National

1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં, ખાપ પંચાયતે સરકારને આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હીઃ (New Delhi) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોને ઘણા મોટા પૂર્વ ક્રિકેટરોનું (Crickets) સમર્થન પણ મળ્યું છે. 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓ સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, મદનલાલ વગેરેએ કુસ્તીબાજો સાથેની ઘટનાને દુ:ખદ ગણાવી છે. તેમણે કહ્યું કે અપેક્ષા છે કે કુસ્તીબાજોની માંગ સાંભળવામાં આવશે. આ ખેલાડીઓએ કુસ્તીબાજોને (Wrestlers) ઉતાવળમાં નિર્ણય ન લેવાની અપીલ કરી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મહેનતથી મેળવેલા મેડલને ગંગામાં ન ફેંકવા જોઈએ.

બીજી તરફ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વર્તમાન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની કથિત જાતીય સતામણીના આરોપમાં ધરપકડ કરવાની માગણી સાથે કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કુરુક્ષેત્રમાં ખાપ પંચાયત પૂર્ણ થયા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારને બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવા માટે 9 જૂન સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર આવું નહીં કરે તો જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજો અને ખેલાડીઓ સાથે મોટું વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.

1983 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સભ્યો કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, BCCI પ્રમુખ રોજર બિન્ની, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. બજરંગ પુનિયા, સાક્ષી મલિકના નેતૃત્વમાં ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ છે અને કુસ્તીબાજો તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે.

બીજી તરફ 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમે કુસ્તીબાજોના વિરોધ પર એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે “અમે અમારા ચેમ્પિયન કુસ્તીબાજો સાથે મારપીટના અભદ્ર દ્રશ્યોથી વ્યથિત અને પરેશાન છીએ. અમને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે તેઓ તેમની મહેનતની કમાણી ગંગા નદીમાં વહાવી દેવાનું વિચારી રહ્યાં છે. તે ચંદ્રકોમાં વર્ષોના પ્રયત્નો, બલિદાન, નિશ્ચય અને સંયમનો સમાવેશ થાય છે અને તે ફક્ત તેમનું જ નહીં પરંતુ દેશનું ગૌરવ અને આનંદ છે. અમે તેમને આ બાબતે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવા વિનંતી કરીએ છીએ અને તે પણ આશા છે કે તેમની ફરિયાદો સાંભળવામાં આવશે અને ઝડપથી તેનું નિરાકરણ કરવામાં આવશે.”

Most Popular

To Top