બર્મિંઘમ: ભારતીય ટેબલ ટેનિસ ટીમમાં ફરી એક નવો વિવાદ ઊભો થયો છે અને આ વખતે કોમનવેલ્થ ગેમ્સના અભિયાન દરમિયાન આ વિવાદ સામે આવ્યો છે. મહિલા ટીમ ઇવેન્ટમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકે ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલા ભારતનો મલેશિયા સામેની ક્વાર્ટર ફાઇનલમાં પરાજય થતાં મોટો અપસેટ સર્જાયો હતો. મહત્વની વાત એ હતી કે મલેશિયાની ટીમની કેટલીક ખેલાડીઓ તો વર્લ્ડ રેન્કિંગમાં સામિેલ પણ નથી. આ નોકઆઉટ સ્ટેજની મેચ દરમિયાન ભારતની નોમિનેટેડ મહિલા કોચ અનિંદિતા ચક્રવર્તી હાજર રહી નહોતી અને તેમના સ્થાને મેન્સ ટીમના કોચ અને જી સાથિયાનના પર્સનલ કોચ એવા એસ રમન ત્યાં બેઠેલા જોવા મળ્યા હતા.
- ભારતીય ટીમની નોમિનેટેડ મહિલા કોચ અનિંદિતા ચક્રવર્તી મલેશિયા સામેની નોકઆઉટ સ્ટેજની મેચમાં ગેરહાજર રહી
- પુરૂષ કોચે એસ રમન મલેશિયા સામેની ખુબ જ કટોકચ રહેલી ક્વાર્ટર ફાઇનલમાં રીત ઋષ્યને કોચિંગ આપતા પણ જોવા મળ્યા
ક્વાર્ટર ફાઇનલમાં મેચ એવી કટોકટીની બની હતી કે જેના કારણે રમન રીત ઋષ્યને કોચિંગ આપતા પણ જોવા મળ્યા હતા. ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશનનું સંચાલન કરતી વહીવટદારોની કમિટીના એક સભ્ય એસ ડી મુદગીલે કહ્યું હતું આવું થવું જોઇતું નહોતું. મહિલાઓની મેચ દરમિયાન મહિલા કોચે જ હાજર રહેવાનું હતું. હું આ બાબતે ટીમ સાથે વાત કરીશ. મુદગીલે મેનેજર તરીકે ટીમની સાથે બર્મિંઘમમાં હોવું જોઇતું હતું પણ સ્પોર્ટસ સાઇકોલોજિસ્ટ ગાયત્રી વર્તાક ટીમ સાથે રહે તે માટે તેઓ ભારતમાં જ રોકાયા હતા.