ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતમાંથી નાબુદ થયેલા 24 જેટલા કાયદાઓના સંદર્ભમાં જમીનના નવી જુની શરતના પ્રશ્નોનો આખરી નિર્ણય જિલ્લાએ કક્ષાએથી લેવાશે, તેવો મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ તથા વહીવટમાં પારદર્શીતા લાવવા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
- જમીન માલિકોએ ગાંધીનગર નહીં જવું પડે
- નવી કે જૂની શરતના પ્રશ્નોનું નિરાકરણ હવે જિલ્લા કક્ષાએ જ થઇ શકશે
- મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણ માટે રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો
આજે સવારે ગાંધીનગરમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા ૨૪ જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે.
મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ ઘટ્યું
હવેથી આ નાબુદ કરાયેલા કાયદા હેઠળ જમીનના નવી કે જુની શરતના પ્રશ્નોનું નિરાકરણ હવે જિલ્લાકક્ષાએથી થશે, તેના માટે દરખાસ્ત મહેસુલ વિભાગમાં ગાંધીનગર મોકલવાની જૂરરત રહેશે નહીં. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતાં પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ હોવાથી અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો.
સુપ્રીમ કોર્ટે આખરે સુરતના અલથાણના ખેડૂતની જમીનને જુની શરતની ઠરાવી
ગાંધીનગર: સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીસ હેમંત ગુપ્તા તથા જસ્ટીસ વી રામાસુબ્રમણ્યમે મહત્વના આખરી આદેશમાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલી સ્પે, લીવ અપીલ રદ કરીને સુરતના અલથાણની ખેડૂતની જમીનને જુની શરતની ઠરાવી હતી. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પણ આ જમીનને જુની શરતની ઠરાવી હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશમાં દરમ્યાનગીરી કરવા જેવું લાગતું નથી, તેવું સ્પષ્ટ નિરીક્ષણ કરીને સરકારની લીવ અપીલ રદ કરી દેવાઈ હતી.
રાજ્ય સરકારની સ્પે. લીવ અપીલ રદ કરી
અરજદાર ખેડૂત વિજય ભરવાડની અલથાણની બ્લોક નંબર 5ની 2833 ચો.મી જમીન સંદર્ભે બિન ખેતીની પરવાનગી મેળવવા અરજી કરી હતી. આ જમીનના સુરત જિલ્લા કલેકટરે નવી શરતની જમીન માનીને તેને બિન ખેતીની પરવાનગી આપી નહોતી. જેની સામે મહેસુલ પંચે તેને બિન ખેતીની પરવાનગી આપવા આદેશ કર્યો હતો. તેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ કરી હતી. જે ચીફ જસ્ટીસ વિક્રમનાથ તથા જસ્ટીસ જે.બી. પારડીવાલાએ રદ કરી હતી. જેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પે. લીવ અપીલ કરી હતી. સરકાર તરફથી એવી રજૂઆત કરાઈ હતી કે જો આ જમીનને નવી શરતની નહીં ગણવામાં આવે તો સરકારને 95 લાખનું નુકસાન (પ્રીમીયમનું) થશે. જ્યારે અરજદાર ખેડૂત તરફથી સિનિયર એડવોકેટ કુમારેશ ત્રિવેદીએ દસ્તાવેજી પુરાવાઓ સાથે જમીન જુની શરતની હોવાની દલીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે એવું નિરીક્ષણ કર્યુ હતું કે , ‘જ્યારે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આ જમીનને જુની શરતની ઠરાવી હોય ત્યારે તેમાં અમને દરમ્યાનગીરી કરવી યોગ્ય લાગતું નથી.’