નવી દિલ્હી: (New Delhi) કેન્દ્ર સરકારે દેશના પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવને (Narsimha Rav) મરણોત્તર દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન (Bharat Ratna) આપવાની જાહેરાત કરી છે. નરસિમ્હા રાવ સતત આઠ ચૂંટણી જીત્યા અને કોંગ્રેસ પાર્ટીમાં 50 વર્ષથી વધુ સમય ગાળ્યા પછી ભારતના વડાપ્રધાન બન્યા. રાવને ભારતીય રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. દેશને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવાનો શ્રેય તેમને આપવામાં આવી છે. તેમને ભારતમાં આર્થિક ઉદારીકરણના પિતા માનવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે પોસ્ટ કર્યું કે તેમનું યોગદાન અભૂતપૂર્વ હતું, જેનું દરેક ભારતીય સન્માન કરે છે. બીજી તરફ કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ નરસિમ્હા રાવને ‘ભારત રત્ન’ એનાયત કરવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે. જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે સોનિયા ગાંધીએ સંસદ સંકુલમાં પત્રકારોને કહ્યું કે, ‘”I welcome It’’ હું તેનું સ્વાગત કરું છું.
આ સન્માન 20 વર્ષ પહેલા મળવાનું હતું… ભાઈએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પીવી નરસિમ્હા રાવના ભાઈ પીવી મનોહર રાવે સરકાર દ્વારા નરસિમ્હા રાવને આપવામાં આવેલા ભારત રત્ન એવોર્ડ પર ખુશી વ્યક્ત કરી છે. તેઓએ પીએમ મોદીનો પણ આભાર માન્યો. IANS સાથે ખાસ વાત કરતા તેમણે કહ્યું કે આ સન્માન 20 વર્ષ પહેલા મળવું જોઈતું હતું. તેમણે કહ્યું કે મનમોહન સિંહ 10 વર્ષ સુધી દેશના પીએમ રહ્યા અને કોંગ્રેસની સરકાર હોવા છતાં તેઓ નરસિમ્હા રાવને ભારત રત્ન ન આપી શક્યા. આજે અમારા પરિવારમાં દરેક વ્યક્તિ આ જાહેરાતથી ખૂબ જ ખુશ છે. નરસિમ્હા રાવની પુત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના વિધાન પરિષદના સભ્ય વાણી દેવીએ શુક્રવારે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ માટે તેમના પિતાના નામાંકનની પ્રશંસા કરી અને આ નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
જ્યારે નરસિમ્હા રાવના પાર્થિવ શરીરને કોંગ્રેસ કાર્યાલયમાં લાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી..
2004માં જ્યારે રાવનું અવસાન થયું ત્યારે તેમના અંતિમ સંસ્કાર પણ દિલ્હીમાં કરવા દેવામાં આવ્યા ન હતા. દેશના પૂર્વ પીએમ અને આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ રાવના પાર્થિવ દેહને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય સુધી પણ પહોંચવા દેવામાં આવ્યો ન હતો. તેમનો મૃતદેહ 24 અકબર રોડની બહાર રાખી તેમના સ્વજનો પાર્ટી ઓફિસની અંદર લઈ જવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ પાર્ટી ઓફિસમાં તેમના દેહને રાખવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બાદમાં તેમના અંતિમ સંસ્કાર આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યા હતા.
18થી વધુ ભાષા જાણતા હતા નરસિમ્હાર રાવ
જણાવી દઈએ કે પીવી નરસિમ્હા રાવ આઠ બાળકોના પિતા હતા, 10 ભાષાઓ બોલી શકતા હતા અને અનુવાદમાં પણ માસ્ટર હતા. નરસિમ્હા રાવ 20 જૂન, 1991 થી 16 મે, 1996 સુધી દેશના વડાપ્રધાન હતા. જ્યારે તેઓ પ્રથમ વખત વિદેશ પ્રવાસે ગયા ત્યારે તેમની ઉંમર 53 વર્ષની હતી. રાવ તેમની બૌદ્ધિક અને બહુભાષી ક્ષમતાઓ માટે ખૂબ પ્રખ્યાત હતા. તે તેલુગુ, હિન્દી, અંગ્રેજી અને દ્રવિડિયન ઉપરાંત ઈન્ડો-યુરોપિયન ભાષાઓ સહિત લગભગ 18 ભાષાઓ જાણતા હતા. તેમણે કાયદાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને નાની ઉંમરે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો.