નવી દિલ્હી: (New Delhi) દેશની રાજધાની દિલ્હીમાંથી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. અહી નવી દિલ્હી રેલ્વે સ્ટેશન (Railway Station) પર 30 વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રેલવેના ઈલેક્ટ્રિસિટી વિભાગમાં કામ કરતા ચાર કર્મચારીઓ પર ગેંગરેપનો (Gang Rape) આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપીઓએ મહિલાને ખૂબ જ શાતિર રીતે ફસાવી હતી અને તેની સાથે ક્રૂરતા આચરવામાં આવી હતી. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પીડિત મહિલાએ લગભગ 2.30 વાગ્યે પોલીસને (Police) ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. શોધ કરતાં પીડિત મહિલા પોલીસને નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પરથી મળી આવી હતી.
ફરીદાબાદની રહેવાસી પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેણી છેલ્લા એક વર્ષથી તેના પતિથી અલગ રહે છે અને તેમના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. લગભગ બે વર્ષ પહેલાં મહિલા તેના કોમન ફ્રેન્ડ દ્વારા એક છોકરાને મળી હતી. છોકરાએ કહ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે અને તેને નોકરી પણ અપાવશે. આ દરમિયાન બંને વચ્ચે વાતચીતનો દોર વધવા લાગ્યો હતો. દરમિયાન ગઈ 21મી જુલાઈના રોજ યુવકે નવું મકાન ખરીદવાની ખુશીમાં પાર્ટી કરવાની વાત કરી હતી અને મહિલાને પણ ફોન કર્યો હતો. તે રાત્રે મહિલા લગભગ 10.30 વાગ્યે મેટ્રો દ્વારા કીર્તિનગર આવી હતી જ્યાંથી આરોપી તેને નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર લઈ ગયો હતો.
આરોપી યુવકે તેને વીજળી વિભાગના કર્મચારીઓ માટેના રૂમમાં બેસવાનું કહ્યું. થોડા સમય બાદ યુવક અને તેનો એક મિત્ર રૂમમાં આવ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને મહિલા પર અમાનુષી બળાત્કાર ગુજાર્યો હતો. તે જ સમયે તેના બે સાથીઓ દરવાજાની બહાર ચોકી કરતા હતા. આ બાબતની તાત્કાલિક નોંધ લેતા પોલીસે આઈપીસીની કલમ 376D/342 હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મહિલા સાથે દુષ્કર્મ કરનાર ચારેય આરોપીઓ રેલવેના વિજળી વિભાગમાં કર્મચારી છે. ડીસીપી રેલવે હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.