નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનો કાર્યભાળ સંભાળ્યા પછી હવે તેમના નવા મંત્રીમંડળનો શપથ સમારોહ આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં રાજભવનની લોનમાં યોજાશે. રૂપાણી મંત્રીમંડળમાંથી અંદાજિત એક ડઝન જેટલા મંત્રીઓ પડતા મૂકાય તેવી સંભાવના જોવાઈ રહી છે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કોને સમાવવા ? કોને પડતાં મૂકવા ? તે મુદ્દે ભાજપમાં હજુયે મંથન ચાલી રહ્યું છે.
ખાસ કરીને આજે ગાંધીનગરમાં ભાજપના બે સીનિયર કેન્દ્રીય નેતાઓ પૈકી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ અને ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી મળી હતી. જેમાં રાજકીય ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી. આ બેઠકમાં નવા નીમાયેલા સીએમ ભુપેન્દ્ર યાદવ, પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 20 જેટલા સીનિયર નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.ગઈરાત્રે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ અમદાવાદથી નવી દિલ્હી જવા રવાના થયા તે પહેલા ભુપેન્દ્ર યાદવ અમદાવાદ આવી પહોચતાં તેમની વચ્ચે ટૂંકી મુલાકાત થઇ હતી.
રૂપાણી સરકારના મંત્રી મંડળમાંથી સૌરાષ્ટ્રમાંથી આર.સી. ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, પરષોત્તમ સોલંકી અને યથાવત રાખવામાં આવે તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતમાંથી દિલીપ ઠાકોરને યથાવત રાખવામાં આવી શકે છે. મધ્ય ગુજરાતમાંથી જયદ્રથસિંહ પરમારને યથાવત રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી ગણપત વસાવા અને ઇશ્વરસિંહ પટેલને પણ યથાવત રાખવામાં આવી શકે છે.અમદાવાદના ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને યથાવત રખાય તેવી સંભાવના છે.
જે મંત્રીઓના પત્તા કપાય તેવી સંભાવના છે તેમાં ડે સીએમ નીતિન પટેલ, સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળિયા, વિભાવરીબેન દવે અને વાસણ આહિરનું પણ પત્તું કાપાઈ શકે છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, યોગેશ પટેલ અને બચુભાઈ ખાબડનું પણ પત્તું કપાઈ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી ઇશ્વર પરમાર, કિશોર કાનાણી અને રમણ પાટકરનું નામ પણ પડતું મૂકાય તેવી સંભાવના છે. ઈશ્વર પરમારના સ્થાને સુરત – ગઢડાના આત્મારમ પરમારને સ્થાન મળે તેવી સંભાવના છે.
સુરત શહેરમાંથી હર્ષ સંઘવી અને પૂર્ણેશ મોદી, અરવિંદ રાણા, મુકેશ પટેલના નામો ચર્ચામાં છે. તેવી જ રીતે ભરૂચમાંથી દુષ્યંત પટેલના નામની પણ ચર્ચા છે.મહિલાઓમાં ડૉ નીમાબેન આચાર્ય , પંચમહાલના મનીષા વકીલ, ઊંઝાના ડૉ આશાબેન પટેલ સહિતના નામોની ચર્ચા ચાલી રહી છે. અલબત્ત આ બધીજ અટકળો છે આખરી કેબીનેટના સંભવિત સ્થાન મેળવનારા નામો પર પીએમ નરેન્દ્ર મોદીની મહોર લાગશે તે પછી ફાઈનલ થશે.