નવી દિલ્હીઃ (New Delhi) સંદેશખાલીમાં ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) પશ્ચિમ બંગાળની મુલાકાત નક્કી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ તેઓ 1 અને 2 માર્ચે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. વડાપ્રધાન 1 અને 2 માર્ચે આરામ બાગ અને કૃષ્ણનગરની મુલાકાત લેશે જે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં છે. વડાપ્રધાન 6 માર્ચે બારાસત જશે. તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટના બાદ પીએમ મોદીના બંગાળ પ્રવાસને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. એક રીતે જોઈએ તો વડાપ્રધાનની પશ્ચિમ બંગાળની આ મુલાકાત લોકસભાની ચૂંટણીના અભિયાનની શરૂઆત બની રહેશે. એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન મોદી ફરી એકવાર બંગાળમાં ભાજપને શક્ય તેટલી લોકસભાની બેઠકો જીતાડવા માટે પાર્ટીના અભિયાનની શરૂઆત કરશે.
બીજી તરફ સંદેશખાલીમાં હજી પણ ઘર્ષણ ચાલુ છે. ભાજપના મહિલા અગ્રણીઓનું એક પ્રતિનિધિ મંડળ આજે એટલેકે શુક્રવારે સંદેશખાલીની મુલાકાતે આવ્યું હતું. જ્યાં પ્રતિનિધિમંડળ પીડિત મહિલાઓ અને સ્થાનિક લોકોને મળવાનું હતું. જો કે પોલીસે ભાજપના પ્રતિનિધિમંડળને સંદેશખાલી જતા અટકાવ્યા હતા, જેના પગલે ભાજપના નેતાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બીજેપી ડેલિગેશનનું નેતૃત્વ બીજેપી સ્ટેટ યુનિટના જનરલ સેક્રેટરી લોકેટ ચેટર્જી અને અગ્નિમિત્રા પોલ કરી રહ્યા હતા. હંગામા બાદ પોલીસે ભાજપના નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.
બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી અશાંત બનેલા સંદેશખાલીમાં ફરી હંગામો થયો છે. હકીકતમાં ગુસ્સે થયેલા લોકોએ શુક્રવારે સવારે ભાગેડુ શાહજહાં શેખના ઠેકાણાઓ પર આગ લગાવી દીધી હતી. જ્યાં લોકોએ આગ લગાવી તે જગ્યા શાહજહાં શેખના ભાઈ સિરાજની હોવાનું કહેવાય છે. હંગામાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે ભીડને કાબૂમાં લીધી હતી. રોષે ભરાયેલા લોકોનો આરોપ છે કે પોલીસે વર્ષોથી કંઈ કર્યું નથી જેના કારણે હવે તેઓ પોતાની ઈજ્જત અને જમીન મેળવવા માટે બધું જ કરી છુટવા તૈયાર છે.