે સાર્વભૌમ ગેરંટી છે. લોન મેળવવા માટે, સોવરિન ગોલ્ડ બોન્ડ પણ કોલેટરલ તરીકે ગીરવે મૂકી શકાય છે.